ગુનાઃ 108ની સર્વિસ ઘણી વાર ભગવાન જેવી લાગે છે. હાલમાં જ મધ્યપ્રદેશના ગુનામાં મહિલાનું જીવન બચાવવા માટે 108ના પુરુષ કાર્યકર્તાએ ડિલિવરી કરાવી હતી. ગુનાના આરોનના કકરુઆ ગામમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. મહિલાએ 108માં જ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો હતો.
પરિવારે સંમતિ આપી
પુરુષ કાર્યકર્તાએ પરિવારની સંમતિ બાદ જ મહિલાની ડિલિવરી કરાવી હતી. પુરુષ કાર્યકર્તાએ કહ્યું હતું કે મહિલા તથા તેના બાળકને જીવનું જોખમ હતું. આથી જ તેણે તાત્કાલિક ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો હતો. 108ના જિલ્લા પ્રભારી શિવકાંત ઉપાધ્યાયે કહ્યું હતું કે 108માં રહેલા તમામ પુરુષોને ટ્રેનિંગ આપેલી છે. જોખમ જેવી પરિસ્થિતિમાં તેઓ જાતે નિર્ણય લે છે. ઈજાગ્રસ્તોને પણ તેઓ સારવાર આપી શકે છે.
સ્વાસ્થ્ય કેન્દ્ર 13 કિમી દૂર હતું
108ના ઈએમટી રાજીવે કહ્યું હતું કે આરોનના કકરુઆ ગામમાંથી તેમને ફોન આવ્યો હતો. પ્રસૂતા કમલેશબાઈ, તેના પરિવારજનો તથા આશા કાર્યકર્તાને 108માં સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતાં. જોકે, પાંચ કિમી બાદ જ પ્રસૂતાને પ્રસવ પીડા વધી ગઈ હતી. મહિલાની હાલત ઘણી જ ગંભીર થઈ ગઈ હતી. સ્વાસ્થ્ય કેન્દ્ર 13 કિમી દૂર હતું. પરિવારની સંમતિ બાદ તેણે ડિલિવરી કરાવી હતી. ત્યારબાદ મહિલાએ બે બાળકીઓને જન્મ આપ્યો હતો.