|

રાજકીય સન્માન સાથે અરૂણ જેટલી પંચતત્વમાં થયા વિલીન

નવી દિલ્હીઃ શનિવારે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં બપોરે 12.07 કલાકે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીનું નિધન થયું હતું. રવિવારે બપોરે 3 વાગે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજનીતિ, વકીલાત, રમત ગમત અને સામાજિક ડીવનની તમામ યાદો છોડીને તેઓ પંચતત્વમાં વિલીન થયા હતાં. તેમના પુત્ર રોહને પિતાને મુખાગ્નિ આપી હતી.

અરૂણ જેટલીના અંતિમ સંસ્કારમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉપરાંત કોંગ્રેસ સહિત અન્ય દળોના નેતા હાજર રહ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલા અરૂણ જેટલીના પાર્થિવદેહને ભાજપ હેડક્વાર્ટરમાં દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો.

અરૂણ જેટલીના પાર્થિવદેહને સેનાના ટ્રકમાં રાજકીય સન્માનની સાથે ભાજપ હેડક્વાર્ટર પહોંચાડવામાં આવ્યો હતો. જેટલીનું લાંબી બીમારી બાદ શનિવારે સવારે દિલ્હીની એઈમ્સમાં 66 વર્ષની ઉંમરે નિધન થયું હતું.

નિધન બાદ જેટલીના પાર્થિવદેહને દિલ્હીના કૈલાશ કોલોની સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ બાદ અરૂણ જેટલીને 9 ઓગસ્ટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમની તબિયત સતત બગડતી રહી અને તેમને બાદમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવા પડ્યા હતાં.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.