Friday, April 12, 2024
Google search engine
HomeGujaratસુરતના આંગણે સૌથી મોટા ‘ડાયમંડ બુર્સ’ બિલ્ડીંગનું PM મોદી કરશે ઉદ્ધાટન

સુરતના આંગણે સૌથી મોટા ‘ડાયમંડ બુર્સ’ બિલ્ડીંગનું PM મોદી કરશે ઉદ્ધાટન

ખજોદ ખાતે સુરત ડાયમંડ બુર્સના નિર્માણકાર્ય 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં ડાયમંડ બુર્સ વિશ્વ સમક્ષ ખુલ્લો મૂકવામાં આવશે, પરંતુ એ પહેલાં અમે તમને ડાયમંડ બુર્સની અંદર એક લટાર મરાવીએ. ડાયમંડ બુર્સની તમામ ખાસિયતોએ આજે એને વિશ્વ કક્ષાએ મૂકી દીધું છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. સુરત ડાયમંડ બુર્સ બિલ્ડિંગે અલગ-અલગ ક્રાઇટેરિયામાં વિશ્વનાં બે સૌથી મોટાં બિલ્ડિંગ – દુબઈની બુર્જ ખલીફા અને અમેરિકાના પેન્ટાગોનને પછાડાટ આપી છે. હવે ડાયમંડ બુર્સમાં વર્ષે 2 લાખ કરોડ કરતાં વધુનો ડાયમંડનો બિઝનેસ થશે, એ સાથે જ એ વર્લ્ડનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બનશે અને વિશ્વમાં ડંકો વગાડશે.

સુરતમાં તૈયાર થઈ ગયુ છે ડાયમંડ બુર્સ અને તેનુ ઉદ્ધાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. સુરત એરપોર્ટ પર યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ સાથે સી આર પાટીલે જણાવ્યુ કે, ડાયમંડ બુર્સનો લાભ સુરત એરપોર્ટને મળશે. આવનાર સમયમાં ડાયમંડ બુર્સ શરૂ થવાથી વિદેશથી વેપારીઓની અવરજવર વધી જશે. અને તેને લઈને આવનાર સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પણ શરૂ કરાશે.

વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરશે
સુરત ડાયમંડ ઉદ્યોગ વિશ્વભરમાં ફેલાયેલો છે. ડાયમંડ બુર્સના નિર્માણથી સુરત શહેરનો હીરા ઉદ્યોગ સમગ્ર વિશ્વની અંદર પોતાની આગવી ઓળખ ઊભી કરશે. અત્યારસુધીમાં સુરત શહેરમાં માત્ર રફ ડાયમંડને પોલિશ્ડ કરવાનું કામ કરતો હતો, પરંતુ હવે ટ્રેડિંગ હબ પણ બનવા જઈ રહ્યું છે. ડાયમંડ બુર્સ રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર થયું છે. 1.48 લાખ ચોરસમીટરમાં ફેલાયેલો બુર્સ વર્ષે 2 લાખ કરોડ કરતાં વધુનો ડાયમંડનો વેપાર થશે.

ગ્રાઉન્ડ અને 15 માળના 9 ટાવરની હાઈટ વધી શકે
સુરત ડાયમંડ બુર્સમાં 10 હજારથી વધુ ટૂ-વ્હીલર અને 4500થી વધુ ફોર-વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા છે. એમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડાયમંડ વેપારીઓ માટે 4,200 ઓફિસ છે. એમાં વેપારીઓ અને અન્ય લોકો માટે રહેવાની સુવિધા તેમજ હાઉસિંગ કોલોની પણ હશે. 15 એકરને ગ્રીન એરિયા તરીકે ડેવલપ કરાશે અને તમામ લેન્ડસ્કેપ પંચતત્ત્વ થીમ પર ડિઝાઈન કરાશે. ટાવર વચ્ચેની 3 વીઘા જગ્યામાં પણ લેન્ડસ્કેપિંગ ડિઝાઈન કરાશે. ગ્રાઉન્ડ અને 15 માળના 9 ટાવરની હાઈટ વધવાની સાથે તમામ એકબીજા સાથે જોડાયેલા હશે. આ ઉપરાંત બિલ્ડિંગમાં કુલ 128 ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ મૂકવામાં આવશે.

2016માં 36 એકર જમીન સુરત ડાયમંડ બુર્સને સોંપી
સુરત ડાયમંડ બુર્સમાં રફ અને પોલિશ્ડ ડાયમંડનો વેપાર થશે. આ પ્રોજેક્ટને કારણે સુરતમાં બે લાખ કરોડનો વેપાર થશે. ગુજરાત સરકારે 22 ઓક્ટોબર 2016ના દિવસે 36 એકર જમીન સુરત ડાયમંડ બુર્સ કમિટીને સોંપીને પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુંબઈ અને વિદેશના વેપારીએ અહીં બુકિંગ કરાવ્યું છે, જેને કારણે હવે એક જ જગ્યાએ રફ ડાયમંડનું ટ્રેડિંગ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડિંગ થશે. વિશ્વના ખૂણા ખૂણાથી બાયર્સ અહીં આવશે તો MSME સાથે જોડાયેલા લોકો જે મુંબઈમાં ઓફિસ ખરીદી શકતા નહોંતા તેમને ઓછા ભાવે અહીં ઓફિસો મળશે. તેમને ડાયરેક્ટ વિદેશી બાયર્સ સાથે કનેક્ટિવિટી મળશે, જેને કારણે સીધો લાભ વેપારીને થશે.

સુરતમાં ઇન્કમટેક્સ રિટર્નથી ગુજરાત સરકારને લાભ
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે મુશ્કેલીઓ હતી, કારણ કે સુરતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે અને મુંબઈમાં ટ્રેડિંગ હબ છે. વેપારીઓને બન્ને જગ્યાએ ઓફિસ રાખવી પડતી હતી, જેનો ખર્ચ પણ વધારે હતો. કોરોનાકાળમાં બે વર્ષમાં જોવામાં આવ્યું છે કે મુંબઈમાં વેપારીઓને અસર થઈ છે. વેપારીઓને અહીં શૈક્ષણિક, મેડિકલ અને પોતાના આવવા-જવા જેવી સુવિધાઓ ઓછા ભાવે મળી રહેશે, સાથે જ આ ટ્રેડિંગ હબને કારણે સ્થાનિક લોકોને પણ રોજગાર મળશે. સૌથી અગત્યની વાત એ છે કે તમામનાં ઇન્કમટેક્સ રિટર્ન સુરત ફાઈલ થશે, જેનો સીધો લાભ ગુજરાત સરકારને મળશે. આ પ્રોજેક્ટ 2500 કરોડ રૂપિયાનો છે. લોકો પાસે પૈસા લઈને જ આ પ્રોજેક્ટ બનાવવાની શરૂઆત કરાય છે.

અમેરિકાના પેન્ટાગોન બિલ્ડિંગને પછડાટ
ડાયમંડ બુર્સનું ક્ષેત્રફળ 68 લાખ ચોરસફૂટ છે. તમને જણાવી દઈએ કે અત્યારસુધી અમેરિકાનું ડિફેન્સ કાર્યાલય પેન્ટાગોન દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે. એન્હાન્સ્ડ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોન 67 લાખ ચોરસફૂટ જમીનમાં બનાવવામાં આવ્યું છે, જ્યારે ડાયમંડ બુર્સ 68 ચોરસફૂટ જમીનમાં બનાવવામાં આવી રહ્યું છે. આ અર્થમાં સુરતની ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી એકબીજા સાથે જોડાયેલી ઇમારત છે.

ડાયમંડ બુર્સમાં કુલ 4000 સીસીટીવી કેમેરા
હીરાના વ્યવસાય માટે ડાયમંડ બુર્સ બનાવવામાં આવી રહી છે, જેમાં ઉદ્યોગપતિઓના હીરા અને દાગીનાની સુરક્ષા માટે કુલ 4000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક ટાવરમાં ફાયર સેફ્ટી માટે સેન્સર છે. ડાયમંડ બુર્સમાં કુલ 4200 ઓફિસ છે. આ ઉપરાંત 4500 ફોર-વ્હીલર અને 10 હજાર ટૂ-વ્હીલર માટે વિશાળ પાર્કિંગ છે. ડાયમંડ બુર્સ શરૂ થયા બાદ હીરાના વેપારીઓને બિઝનેસ કરવામાં સરળતા રહેશે.

ડ્રીમસિટીના મુખ્ય એન્ટ્રન્સની વિશેષતાઓ
1. 60 મીટર પહોળાઈના ગેટને આવરી લેતો વિસ્તાર 67.10 મીટર બાય 31.45 મીટર, 15 મીટર ઊંચાઈનો રહેશે. બુર્સ તથા ડ્રીમસિટીનો મુખ્ય એન્ટ્રન્સ માટે આધુનિક સિક્યોરિટીને આવરી લેતી ડિઝાઈન બનાવાઈ છે. તમામ પસાર થતાં વાહનો તથા મુલાકાતીઓ માટે ડિજિટલ ચેકિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વ્યાપારી ધોરણે તથા પર્યટકોનો આકર્ષિત સ્કાયડેકમાં જવા માટે એન્ટ્રન્સ ફોયર તથા પ્રવેશદ્વાર છે. ગેટની બંને તરફ મુલાકાતીઓ માટે લિફટ, વોશરૂમની સુવિધા છે અને સ્કાયડેક વિઝન વ્યૂવિંગ ગેલરી આવી છે.

