વિસાવદરમાં મેઘરાજાનું રોદ્રસ્વરૂપ, ચાર કલાકમાં 12 ઇંચ વરસાદ

Feature Right Gujarat

ગતરાત્રીથી જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકાઓમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. જેમાં 2 ઇંચથી લઇને 14 ઇંચ જેટલો ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ છે. ભારે વરસાદના પગલે વરસાદથી લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે આજે સવારે જિલ્‍લાના વિસાવદર પંથકમાં ચાર કલાકમાં 12 ઇંચ વરસાદ વરસી ગયો છે. જેના પગલે પંથકની નદી-નાળાઓમાં વરસાદી પાણીના નવા નીર ધસમસતા વહેતા જોવા મળતા હતા.

ગીરનાર પર્વત પર અને જૂનાગઢ શહેરમાં પણ 6થી 10 ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતા મહાનગરની મધ્યમાંથી પસાર થતી સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપુર આવ્યું છે અને નરસી મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્‍તારો-રસ્‍તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગીરનારમાં પડેલા ભારે વરસાદના પગલે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઇ ગયો છે.

જૂનાગાઢ જિલ્‍લાના નવેય તાલુકાઓમાં ગતરાત્રીથી અવિરત કયાંક ભારે તો કયાંક અતીભારે વરસાદ વરસી રહ્યો છે. આ ભારે વરસાદથી ખેડૂતોના મુરઝાઇ રહેલા પાકને જીવતદાન સમાન હોવાથી જગતના તાતમાં હરખની હેલી પ્રસરી ગઇ હતી. જ્યારે રવિવારની રાત્રીથી સોમવારની બપોર સુધી જિલ્‍લાના નવેય તાલુકામાં અવિરત વરસી રહેલ વરસાદના પગલે વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ હતી.

જૂનાગઢ જિલ્‍લાના નવેય તાલુકાઓમાં રવિવારની રાત્રે 10થી સોમવારે બપોરે 12 વાગ્‍યા સુધીમાં પડેલા સાર્વત્રીક વરસાદમાં સૌથી વધુ વિસાવદરમાં 14 ઇંચ, જૂનાગઢમાં 6 ઇંચ, કેશોદમાં 3 ઇંચ, ભેસાણમાં 3 ઇંચ, મેદરડામાં 2.5 ઇંચ, માંગરોળમાં 2.5 ઇંચ, માણાવદરમાં 3 ઇંચ, માળીયાહાટીમાં 2 ઇંચ અને વંથલીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્‍યો હોવાનું કંટ્રોલરૂમમાંથી જાણવા મળ્યું છે.

જૂનાગઢ જિલ્‍લામાં સૌથી વઘુ વિસાવદર પંથકમાં મેઘમહેર થઇ છે. જેમાં આજે સવારે ચાર કલાકમાં વિસાવદર શહેર અને ગ્રામ્ય પંથકમાં 12 ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતા પંથકની નદી-નાળાઓમાં ઘસમસતા વરસાદી પાણી વહેતા થયા હતા. વિસાવદરના ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ પર પણ પાણી ભરાઇ ગયાં છે. જ્યારે પંથકના ખેતરો પાણીથી તરબોતર થઇ ગયા હતા. જિલ્‍લામાં પડેલા ભારે વરસાદના પગલે જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની આવક થયેલ જોવા મળી હતી.

ગતરાત્રથી જૂનાગઢ શહેર અને ગીરનાર પર્વત પર ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં રાત્રી દરમ્‍યાન 2 ઇંચ જ્યારે આજે સવારે 6થી બપોરે 12 વાગ્‍યા સુધી 6 કલાકમાં 4 ઇંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. જ્યારે ગીરનાર પર્વત પર 10 ઇંચથી વઘુ વરસાદ વરસ્‍યો હોવાનું અનુમાન થઇ રહ્યુ છે. ગીરનાર પર્વત પર પડેલા ભારે વરસાદના પાણીની ડેમમાં આવક થતી હોવાના પગલે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન, આણંદપુર અને હસ્‍નાપુર ત્રણેય ડેમો ઓવરફલો થઇ ગયા છે. જેથી શહેરની પીવાના પાણીની જરૂરીયાત મહદ અંશે પુરી થઇ ગઇ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

ભારે વરસાદના પગલે જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી કોળવા અને સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાના ઉંચાઈ પરથી લેવાયેલા વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયા છે. જેમાં કાળવા નદીનો અલહાદાયક નજારો જોવા મળ્યા હતા. જૂનાગઢવાસીઓના મતે કાળવા નદીમાં ભાગ્યે જ આટલું પાણી આવતુ હોય છે. જ્યારે ગતરાત્રીથી ગીરનાર પર્વત અને શહેર ઉપર પડી રહેલા ભારે વરસાદથી જૂનાગઢના અનેક વિસ્‍તારો અને માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા. જેના લીઘે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જૂનાગઢમાં ઝાંઝરડા ગરનારામાં કમ્‍મર ડુબ વરસાદી પાણી ભરાઇ જતા બંઘ કરવાની મનપાને ફરજ પડી હતી. તો શહેરની મધ્યે આવેલા પ્રખ્‍યાત નરસિંહ મેહતા સરોવર ઓવરફ્લો થઇ જતા આસપાસના વિસ્‍તારો અને રસ્‍તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે શહેરના મજેવડી દરવાજાથી સાબલપુર ચોકડી સુધીના મુખ્‍ય રસ્‍તા પર વરસાદી પાણી ભરાઇ જતા વાહનવ્‍યવહાર પ્રભાવિત થયો છે.

જૂનાગઢથી જામનગર અને રાજકોટ જવાના મુખ્‍ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા હોવાના પગલે સુરક્ષાને ધ્યાને લઇ એસટી સેવા થોડા સમય માટે બંઘ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદના પગલે ગીરનાર તળેટીમાં આવેલ દામોદર કુંડમાં ઘસમસતુ વરસાદી પાણી વહેતુ જોવા મળતુ હતુ. ગીરનાર પર પડી રહેલા ભારે વરસાદ સાથે ભારે પવન ફુંકાય રહ્યો હોવાથી રોપ – વે સેવા આજે બંઘ રાખવાની ફરજ પડી છે. ભારે વરસાદના પગલે જિલ્લાના આંણદપુર ગામ નજીક નદીમાં ગાડી ખાબકી હોવાની પણ ઘટના સામે આવી છે. જોકે, સદનશીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. ગાડીમાં સવાર એક જ વ્યક્તિને હાથના ભાગે સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ગાડી પાણીના પ્રવાહમાં ફસાઇ જતાં તેને ક્રેઇન વડે બહાર કાઢવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *