‘બિગ બોસ’ ફેમ સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરે અવસાન, બોલિવૂડમાં સન્નાટો

Bollywood Featured

મુંબઈ: 40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું છે. હોસ્પિટલમાં સૌ પહેલા રાહુલ મહાજન આવ્યો હતો. સિદ્ધાર્થ શુક્લા માત્ર 40 વર્ષનો હતો. ચાહકો માટે આ સમાચાર પર ઘણાં જ શોકિંગ છે. ટીવીથી લઈ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. સિદ્ધાર્થ શુક્લાનું રાત્રે દવા લીધા બાદ અવસાન થયું હોવાની ચર્ચા થઈ રહી છે, આથી જ ઓશીવારા પોલીસ સ્ટેશનની ટીમ સિદ્ધાર્થના અપાર્ટમેન્ટ કેવીએરા 2માં આવી છે. અહીં સિદ્ધાર્થના ઘરની તથા બેડરૂમની તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થયો હતો. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

સૂત્રોના મતે, સિદ્ધાર્થે સૂતા પહેલાં કેટલીક દવાઓ ખાધી હતી. ત્યારબાદ તે સવારે ઊઠી શક્યો નહીં. સિદ્ધાર્થને પછી તરત જ કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેનું અવસાન થઈ ચૂક્યું હતું. ડૉક્ટર્સના મતે, સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ અટેક આવ્યો છે. જોકે, સિદ્ધાર્થને દવાના ઓવરડોઝને કારણે હાર્ટ અટેક આવ્યો છે કે પછી એમ જ હાર્ટ અટેક આવ્યો છે તે વાત પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ખબર પડશે. સિદ્ધાર્થનું કૂપર હોસ્પિટલમાં જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેના પરિવારના મતે, સિદ્ધાર્થ ગઈ કાલ રાત (1 સપ્ટેમ્બર, બુધવાર) સુધી એકદમ ફિટ હતો.

સૂત્રોના મતે, સિદ્ધાર્થની નિકટની મિત્ર શહનાઝને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેણે અધવચ્ચે શૂટિંગ છોડી દીધું છે. ઉલ્લેખનીય છે કે શહનાઝ તથા સિદ્ધાર્થ વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. થોડાં સમય પહેલાં બને ટીવી રિયાલિટી શો ‘ડાન્સ દિવાને’માં સાથે જોવા મળ્યા હતા.

સિદ્ધાર્થ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે ‘બિગ બોસ 13’ની સિઝન જીતી હતી. આ ઉપરાંત તેણે ‘ખતરો કે ખિલાડી 7’ શો જીત્યો હતો. સીરિયલ ‘બાલિકા વધૂ’ને કારણે સિદ્ધાર્થ ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો.

શો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યૂઝિક વીડિયો ‘ભૂલા દુંગા’માં શહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ ‘દિલ કો કરાર આયા’માં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી.

સિદ્ધાર્થનો 12 ડિસેમ્બર, 1980ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો. તેણે પોતાની કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. 2008માં તેણે ‘બાબુલ કા અંગના છૂટે ના’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *