પૈસાનો મોહ માણસ પાસે શું શું નથી કરાવતો. ઘણીવાર વાર પૈસાની લાલચમાં વ્યક્તિ એ હદે ખરાબ કામ કરી નાખે છે કે તેને જ્યારે ભાન પડે છે ત્યારે ઘણું જ મોડું થઈ ગયું છે. હાલમાં જ પેટની જણી સગી દીકરીએ માતાની હત્યા માત્ર પાંચ લાખ રૂપિયા માટે કરી નાખી હતી. આટલું જ નહીં તેણે બીજી બેનને માતા ડૂબી ગઈ હોવાની ખોટી વાર્તા ઘડી કાઢી હતી.
ક્યાંની ઘટનાઃ મધ્યપ્રદેશના બૈતુલ-પરાસિયા સ્ટેટ હાઇવે પર છ જૂનના રોજ જંગલમાં બંજારી માઈની પાસે એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળ્યો હતો. વૃદ્ધ મહિલાની હત્યા સગી દીકરી-જમાઈએ કરી હતી. તેમણે લાશને પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને કારમાં મૂકી હતી અને પછી જંગલમાં ફેંકી દીધી હતી. મોટી બહેનને એમ કહ્યું હતું કે તેઓ નર્મદા ગયા અને ત્યાં માતા નદીમાં ડૂબી ગઈ. નાની બહેન તથા જમાઈએ માતા ગુમ થઈ ગઈ હોવાની પોલીસ ફરિયાદ પણ કરી હતી. તેમણે માત્ર 5.89 લાખ રૂપિયાની લાલચમાં માતાની હત્યા કરી હતી.
પાથાથેડામાં રહેતી 60 વર્ષીય ભગિરથી ઝરબડેની દીકરી તથા જમાઈનું પોલીસે નિવેદન લીધું તો તેઓ થોડાં કન્ફ્યૂઝ થઈ ગયા હતા. પોલીસે કડકાઈથી પૂછપરછ કરી તો બંનએ હત્યા કરી હોવાની વાત સ્વીકારી હતી.
ગામની જમીન પાંચ લાખ રૂપિયામાં વેચી હતીઃ પોલીસે કહ્યું હતું કે ભગિરથી નાની દીકરી ઉષા તથા જમાઈ કરન સાથે છેલ્લાં એક મહિનાથી રહેતી હતી. થોડાં સમય પહેલાં જ ગામની જમીન પાંચ લાખ 82 હજાર રૂપિયામાં વેચી હતી. આ રૂપિયા ઉષાના અકાઉન્ટમાં જમા કરી દીધા હતા. તેમને બે દીકરીઓ છે અને બંને દીકરીને સરખે હિસ્સે રકમ આપવાની વાત કરી હતી. આ વાત ઉષાને ખબર પડી તો તે ગુસ્સે થઈ ગઈ હતી કે જો માતા તેની સાથે રહે છે તો મોટી બહેન રેખાને કેમ અડધી રકમ આપવી પડે.
પથ્થરથી હત્યા કરીઃ પૂછપરછમાં આરોપીઓએ કહ્યું હતું કે 29 મેના રોજ મા-દીકરી વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં દીકરીએ માતાના માથામાં જોરથી પથ્થર ફટકાર્યો હતો. માતા બેભાન થઈને ઢળી પડી હતી. પછી પતિ સાથે મળીને ઉષાએ પ્લાસ્ટિકની થેલમાં માતાની લાશ પેક કરી હતી. કારમાં મૂકીને બંજારી માઈ આગળ ઢાળમાં ફેંકી દીધી હતી.
પોલીસને ગુમરાહ કરવા માટે પહેલી જૂનના રોજ પોલીસ સ્ટેશમાં માતા નર્મદાપુરમાં ખોવાઈ ગઈ હોવાની ફરિયાદ કરી હતી. મોટી બહેન રેખાએ માતા અંગે પૂછ્યું તો એવું કહ્યું કે નર્મદામાં ન્હાતા સમયે માતા પાણીમાં ડૂબી ગઈ હતી.