લાડલી દીકરીના જન્મની અનોખી ઉજવણી, આખા ગામમાં ખજૂર વહેંચી, જુઓ તસવીરો

Feature Right Gujarat

પોરબંદર: હાલ સમાજમાં ઘણી જગ્યાએ દીકરીને દીકરાની સરખાણીએ ઓછું માન-સન્માન મળે છે. ઉછેરમાં પણ દીકરા અને દીકરીમાં ભેદભાવ રાખવામાં આવે છે.દીકરીને સાપનો ભારો માનતાં રૂઢિચુસ્ત લોકોના ગાલે તમાચો મારતો બનાવ સામે આવ્યો છે. પોરબંદરમાં એક દંપતીએ દીકરીના જન્મના માનમાં હોળી પર આખું ટ્રેક્ટર ભરીને ખજૂર ગામમાં વહેંચી હતી.

સમાજને નવો હાર ચિંધતો આ બનાવ પોરબંદર તાલુકના નટવરનગર ગામમાં સામે આવ્યો છે. મૂળ નટવરનગરના વતની અને હાલ લંડન રહેતાં પોપટભાઈ ગોઢાણિયા પરિવાર સાથે હોળીના તહેવારમાં વતન આવ્યા હતા. મોટાભાગે દીકરાના જન્મની ખુશીમાં હોળીના તહેવાર પર મીઠાઈ વહેંચવામાં આવતી હોય છે, ત્યારે પોપટભાઈ ગોઢાણિયાએ દીકરીના જન્મની ખુશીમાં હુતાસણી (હોળી)ના પર્વે આખા ગામમાં ટ્રેક્ટર ભરીને ખજૂર વહેંચી હતી.

પોપટભાઈ તેમજ તેમના પત્ની ભારતીબેનને સંતાનમાં દીકરી આરુષિ છે, જે 1 વર્ષ 3 મહિનાની થઈ છે. તેઓ હાલ તેમના વતનના ગામ નટવર નગરમાં આવ્યા હતા. અહીં તેમણે ઢોલ-શરણાઈના તાલે ગામમાં ખજૂરની લ્હાણી કરી હતી.

ગોઢાણિયા પરિવારે ગામના ચોકમાં ખજૂરનું ટ્રેક્ટર ભરી ઉભું રાખ્યું હતું. ગામના લોકોએ અહીં આવીને ખજૂરની લ્હાણી હોશે હોશે લીધી હતી. ગોઢાણિયા પરિવારના લોકોએ મ્હેર સમાજનો પરંપરાગત પોશાક અને સોનાના દાગીના પહેર્યા હતા.

ભારતીબેને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આપણા સમાજમાં દીકરાનું દીકરી જેટલું માન નથી. અમે આ લ્હાણી કરીને એ બતાવવા માંગીએ છીએ કે દીકરી દીકરા બરોબર જ છે. દીકરી અને દીકરામાં ફર્ક ન કરવો જોઈએ. દીકરી એ મા-બાપનું ગર્વ હોય છે.

પોપટભાઈ અને ભારતીબેનના જણાવ્યા મુજબ આરુષિનો જન્મ થયો ત્યારે પણ તેમણે પેંડા વહેંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *