હાય રે મજબૂરી! સુરતી યુવક બાદ હવે અહીંયાના ખેડૂતે દેવાને કારણે કિડની વેચવા કાઢી
આગ્રાઃ થોડાં સમય પહેલાં સુરતની સિવિલ હોસ્પિટલમાં એક યુવક આર્થિક તંગીને કારણે કિડની વેચવા આવ્યો હતો. જેને કારણે સિવિલ હોસ્પિટલમાં હડકંપ મચી ગયો હતો. હવે, આવો જ કિસ્સો આગ્રામાં બન્યો છે. આગ્રા જિલ્લામાં એક ખેડૂતે પોતાની કિડની વેચવાનો નિર્ણય કર્યો છે. જોકે, કિડની વેચવી ગેરકાયદેસર છે. આ કિસ્સો સામે આવ્યો તો જિલ્લા તંત્રમાં ચકચાર મચી જવા પામી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયો
ફતેહાબાદના ઘાઘપુરા ગામનો ખેડૂત ગીતમ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેણે કિડની વેચવાની વાત કરી છે. ગીતમ છેલ્લાં ત્રણ વર્ષથી ખેતીમાં થતાં નુકસાનને કારણે બેંક અને શાહુકારોના દેવામાં ડૂબેલો છે. આનાથી છૂટકારો મેળવવા માટે ગીતમ હવે પોતાની કિડની વેચવા માગે છે.
બે વીઘા જમીનઃ
ગીતમ પાસે બે વીઘા જમીન છે. જેના પર 20 લાખથી વધુ દેવું થઈ ગયું છે. તેના મતે, આ દેવું ચૂકવવા માટે તે દબાણને વશ થઈને કિડની વેચવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાણ થતાં એસડીએમે ગીતમને બોલાવીને આ પ્રકારની હરકત ગેરકાયદેસર હોવાનું કહ્યું હતું.
વીડિયો રિલીઝ કર્યો
ખેડૂત ગીતમે તહસીલદાર કૃષ્ણ મુરારી દીક્ષિતને આપેલા નિવેદનમાં પણ પોતાની વાત પર મક્કમ રહ્યો હતો. ખેડૂત નેતા શ્યામ સિંહ ચાહરે સરકારને ખેડૂતની મદદ કરવાની અપીલ કરી હતી. આ અંગે ફતેહાબાદના ઉપજિલ્લાધિકારી અબ્દુલ વાસિતે કહ્યું હતું કે ખેડૂતની વાત સાંભળ્યા બાદ તેને સારી રીતે સમજાવવામાં આવ્યો છે. આગળ જે પણ જરૂરી હશે, તે કાર્યવાહી કરવામાં આવશે.