‘બાબા કા ઢાબા’ ફૅમ કાંતા પ્રસાદે કેમ માફી માગી, સામે શું મળ્યો જવાબ

Feature Right National

નવી દિલ્હીઃ દિલ્હીના માલવીય નગરમાં બાબા કા ઢાબા ચલાવનાર કાંતા પ્રસાદ હવે ફરી પોતાના જુના ‘બાબા કા ઢાબા’ પર પરત આવી ચૂક્યા છે. તેમણે યુટ્યૂબર ગૌરવ વાસનની માફી પણ માંગી છે. ગૌરવના વીડિયો બાદ જ ‘બાબા કા ઢાબા’ ચર્ચામાં આવ્યો અને સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ લોકપ્રિય થયો હતો. જોકે પછી મદદ માટે આવેલા પૈસાને કારણે કાંતા પ્રસાદે ગૌરવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. હવે બાબા તરફથી પોતાની ભૂલનો સ્વીકાર કરવામા આવ્યો છે અને તેમણે માફી માંગતા ગૌરવે પણ તેની પર પ્રતિક્રિયા આપી હતી.

ગૌરવની ‘સ્વાદ ઓફિશિયલ’ નામની એક યુટ્યૂબ ચેનલ છે. આ ચેનલ પર ગત વર્ષે 6 ઓક્ટોબરે 11 મિનિટનો એક વીડિયો અપલોડ કરવામા આવ્યો હતો. જેમાં 80 વર્ષથી વધુ વયના કાંતા પ્રસાદે રડતા-રડતા જણાવ્યું હતું કે- તેમને 2 દીકરા અને 1 દીકરી છે અને કોઈ તેમની મદદ કરતું નથી. તે અને પત્ની જ ઢાબામાં જમવાનું બનાવીને વેચે છે. આ વીડિયો બાદ તો કાંતા પ્રસાદના ભાગ્ય જ બદલાઈ ગયા. સમગ્ર દેશમાંથી તેમને પ્રેમ મળવા લાગ્યો અને ઘણા લોકો તેમની મદદ માટે આગળ આવ્યા. ઘણા એક્ટર-નેતાએ પણ આગળ આવી તેમની મદદ કરી હતી.

આ દરમિયાન જ કાંતા પ્રસાદ અને ગૌરવ વાસન વચ્ચે અણબનાવ થયો. આ વિવાદ વધ્યો તો તેમણે 31 ઓક્ટોબર 2020 ના ગૌરવ પર છેતરપિંડીનો કેસ કર્યો હતો. કાંતા પ્રસાદે આરોપ લગાવ્યો કે, ગૌરવે લોકો પાસેથી મોટાપાયે રકમ મેળવી હતી, પરંતુ તેમને અમુક જ રકમ આપી હતી. વાસને આરોપોનો ઈન્કાર કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે, બાબાના નામ પર દાનમાં 4.20 લાખ રૂપિયા મળ્યા હતા અને તે તેણે તેમને આપી દીધા હતા.

કાંતા પ્રસાદે રેસ્ટોરાં શરૂ કરી હતી પરંતુ કોરોનાકાળ અને લૉકડાઉન વચ્ચે રેસ્ટોરાંનો બિઝનેસ ફ્લોપ જતા તેઓ ફરી પોતાના જુના સ્થળ ‘બાબા કા ઢાબા’ પર પહોંચી ગયા હતા. કાંતા પ્રસાદે ગૌરવની માફી માંગતા કહ્યું કે,‘ગૌરવે મને દગો નહોતો આપ્યો. તમે મને કહો આ પેપર પણ સહી કરી આપો તો હું કરી દઈશ. મને થોડી ખબર પડે છે કે તેની પર શું લખેલું હશે.

ગૌરવથી મને કોઈ સમસ્યા નથી અને તે જ્યારે પણ મારી પાસે આવશે તેનું સન્માન કરીશ. અમે જાણી જોઈને ગૌરવને તકલીફ નથી પહોંચાડી. અજાણતા થયેલી તકલીફ પહોંચી હોય તો માફી માંગુ છું. મારાથી ત્યાં ભૂલ થઈ કે મે કહ્યું કે- અમે ગૌરવ વાસનને નહોતો બોલાવ્યો તે જાતે આવ્યો હતો. તે વાત અંગે અમે માફી માગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ગૌરવ અમારી સાથે જોડાય અને અગાઉની જેમ અમને મળે, પરંતુ તેઓ પહેલા અમારી પાસે આવે તો ખરા.’

કાંતા પ્રસાદના નિવેદન બાદ ગૌરવ વાસને ઈન્સ્ટાગ્રામ પર આ અંગે જવાબ આપ્યો હતો. તેણે માત્ર એક જ શબ્દ લખ્યો હતો- ‘કર્મા’. કાંતા પ્રસાદે ઢાબા પર પરત આવ્યા રેસ્ટોરાં અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, મદદમાં મળેલી રકમનો ઉપયોગ કરતા રેસ્ટોરાં ખોલી હતી. જોકે લૉકડાઉન અને કોરાના સંકટથી ગ્રાહકો ઓછા હતા.

1 લાખના ખર્ચ સામે 30 હજારની આવક હતી. જેથી રેસ્ટોરાં બંધ કરી તેઓ ઢાબા પર પરત આવ્યા. તેમણે ઘણી રકમ રેસ્ટોરાં પાછળ ખર્ચી હતી. જ્યારે અમુક પૈસા ઘરના રિપેરિંગ પાછળ અને જુના દેવા ચુકવવા માટે ખર્ચ કર્યા. અમુક રકમ તેમણે ભવિષ્ય માટે બચાવી રાખ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *