ગુજરાત ATSનું મોટું ઓપરેશન, ગાંધીનગરમાંથી જ ઝડપી પાકિસ્તાનની ચલણી નોટો

Gujarat

પ્રશાંત દયાળ, ગાંધીનગર: એટીએસ છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ઓર્ગેનાઈઝ્ડ ગેંગ મુદ્દે સક્રિય બની છે. ગુજરાત એટીએસએ ભારત અને ભારત બહાર ગુપ્ત રાહે અનેક ઓપરેશન્સ પાર પાડ્યા છે. આવું જ એક ઓપરેશન મંગળવારે ગાંધીનગરના ચિલોડા પાસે હાથ ધર્યું હતું. જેમાં ચાર વ્યક્તિઓને બનાવટી ભારતીય ચલણી નોટોની સાથે પાકિસ્તાની ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા છે.

નોટબંધી પછી સરકારનો દાવો હતો કે નવી ચલણી નોટોની નકલ શક્ય નથી, જેના કારણે ભારતીય અર્થતંત્રને ખોરવી નાખવા માટે પાકિસ્તાન સહિતના પડોશી રાષ્ટ્રમાં જ્યાં ભારતીય બનાવટની નકલી ચલણી નોટોનું ઉત્પાદન થઈ રહ્યું છે તેના પર બ્રેક લાગશે.

પરંતુ ગુજરાત એટીએસએ ચિલોડા સર્કલ પાસેથી ચાર વ્યક્તિઓની ટુકડીને બનાવટી ચલણી નોટો સાથે કરેલી અટકાયતે કેન્દ્ર સરકારના દાવાઓનો છેદ ઉડાડી દીધો છે. એટીએસએ પકડેલી આ બનાવટી ચલણી નોટો અસલને પણ ટક્કર મારે તેવી દેખાય છે. માત્ર ભારતીય બનાવટની જ નહીં પણ તેમની પાસે પાકિસ્તાનની નકલી ચલણી નોટો પણ તેમની પાસેથી મળી આવી છે.

જોકે મંગળવારની મોડી રાત્રી સુધી આ ઓપરેશન ચાલુ હોવાને કારણે ઓપરેશનમાં શામેલ એટીએસના અધિકારીઓએ ઓપરેશનની ગુપ્તતા જાળવવા પોતાના સત્તાવાર મોબાઈલ ફોન્સ સ્વીચ ઓફ કરી નાખ્યા હતા. સંભાવના એવી છે કે આવતીકાલે બુધવારે એટીએસ આ અંગે સત્તાવાર જાહેરાત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *