Exclusive: બહેન-દીકરીઓ માટે ‘મસિહા’ બન્યો અક્ષય કુમાર, જાણો અક્કી એવું તો શું કરે છે?

Bollywood Feature Right

ગીતી સહગલ, મુંબઈઃ અક્ષય કુમાર પોતાની ફિલ્મને કારણે જ નહીં પણ પોતાની ચેરિટીને કારણે પણ ચાહકોમાં એટલો જ લોકપ્રિય છે. વાત જ્યારે ભારતના જવાનોની આવે તો અક્ષય કુમાર તેમાં આગળ પડતો ભાગ ભજવતો હોય છે. પુલવામા અટેક હોય કે પછી અન્ય કોઈ વાત, અક્ષય કુમાર સૈન્ય માટે પોતાનાથી શક્ય તેટલી મદદ કરે જ છે. જોકે, અક્કી માત્ર સૈનિકો જ નહીં પરંતુ ખેડૂતો માટે પણ એટલું જ કરે છે. આજે અમે તમને અક્ષયની એક એવી વાત જણાવીશું, જે જાણ્યા બાદ તમને એક્ટર પર માન ઉપજશે.

અક્ષય કુમાર પાસે જાપનના ગો જુ ર્યુ કરાટેમાં 6 ડિગ્રી બ્લેક બેલ્ટ છે. ઉલ્લેખનીય છે કે એક ડિગ્રી માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષની ટ્રેનિંગ લેવી પડે. આ રીતે અક્ષયે 18 વર્ષ ટ્રેનિંગ લઈને બ્લેક બેલ્ટ હાંસલ કર્યાં છે. આટલું જ નહીં અક્ષય પાસે સિંહન ટાઈટલ છે. સિંહન ટાઈટલ એટલે શિક્ષકોના શિક્ષક.

ડિસેમ્બર, 2012માં નિર્ભયા પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને આખો દેશ પોતાની દીકરીઓની સલામતીને લઈને ચિંતિંત બન્યો હતો. આ સમયે અક્ષય કુમારે આદિત્ય ઠાકરે સાથે મળીને વુમન્સ સેલ્ફ ડિફેન્સ સેન્ટર (WSDC) મુંબઈમાં અંધેરીમાં શરૂ કર્યું હતું.

WSDCના ચીફ ઈન્સ્ટ્રક્ટર તથા કો-ફાઉન્ડર મેહુલ વોરાએ OneGujarat.Comસાથેની વાતચીતમાં કહ્યું હતું કે અક્ષય કુમાર નિર્ભયાકાંડથી ઘણો જ વ્યથિત તથા દુઃખી હતો. તેણે મહિલાઓ અને તેમાંય ખાસ કરીને યુવતીઓ-છોકરીઓને સેલ્ફ ડિફેન્સ શીખવવાનું નક્કી કર્યું હતું. WSDCમાં મહિલાઓ, છોકરીઓ અને યુવતીઓ મફતમાં સેલ્ફ ડિફેન્સ શીખે છે. અક્ષયકુમાર ઈચ્છતો હતો કે મહિલાઓ રસ્તા પર કોઈ પણ જાતના ભય કે ડર વગર આરામથી હરીફરી શકે અને એ માટે તેમને સેલ્ફ ડિફેન્સ કરતાં આવડે તે જરૂરી છે.

WSDCમાં ચાર ટ્રેનર્સ હોય છે, જે યુવતીઓ-મહિલા કે છોકરીને સેલ્ફ ડિફેન્સ શીખવે છે. તેમાંથી એક જતીન નાયકે OneGujarat.Comસાથેની વાતચીતમાં કહ્યું હતું કે આદિત્ય ઠાકરેએ અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક મોટો હોલ ફાળવ્યો હતો અક્ષયે તમામ સાધનોના પૈસા આપ્યા હતાં. અક્ષયે ખાસ કોરિયાથી રૂપિયા એક કરોડની મેટ્સ મગાવી હતી.

વધુમાં નાયકે કહ્યું હતું કે અક્ષય કુમાર ચારેય ટ્રેનર્સની ફી પણ ચૂકવે છે. આ ટ્રેનર્સ દર અઠવાડિયે સેલ્ફ ડિફેન્સ શીખવવા આવે છે. ચાર ટ્રેનર્સની ફી અંદાજે એક લાખ રૂપિયા મહિને હોય છે, જેનો તમામ ખર્ચ અક્ષય કુમાર ભોગવે છે. અક્ષય કુમાર તથા મેહુલ વોરાએ સેલ્ફ ડિફેન્સની ટેક્નિક્સ ડિઝાઈન કરી છે અને તેના કોપી રાઈટ WSDC, અક્ષયકુમાર તથા મેહુલ વોરા પાસે છે.