ડ્રીમસિટીનું પ્રવેશદ્વાર સુરતની ઓળખ બનશે, જે ફકત પ્રવેશદ્વાર નહીં, પરંતુ મલ્ટીપર્પઝ માટે ઉપયોગ થશે. ગેટ પર વિશાળ પહોળાઈમાં સ્કાયપેકનો વપરાશ ફૂડ કોર્ટ, કેફે એરિયા, ટેલિસ્કોપ પોઈન્ટ, સીટિંગ એરિયા તથા સુરતની ઐતિહાસિક ઝાંખી દર્શાવતી ડિસપ્લે મૂકવામાં આવી છે. સ્કાયડેકનો આકાર ડાયમંડ જ્વેલરીના રિંગના સ્વરૂપે તૈયાર કરાયો છે. સ્કાયડેકમાંથી મુલાકાતીઓ ડ્રીમસિટી તથા ડાયમંડ બુર્સ બિલ્ડિંગ જોઈ શકાશે.

ડ્રીમસિટીના ઓફિસ બિલ્ડિંગમાં ઓડિટોરિયમ
સુરત ડાયમંડ બુર્સના આઈકોનિક બિલ્ડિંગની સામે 200 ફૂટના રસ્તાની જંકશન પર 350 ચો.મી. જમીનમાં ડ્રીમસિટી લિમિટેડના સ્ટાફ તથા બોર્ડ મેમ્બર માટે એક્સક્લૂઝિવ કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગ બનશે. ગ્રીન બિલ્ડિંગના માપદંડ પર આધારિત ઓફિસ બિલ્ડિંગ કુલ 12775 ચો.મી. બાંધકામમાં કરવામાં આવ્યો છે. એન્ટ્રી સહિત ડબલ હાઈટ ફોયર તથા લોન્ચ છે. 130 વ્યક્તિનો સમાવેશ થાય એવું ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે અને છઠ્ઠા માળે બોર્ડ મેમ્બર માટેની ઓફિસો, બોર્ડ રૂમ, રેસ્ટોરન્ટ તથા કેન્ટીન તથા બેંકની શાખા તેમજ ATM મૂકવામાં આવ્યા છે.

એન્ટ્રી ગેટ પર ડિજિટલ ચેકિંગની વ્યવસ્થા
આઇકોનિક બુર્સની એન્ટ્રી પણ ભવ્ય ઠે, જે મલ્ટીપર્પઝ માટે ઉપયોગમાં લેવાશે. સુરત ડાયમંડ સિટી તરીકે વિખ્યાત સુરત શહેરનાં ડ્રીમસિટી પ્રોજેક્ટ વિસ્તારનું મુખ્ય પ્રવેશદ્વાર બનાવવાનું આયોજન પાલિકાએ હાથ ધર્યું છે. શહેરની ઓળખ સમા ડાયમંડ બુર્સ – ડ્રીમસિટીની ઓળખને અનુરૂપ પ્રવેશદ્વારને પણ આકર્ષક બનાવવા હીરા ઘસવાના વ્યવસાયમાં વપરાતા સાધન ‘કટોરી’ આધારિત ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.

ડાયમંડ બુર્સમાં રોજના લાખો લોકોની અવરજવર રહે છે, જેના માટે ટ્રાન્સપોર્ટેશન ને પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસની સુવિધા સમયસર મળી રહે એવું આયોજન હાથ ધરાયું છે તેમજ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત સરસાણાથી ડાયમંડ બુર્સ ખજોદ સુધી દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સમાં જે ડાયમંડ ફેક્ટરીઓના માલિકો તેમજ નાના-મોટા ડાયમંડના વેપારીઓએ ઓફિસ ખરીદી છે તેનું ઇન્ટીરિયર આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવામાં આવી રહ્યું છે. વિશ્વના 175 કરતાં વધુ દેશોના બાયર્સ અહીં આવશે ત્યારે તેમને આકર્ષવા માટે ડાયમંડ બુર્સની તમામ ઓફિસો આંતરરાષ્ટ્રીય સ્તરની તૈયાર કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page