|

દે ધના ધન: છોટાઉદેપુરના ક્વાંટમાં 24 કલાકમાં 20 વરસાદ ખાબક્યો

વડોદરા: છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી મેઘરાજા દે ધના દન કરી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે. જેમાં ક્વાંટમાં 20 અને છોટાઉદેપુરમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે.

ક્વાંટમાં 24 કલાકમાં જ 20 ઈંચ વરસાદ અને રામી ડેમ ઓવરફ્લો થતાં પાણી હેરણ નદીમાં આવતાં હેરણ નદી ગાંડીતુર બની છે. આ સાથે ઓરસંગે પણ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં કાંઠા વિસ્તારોનાં 40થી વધુ ગામોમાં પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે ચિખોદરા-કોસિન્દ્રા વચ્ચેનો હેરણનો પુલ તૂટી જતાં ગામ સંપર્ક વિહોણુ બન્યુ હતું.

છોટાઉદેપુર જિલ્લામાં બુધવાર રાતે આઠ વાગ્યાથી શરૂ થયેલા વરસાદના આક્રમણના પગલે સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ક્વાંટ તાલુકામાં 20 ઈંચ વરસાદ અને છોટાઉદેપુરમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 24 કલાકમાં જ તોફાની વરસાદના કારણે રામી ડેમ પણ ઓવરફ્લો થતાં હેરણ નદી ગાંડીતુર બની હતી. આ ઉપરાંત ઓરસંગ પણ બે કાંઠે વહેતી થતાં લોકો નદીના નીર નીહાળવા માટે ઉમટી પડ્યાં હતાં.

રામી ડેમે 196.55ની સપાટી વટાવી 20 સેન્ટીમીટરે ઓવરફ્લો થઈ હતી. મધરાતે વરસાદી પાણીના ધસમસતા પ્રવાહના કારણે 40થી વધુ ગામોને દોડવાનો વારો આવ્યો હતો. પાવીજેતપુર તાલુકાના ગામોમાં મધરાતે બે વાગ્યે વરસાદી પાણી ભરાતાં લોકોને સલામત સ્થળે ખસેડાયા હતાં.

મધ્યગુજરાતમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ લાંબા સમય બાદ વરસાદે એન્ટ્રી લેતાં ચોમાસાએ જમાવટ કરી હતી. જેમાં જાંબુઘોડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોધરામાં વરસાદના આગમનના પગલે પ્રથમ વખત મેસરી નદી બે કાંઠે આવી હતી. જ્યારે દાહોદ જિલ્લાના ધાનપુરમાં 4 ઇંચ અને દાહોદ, બારિયા, ગરબાડા અને લીમખેડામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. લીમખેડાની હડફ અને માછણ નદી બે કાંઠે આવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.