ઘરમાં અચાનક આવી ગયુ મોટું રીંછ, કૂતરાઓને રીંછ ઉપાડવા જતું હતું ત્યાં 17 વર્ષની છોકરીએ…
વોશિંગ્ટનઃ અમેરિકામાં રહેતી ટીનએજ 17 વર્ષીય યુવતીનો એક વીડિયો સો.મીડિયામાં વાઈરલ થયો છે. હેલી મોરિનિકો નામની આ યુવતી પોતાના કૂતરાને બચાવવા માટે ખૂંખાર રીંછ સાથે લડી હતી અને પોતાના કૂતરાને બચાવવામાં સફળ થઈ હતી.
માદા રીંછ પોતાના બે બચ્ચા માટે ભોજનની શોધમાં ઘણી જ આગળ નીકળી ગઈ હતી. રીંછ હેલીના ઘરની દીવાલ ચઢવાનો પ્રયાસ કર્યો હતો. ઘરમાં ચાર કૂતરાઓએ આ જોયું અને તેમણે ભસવાનું શરૂ કરી દીધું હતું. આ જોઈને રીંછ ગુસ્સે થયું અને તેણે કૂતરા પર હુમલો કર્યો હતો.
હેલીએ આ આખી ઘટનાનો વીડિયો ટિકટોક પર શૅર કર્યો હતો. હેલીએ વાતચીતમાં કહ્યું હતું કે તેને ખ્યાલ જ નહોતો કે તે રીંછ છે. જ્યારે તે એકદમ નજીક ગઈ પછી જ તેને ખ્યાલ આવ્યો કે તે રીંછ છે.
જાનવરોના એક્સપર્ટ રૉન મોગિલે કહ્યું હતું કે જ્યારે માદા રીંછ પોતાના બાળકોની સાથે હોય છે ત્યારે તે વધુ જોખમી બની જાય છે અને આ જ કારણે હેલીના જીવને જોખમ હતું. તો હેલીએ કહ્યું હતું કે રીંછ તેના ડોગ વેલેન્ટિના પર હુમલો કરવાનું હતું. રીંછ વારંવાર વેલેન્ટિનાને ઉપાડવાનો પ્રયાસ કરતું હતું. હેલી માટે ડૉગ મહત્ત્વપૂર્ણ છે. ડૉગ તેની માતા માટે ઈમોશનલ સપોર્ટ છે. તેને ખ્યાલ છે કે જો વેલેન્ટિનાને કંઈક થઈ જાત તો તેની માતા આ આઘાત જીરવી શકત નહીં. આથી જ તેણે કંઈ પણ વિચાર્યું વગર રીંછ પર હુમલો કરી દીધો હતો.
હેલીએ આગળ કહ્યું હતું કે તેને શરૂઆતમાં લાગ્યું કે તે કૂતરો છે અને મોટી સાઈઝનો છે. જોકે, જ્યારે તેણે જોયું કે કોઈ જાનવર તેના કૂતરાઓ પર હુમલો કરી રહ્યું છે તો તેના મનમાં એક જ વિચાર હતો કે તે ગમે તેમ કરીને તે જાનવરને દીવાલથી નીચે પાડી દે. રીંછ સાથેની લડાઈમાં હેલીને સામાન્ય ઈજા થઈ છે.
તો હેલીની માતા આ વીડિયો જોયા બાદ એકદમ ડરી ગઈ હતી. તે રાતના વ્યસ્થિત રીતે સૂઈ પણ શકી નહોતી. તેને બસ એ વિચાર આવતો હતો કે હેલી નસીબદાર હતી કે તેને કંઈ થયું નહીં. તેણે ઘણી જ હિંમત દાખવી હતી.