નાયકે ટેકનિક્સ અંગે વાત કરતા કહ્યું હતું કે સેલ્ફ ડિફેન્સમાં જુડો તથા કરાટેની બેઝિક ટેકનિક્સ ઉપરાંત કિક બોક્સિંગ, પંચિંગ હોય છે. તેઓ યુવતીઓને હુમલાખોરની આંખમાં કેવી રીતે વાર કરવું તે શીખવે છે. જોકે, આ વાત માર્શલ આર્ટ્સમાં લીગલ નથી પરંતુ હુમલાખોર અચાનક જ હુમલો કરે તો મહિલા કે યુવતી પોતાના સ્વ બચાવમાં હુમલાખોરની આંખમાં અટેક કરી શકે છે. આ બાબત ખાસ શીખવવામાં આવે છે. આ જ કારણથી આ ટેકનિક્સના કોપીરાઈટ લેવામાં આવ્યા છે.

WSDC અંગે વાત કરતા જતીને કહ્યું હતું કે એક મહિનાનો બેઝિક કોર્સ હોય છે, જે દર શનિ-રવિ યોજાતો હોય છે. અત્યાર સુધી એટલે કે મે, 2013થી 2020 જાન્યુઆરી સુધી 70 હજાર યુવતીઓ આ બેઝિક કોર્સ શીખી ચૂકી છે. જે યુવતીઓ મહિનાના ચારેય શનિ-રવિ ક્લાસમાં હાજર રહી હોય તેમને સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેઓ એક દિવસ પણ ગેરહાજર રહ્યાં હોય તો તેમણે બીજીવાર ટ્રેનિંગ લેવી પડે છે.

દર મહિને 60-80 જેટલી યુવતીઓ WSDC જોડાય છે પરંતુ જે મહિનાના તમામ શનિ-રવિ હાજર ના રહી હોય તેમને સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. એક ક્લાસ દોઢ કલાકનો હોય છે.

અક્ષય કુમાર ગમે ત્યારે અચાનક WSDCની મુલાકાત લેતો હોય છે. જોકે, મોટાભાગે અક્ષય કુમાર સર્ટિફિકેટ ડિસ્ટ્રબ્યૂશનમાં અચૂક હાજર રહે છે. જોકે, છેલ્લાં એક વર્ષથી અક્ષય કુમાર સતત વ્યસ્ત હોવાથી તે સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યૂશનમાં હાજર રહ્યો નહોતો. આથી જ ગત્ 29 ફેબ્રુઆરીએ એક સાથે હજાર યુવતીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. અહીંયા ગુજરાતી, ઉદેપુર તથા સીલીગુડીમાંથી યુવતીઓ સેલ્ફ ડિફેન્સ શીખવા આવે છે. અક્ષય કુમાર અંધેરીના સેન્ટરનો તથા થાનેના એક સેન્ટરનો (આ સેન્ટર વર્ષ 2014માં શરૂ થયું હતું) ખર્ચ ઉઠાવે છે. WSDCના અન્ય સેન્ટર્સ નવસારી સીલીગુડી, ઉદેપુરમાં છે પરંતુ આ સેન્ટર્સનો ખર્ચ અક્ષય ભોગવતો નથી.

જો કોઈ યુવતી કે છોકરી બેઝિક કોર્સ બાદ ઈન્ટરમીડિયેટ કોર્સ કરવા ઈચ્છતી હોય તો તેનો ખર્ચ પણ અક્ષય કુમાર ઉઠાવે છે. ઈન્ટરમીડિયેટ કોર્સ છ મહિનાનો હોય છે અને ત્યારબાદ એડવાન્સ કોર્સ એક વર્ષો હોય છે. આની ફી પણ અક્ષય કુમાર ચૂકવે છે. આ કોર્સ વધુ મોંઘો હોય છે. આમાં ઈન્સ્ટ્રક્ટર્સની ફી પણ મોંઘી હોય છે અને સાધનો જેવા કે ડમી ગન, હેલમેટ્સ વગેરેના પૈસા અક્ષય કુમાર જ આપે છે. અત્યારસુધી 120 યુવતીઓએ ઈન્ટરમીડિયેટ અને 35 યુવતીઓએ એડવાન્સ કોર્સ પૂરો કર્યો છે.

