ત્રણ-ત્રણ મોટા એમડી ડૉક્ટરોએ કેસને ફેઈલ ગણાવ્યો હતો, સરકારી હોસ્પિટલે 5 દિવસમાં સાજા કર્યા
સામાન્ય રીતે લોકોના મનમાં સરકારી હોસ્પિટલને લઈને સારી છાપ હોતી નથી. ઘણાલોકો એવું સમજે છે સિવિલ હોસ્પિટલમાં જાવ એટલે દર્દીનું આવી જ બન્યું. જોકે એવું નથી. હવે સરકારી હોસ્પિટલમાં આધુનિક સાધનો અને એક્સપર્ટ ડૉક્ટર્સની મદદથી જટીલ કેસ પણ સાજા કરી દેવામાં આવે છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે, જે વાંચીને તમને પણ વિશ્વાસ નહીં થાય. ડૉક્ટરની મહેનતની સાથે દર્દીનું મનોબળ એટલું મક્કમ હતું કે કોરોનાએ ભાગવું જ પડ્યું હતું.
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આણંદપુર ગામના 50 વર્ષીય ચંદ્રાબેન ખાચરને કોરોનાનો ચેપ લાગ્યો હતો. બાદમાં તેમને સંક્રમણ ખૂબ વધી ગયું હતું. રિપોર્ટ કરાવ્યા તો પરિવારના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. ચંદ્રાબેનના રિપોર્ટમાં CRP સ્કોર 272 જેટલો ઉચો આવ્યો હતો. જ્યારે ડી-ડાયમર ટેસ્ટ કરાવતા સ્કોર 4200 આવ્યો હતો. એટલું જ નહીં ફેફસાં પણ 80 ટકા ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા.
ચંદ્રાબેન ખાચરને ગંભીર સ્થિતિમાં રાજકોટ લઈ જવામાં આવ્યા હતા, પણ અહીં બેડ ન મળતાં તેમને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં ત્રણ-ત્રણ ડૉક્ટરોએ તેમનો કેસ ફેઈલ ગણાવી હાથ અધ્ધર કરીને સારવાર કરવાની મનાઈ કરી હતી. હતી. ત્રણ-ત્રણ મોટા ગજાના ડૉક્ટોરોએ ના પાડી દીધા બાદ પરિવાર હતાશ થઈ ગયો હતો.
અંતે પરિવારે નક્કી કર્યું કે જીવવું તો પણ ગામમાં અને હવે મરવું તો પણ ગામમાં. આવું માનીને ચંદ્રાબેનને જસદણ પાસે આવેલા વીરનગરના કોવિડ હેલ્થ સેન્ટર ખાતે લઈને આવ્યા હતા. તબિયત ભલે નાજુક હોય પણ ચંદ્રાબેનનું મનનું મનોબળ ખૂબ મક્કમ હતું. શરીર ભલે સાથ નહોતું આપતું પણ તેઓ મનથી જરાય હિંમત હાર્યા નહોતા. આ કોવિડ સેન્ટરમાં નોડલ ઓફિસર ડો. ધવલ ગોસાઈ, મેડિકલ ઓફિસર ડો. વિધિ વાઘેલા, ડો. શીતલ મેનીયા, ડો. નીલેશ બાંભણીયા અને ડો. હેતલ નકુમે ચંદ્રાબેનની સારવાર શરૂ કરી હતી.
આ અંગે નોડલ ઓફિસર ડો. ધવલ ગોસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચંદ્રાબેનની સ્થિતિ ખૂબ ગંભીર હતી. અમે જ્યારે ગ્લુકોઝની બોટલ ચઢાવવા માટે નસ પકડવાનો પ્રયત્નો કર્યો તો ડી-ડાયમર વધુ હોવાથી ચંદ્રાબેનને ક્લોટ થઈ ગયા હતા. જોકે અમે પણ હિંમત હાર્યા નહોતા અને ચંદ્રાબેન પણ હિંતમ હાર્યા નહોતા. ત્યાર બાદ વાર-સાંજના અડધી કલાકના મહામુત્યુંજય મંત્રના જાપ, સતત કાઉન્સેલિંગ અને ચંદ્રાબેનના મનોબળના પ્રતાપે ત્રીજા દિવસથી અમને હકારાત્મ રિઝલ્ટ દેખાવા લાગ્યું હતું. ત્યાર બાદ 12 દિવસની સારવાર બાદ તેઓ મોતના મુખમાંથી બહાર આવ્યા હતા અને કોરોનાને હરાવ્યો હતો.