ગેમ રમતા બાળકોના માતા-પિતા ધ્યાન આપે: ફ્રી ફાયરમાં આ યુવાન પાગલ થઈ ગયો, થઈ આવી હાલત
આજની પેઢી આંખ મીચીને મોબાઈલ પાછળ પાગલ થઈ ગઈ છે. જેના ખરાબ પરિણામો હવે સામે આવી રહ્યા છે. મોબાઈલના એડિક્શન અને ઓનલાઈન ગેમના ચક્કરમાં અનેક યુવાનો બરબાદ થઈ રહ્યા છે. આવો જ એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. જેમાં ફ્રી ફાયર ગેમની લતના કારણે 22 વર્ષનો યુવાન પાગલ જેવો થઈ ગયો હતો. એટલું જ નહીં તે હાઈવે પર વાહનોને રોકીને ‘હેકર હેકર’ બોલાવી રહ્યો હતો. મિત્રોએ યુવાનને બાંધીને કાબૂમાં કર્યો હતો. દોરડું ખોલતાં ફરી યુવાન ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો.
અચાનક મોબાઈલ બંધ થઈ ગયો અને…
આ આંખ ઉખાડતો કિસ્સો રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાનો છે. અહીંના ભદેસર વિસ્તારમાં 22 વર્ષનો ઈરફાન અંસારી નામનો યુવાન થોડાક દિવસ પહેલાં બિહારના છપરાથી આવ્યો હતો. આ યુવાનને કલાકો સુધી ફ્રી ફાયર ગેમ રમવાની લત હતી. ગુરૂવારે જ્યારે ઈરફાન અંસારી નામનો આ યુવાન ગેમ રમી રહ્યો હતો ત્યારે અચાનક તેનો મોબાઈલ બંધ થઈ ગયો હતો. ત્યાર બાદ તેની હાલત પાગલ જેવી થઈ ગઈ હતી.
સતત ‘હેકર આવ્યો’ જેવા શબ્દો બોલવા લાગ્યો
ફ્રી ફાયર ગેમનો બંધાણી આ યુવાન ગેમની દુનિયામાથી બહાર નીકળી શક્યો નહોતો.. સતત ‘હેકર આવ્યો’, ‘પાસવર્ડ ચેન્જ’ અને ‘આઈડી બ્લોક’ જેવા શબ્દો બોલી રહ્યો હતો. લોકોએ તેને આખી રાત સમજાવ્યો હતો. પણ સવાર થતાં જ ફરી તે સિક્સ લેન હાઈવ પર દોડવા લાગ્યો હતો. જ્યાં વાહન ચાલકોને રોકીને ‘આઈડી હેક’ કરવાની વાત કરવા લાગ્યો હતો. જેથી તેના મિત્રોએ તેને પકડીને કાબૂમાં કર્યો હતો અને તેને એક ખાટલા સાથે દોરડાથી બાંધી દીધો હતો.
યુવાનની માનસિક હાલત ખરાબ થઈ ગઈ
બાનસેન ગ્રામ પંચાયતના સરપંચ કન્હૈયાલાલ વૈષ્ણવે જણાવ્યું હતું કે મોબાઈલ ખરાબ થવાથી યુવાનની માનસિક હાલત ખરાબ થઈ ગઈ હતી. મોબાઈલ તેના હાથમાં હતો છતાં અન્ય લોકો પર આરોપ લગાવતો હતો કે તેનો મોબાઈલ કોઈએ ચોરી લીધો છે. તે એવું પણ બોલી રહ્યો હતો કે પાછળ જે ખેતર છે ત્યાં કોઈ બાઈકવાળો પાક ખરાબ કરી રહ્યો છે. લોકોએ જગ્યા પર જઈને જોયું તો ત્યાં કોઈ હાજર નહોતું.
અચાનક પાગલ જેવી હરકતો કરવા લાગ્યો
સરપંચે જણાવ્યું હતું કે મૂળ બિહારના છપરાના રહેવાશી અંસારીએ 4 મહિનાથી ચિત્તોગઢ-ઉદયપરુ સિક્સ લેન હાઈવે પર બજરંગ હોટેલ બહાર દુકાન લગાવી હતી. અંસારી તેના ગામ જતાં તેણે વતન બિહારથી પોતાના દીકરા ઈરફાનને અહીં બોલાવ્યો હતો. પિતા વતન જતાં દીકરો ઈરફાન દુકાન સંભાળી રહ્યો હતો. અચાનક ગુરૂવારે તે પાગલ જેવી હરકતો કરવા લાગ્યો હતો. આની જાણકારી તેના પિતાને આપી દેવામાં આવી છે.
પોતાની અલગ વર્ચ્ચુઅલ દુનિયા બનાવી લીધી
આ અંગે મનોચિકિત્સકોનું કહેવું છે કે આપણે સતત જે માહોલમાં રહી છીએ, તેમાં ઢળી જઈએ છીએ. ઓનલાઈન ગેમ રમનારા લોકો વર્ચ્યુઅલ પોતાની એક અલગ દુનિયા બનાવી લે છે. ધીમે ધીમે તેની લાગણી તે ગેમ સાથે જોડાવા લાગે છે. તેને લાગે છે જે વર્ચ્ચુઅલ દુનિયામાં બની રહ્યું છે રીઅયલમાં પણ તેની સાથે એવું જ બની રહ્યું છે. બધું કાલ્પનિક હોય છે. વર્ચ્ચુઅલ દુનિયામાં ઘણી વસ્તુઓ હિંસક પણ હોય છે, જેની અસર પણ મગજ પર પડે છે.