અક્ષય કુમારે માત્ર એક કરોડ રૂપિયાની મેટ મુંબઈ સેન્ટર માટે લાવી આપી હતી. આ ઉપરાંત અક્ષય કુમા દર મહિને 3થી ચાર લાખ રૂપિયા મુંબઈ સેન્ટર પાછળ ખર્ચે છે.

જતીન નાયકે કહ્યું હતું કે આ સેન્ટરમાં કોઈ સેલિબ્રિટીના બાળકો જોડાતા નથી. તેઓ પ્રાઈવેટ ટ્રેનર રાખીને શીખતા હોય છે. જોકે, સોનાક્ષી સિંહા તથા તાપસી પન્નુએ આ સેન્ટરમાંથી બેઝિક કોર્સ કર્યો હતો. જોકે, તેઓ અલગથી આવીને શીખ્યા હતાં. તેઓ નહોતો ઈચ્છતા કે તેમના હોવાથી ક્લાસ આખો ડિસ્ટર્બ થાય.

વર્ષ 2016માં અક્ષય કુમારે શ્રેયા નાયક નામની યુવતીનું સન્માન કર્યું હતું. અંધેરીમાં રહેતી આ યુવતીએ WSDCમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લીધી હતી. તેને છેડકી કરવામાં આવી હતી અને તે છેડતી કરનાર સામે લડી હતી અને તેને પોલીસને સોંપ્યો હતો. અક્ષયકુમાર ભારતભરમાં આવા અનેક સેન્ટર્સ ખોલવા ઈચ્છે છે.

23 વર્ષીય નિધિ ચૌધરી સરકારી કર્મચારી છે. હૈદરાબાદમાં થયેલા ગેંગરેપ બાદ તેણે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લેવાનું નક્કી કર્યું હતું. તેને અક્ષય કુમારના WSDC વિશે ખબર પડી અને તે અહીંયા ટ્રેનિંગ લેવા આવતી હતી. તેનો હવે માત્ર એક જ ક્લાસ બાકી રહ્યો છે. એ ક્લાસમાં જતીનસર એક્ઝામ લેતા હોય છે. ક્લાસ જોઈન કર્યા પહેલાં તેને ખબર નહોતી કે કોઈ તેને ગંદી રીતે ટચ કરે અથવા તો તેની પર હુમલો કરે તો તેણે વળતો જવાબ કેવી રીતે આપવાનો. હવે તે ઘણું બધું શીખી ગઈ છે અને તેનામાં આત્મવિશ્વાસ છે. હવે તેને ખ્યાલ આવી ગયો છે કે હુમલાખોરના ચહેરા તથા આંખોમાં કેવી રીતે માર મારવાનો છે.

ઉર્મી ફાઉન્ડેશન સાથે જોડાયેલી દેવી કિરોસ્કરને સંસ્થાએ WSDCમાં જોડાવાનું કહ્યું હતું. ઉર્મી ફાઉન્ડેશન મહિલાઓને પ્રોટેક્શન આપતી એક સ્વૈચ્છિક સંસ્થા છે. એક સમયે તેને ખ્યાલ નહોતો કે કોઈ પુરુષ તેની પર હુમલો કરે કે તેને ટચ કરે તો તેણે શું કરવું જોઈએ. આજે તે વળતો જવાબ આપવા સક્ષમ છે. તેને અહીંયા એ વાત શીખવા મળી કે પેન, કી, સ્પ્રે ગમે તે વસ્તુને હથિયાર બનાવીને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો.

હાઉસવાઈફ દિવ્યા પટેલ પોતાની છ વર્ષીય દીકરી ક્રિશા પટેલને લઈ WSDC આવે છે. દિવ્યાએ OneGujarat.Com સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેનો પતિ કામને લઈ સતત ટ્રાવેલ કરતો હોય છે અને તેને તેમના બંનેની ચિંતા થતી હોય છે. દીકરી માંડ છ વર્ષની છે. પેપરમાં પણ નાની દીકરીઓ પર થતા દુષ્કર્મના સમાચાર વાંચીને તેને વધુ ડર લાગતો. WSDCમાં ગમે તે ઉંમરની યુવતી, મહિલા કે છોકરીઓ સેલ્ફ ડિફેન્સના ક્લાસ મફતમાં શીખી શકે છે. તો તેઓ અહીંયા દીકરી સાથે સેલ્ફ ડિફેન્સ શીખે છે. તેમની દીકરી તદ્દન અજાણી વ્યક્તિ પાસેથી કંઈ જ લેતી નથી અને કોઈ પણ ખરાબ રીતે ટચ કરે તો તે બૂમાબૂમ કરી મૂકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *