ગુજરાતીભાઈઓ આગળ આવ્યા, મોતને ભેટેલા ચાર પટેલોની કેનેડામાં પ્રાર્થના સભા યોજી

કેનેડા- યુએસ બોર્ડર પર માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જતાં કલોલ તાલુકાના ડિંગુચા ગામમાં રહેતા પટેલ પરિવારના ચાર સભ્યો મોતને ભેટ્યાં હતાં. આ ઘટનામાં ચારેય જણની ઓળખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તેમના મૃતદેહો કેનેડાથી કલોલ લાવવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ ઘટનામા ચારેય લોકોના પરિવારે ભારતની એમ્બેસીમાં મેઈલ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. કેનેડા પોલીસે ચાર મૃતકોના પરિવારનો સંપર્ક કર્યો હોવાની વિગતો પણ સામે આવી રહી છે. જેમાં કેનેડામાં રહેતાં તેમના સગાંઓની સાથે ત્યાંની પોલીસે પુછપરછ કરી છે. હવે ચારેય મૃતકોના મૃતદેહોને ભારતમાં લાવવા કે કેનેડામાં જ તેમની અંતિમવિધી પૂર્ણ કરવી તે અંગે નિર્ણય લેવાશે.

કેનેડાથી અમેરિકાની બોર્ડર પર એજન્ટ 11 લોકોને લઈને નીકળ્યો હતો. સતત 11 કિ.મી સુધી માઈનસ 35 ડિગ્રીમાં આ લોકો બોર્ડર ક્રોસ કરવા ચાલ્યાં હતાં. પરંતુ બરફ પથરાઈ જવાને કારણે એજન્ટ સહિત સાત લોકોએ બોર્ડર ક્રોસ કરી નાંખી હતી. જ્યારે આ ચારેય મૃતકો પાછળ રહી જતાં રસ્તો ભટકી ગયાં હોવાથી મોડા પડ્યા હતાં. રસ્તો શોધવામાં આ લોકો બરફમાં ફસાઈ ગયાં અને થીજી ગયાં હતાં. જેથી તેમનું ત્યાં જ ઠંડીમાં થીજવાને કારણે મોત નીપજ્યું હતું. બોર્ડર ક્રોસ કરી ગયેલા સાતેય લોકોને અમેરિકન પોલીસે પકડી લીધા હતાં. જ્યારે એજન્ટની પણ ધરપકડ કરાઈ હતી.

કેનેડામાં વસતા ગુજરાતી સમાજે ચારેય મૃતકો અંગે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પવા ઝૂમ મિટિંગ પર હેમંત શાહ, આશ પટેલ, અનિલ થાનકીએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ ચારેય મૃતકો અંગે હજી સત્તાવાર રીતે અધિકારીઓએ પુષ્ટી કરી નથી. આ અંગે કેનેડામાં વસતા ગુજરાતી સમાજના અગ્રણી હેમંત શાહે જણાવ્યું હતું કે, આ ઘટનાના સમાચાર સાંભળીને અમારુ હૃદય થીજી ગયું હતું. હું અહીં 48 વર્ષથી રહું છું.

અત્યારની ઠંડીમાં જો અમે બહાર જઈએ તો કામ પુરુ કરીને તરત જ પાછા ઘરે આવી જઈએ છીએ. તો આ લોકો કેવી રીતે કેનેડા અમેરિકા બોર્ડર પર ગયાં તે સમજાતું નથી. સમગ્ર કેનેડામાં વસતા ગુજરાતીઓ હાલ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયાં છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ અંગે ઉત્તર ગુજરાતમાં રહેતા તેમના પરિવાર સાથે અમારી કોઇ વાત થઇ નથી પરંતુ વાત કરવા માટેના પ્રયાસો ચાલુ છે. હાલ તેમના મૃતકોના પરિવારે પણ આ અંગેની કોઇ પુષ્ટી કરી નથી. અમારી વિનંતી એ જ છે કે, આવું કામ ફરી કોઇ ન કરે.

અમેરિકા-કેનેડા બોર્ડર પર ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 11 લોકોમાંથી એક જ પરિવારના ચાર સભ્ય માઈનસ 35 ડીગ્રી કાતિલ ઠંડીમાં થીજી ગયેલા હોવાની ઘટનાએ સૌકોઈને ચોંકાવી દીધા છે. આ ચારેય મૃતક કલોલ તાલુકાના ડિંગુચા ગામના હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી છે. જોકે આ બાબતને હજી સુધી સત્તાવાર સમર્થન નથી મળ્યું, પરંતુ બીજી તરફ આ 11 લોકોમાંથી 4 લોકોનાં મોત થયાં બાદ બાકીના 7 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. આ સાત લોકો પણ ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના રહેવાસી હોવાની આશંકાઓ છે.

અમેરિકામાં પકડાયેલ સાત ગુજરાતીઓ
મહેશભાઈ વાડીલાલ પટેલ, વર્શિલ પંકજભાઈ ધોબી, અર્પિત કુમાર રમેશભાઈ પટેલ, પ્રિન્સકુમાર જ્યંતિભાઈ પટેલ, સુજિતકુમાર અલ્પેશભાઈ પટેલ, યશ દશરથભાઈ પટેલ અને પ્રિયંકા કાંતિભાઈ ચૌધરી.

પોલીસ ફરિયાદ મુજબ, આ તમામ લોકો ગુજરાતીમાં વાતો કરતા હતા. સ્નો હટાવી રહેલી ટ્રકના ડ્રાઇવરે કહ્યું હતું કે તેનો 19 જાન્યુઆરીના રોજ એજન્ટ શેન્ડ સાથે ભેટો થયો હતો. શેન્ડની ધરપકડ બાદ આ ભારતીયો કેનેડાની બોર્ડર પાર કરી રહ્યા હતા અને તેમને અમેરિકામાંથી કોઈ લેવા માટે આવી રહ્યું હોવાની આશંકા હતી. કેનેડામાં ઊતર્યા બાદ તેઓ સવા અગિયાર કલાક સુધી ચાલ્યા હતા. તેમની સાથે રહેલા 4 લોકો અગાઉથી તેમના લોકેશન પર આવી ગયા હતા. તેમની બેગમાંથી બાળકોનાં ડાયપર, રમકડાં, બાળકોની દવા, કપડાં મળ્યાં છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.