દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 16 ઈંચ વરસાદ ખાબક્યો

Featured Gujarat

ગાંધીનગર: છેલ્લા ચાર દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. દક્ષિણ ગુજરાતના ડાંગમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ઉમરપાડામાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 12 ઈંચ, નર્મદાના ડેડિયાપાડા અને સાગબારામાં 6 ઈંચ, સુરતના બારડોલીમાં સવા પાંચ ઈંચ, માંડવીમાં 5 ઈંચ, ડાંગમાં 5 ઈંચ, વલસાડના ધરમપુરમાં સવા ચાર ઈંચ, બોટાદના ગઢડામાં સવા ચાર ઈંચ અને તાપીના સોનગઢ, નવસારીના ખેરગામ અને ડાંગના વઘાઈમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંક ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતાં.

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદે શરૂ કરેલી ધમાકેદાર બેટિંગથી નદીઓ ગાંડીતૂર બની છે. ડાંગમાં ભારે વરસાદને કારણે ડુંગરોમાંથી પાણીના ધોધ વહી રહ્યાં હતાં. આ ઉપરાંત ભારે વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.

વહેલી સવારથી જ સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાત, સુરત અને ડાંગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે અમુક જગ્યાએ બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેને લઈને અનેક જગ્યાએ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

આ ઉપરાંત મધ્ય પ્રદેશમાંથી ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું જેના કારણે નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડાંતા કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જ્યારે નાગરિકોને નદી કિનાર ન જવાની સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *