Friday, July 19, 2024
Google search engine
HomeGujaratએક સમયે સાયકલના પૈસા નહોતા, છ વર્ષમાં બાર સરકારી નોકરી મળી, આજે...

એક સમયે સાયકલના પૈસા નહોતા, છ વર્ષમાં બાર સરકારી નોકરી મળી, આજે છે ગુજરાતના આઈપીએસ અધિકારી

મિત્રો, કહે છે ને કે જ્યારે તમારો ઇરાદો બહુ જ મોટું કામ કરવાનો હોય અને તમારો દૃઢ સંકલ્પ પણ સાથે હોય તો પછી તમને લક્ષ્ય સિદ્ધ કરવામાં કોઈ રોકી શકતું નથી. કંઈક આવું જ કરી દેખાડ્યું છે, આઇપીએસ પ્રેમસુખ ડેલુએ. રાજસ્થાનના એક નાનકડા ગામડામાં જન્મેલા અને ગરીબીમાં ઊછરેલા પ્રેમસુખ ડેલુની કહાણી આજે લાખો યુવાનો માટે મિસાલ બની રહી છે. દૃઢ ઇરાદો અને લક્ષ્ય પ્રાપ્ત કરતા પહેલાં હાર ન માનવાના તેમના ઝનૂને તેમને મંજિલે પહોંચાડ્યા છે. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે, ઘણી વાર તો પુસ્તક અને કોપીઓ પણ સમયસર મળતાં ન હતાં!

પોતાના પરિવારની આવી સ્થિતિ જોઈને દુઃખી થયેલા પ્રેમસુખ ડેલુએ નિશ્ચય કર્યો કે, પોતે ભણીગણીને એક ઉચ્ચ સરકારી અધિકારી બનશે. પ્રેમસુખ ડેલુને પહેલી વાર સરકારી નોકરી 2010માં મળી. તે બિકાનેર જિલ્લામાં તલાટી બની ગયા. કદાચ બીજા કોઈ હોત તો આ નોકરીથી સંતુષ્ટ થઈ જાત, પરંતુ પ્રેમસુખે અભ્યાસ અને મહેનત ચાલુ રાખ્યા. તલાટી તરીકે રહેવા છતાં તેમણે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનું ચાલુ રાખ્યું.

તેમણે ગ્રામસેવક પરીક્ષામાં સમગ્ર રાજસ્થાનમાં બીજો રેન્ક મેળવ્યો હતો, પરંતુ એ નોકરી પણ સ્વીકારી નહીં. એ દરમિયાન રાજસ્થાન આસિસ્ટન્ટ જેલરની પરીક્ષા આપી હતી તેમાં તેઓએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું. છતાં તેમણે આ નોકરી જોઈન ન કરી, કારણ કે તેઓ જોઈન કરે એ પહેલાં જ તેમની પસંદગી રાજસ્થાન પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે માટે થઇ હતી. જોકે તેમણે સબ ઈન્સ્પેક્ટરની નોકરી પણ સ્વીકારી નહોતી. 2011માં તેમણે બી.એડ. કર્યું. પછી પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલ ટીચરની પરીક્ષા પણ પાસ કરી. આ રીતે પ્રેમસુખ ડેલુ બિકાનેરના કતરિયા ગામમાં શિક્ષક તરીકે ફરજ નિભાવવા લાગ્યા. આ પછી તેમણે કોલેજ વ્યાખ્યાતા તથા મામલતદાર તરીકેની પરીક્ષા પણ પાસ કરી.

આમ, છ વર્ષમાં તેમણે બાર સરકારી પરીક્ષા પાસ કરી હતી. સતત મળતી સફળતા છતાં તેઓ મહેનત કરતા રહ્યા. તેઓ આઇપીએસ ઓફિસર બનવા માગતા હતા. 2015માં તેમણે સિવિલ સર્વિસ પરીક્ષા આપી અને તેમાં 170મા રેન્કથી પાસ થયા. પ્રેમસુખના પપ્પાનું નામ રામધન ડેલુ અને માતાનું નામ બુગીદેવી. પ્રેમસુખનો જન્મ 3 એપ્રિલ, 1988ના રોજ થયો. તેઓ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નોખા તાલુકાના રાસીસર ગામના રહેવાસી. પ્રેમસુખ ડેલુ નાનકડા ગામડામાંથી આવ્યા હતા. તેઓ છઠ્ઠા ધોરણમાં આવ્યા, ત્યારે પહેલી વાર એબીસીડી વાંચી હતી. એ પછી એમને અંગ્રેજી ભાષાનું જ્ઞાન થયું.

પ્રેમસુખનું બાળપણ ગરીબીમાં વીત્યું. ગરીબી એવી હતી કે, આઠમા ધોરણ સુધી તેમણે પેન્ટ નહીં, ચડ્ડી પહેરી હતી! તેમનું ભણતર સરકારી સ્કૂલમાં થયું. તેઓ કહે છે, ‘મારાં માતા-પિતા ભણેલાં નહોતાં, પણ અમને ભણવાની પૂરી તક આપી હતી.’ બાયોલોજી વિષય સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરીને પ્રેમસુખભાઇ પહેલાં મેડિકલ ક્ષેત્રમાં કેરિયર બનાવવા માગતા હતા. આ માટે તેમણે મેડિકલની પ્રવેશ પરીક્ષા પણ આપી હતી, પરંતુ તેમાં તેઓ સફળ થયા નહોતા. એ પછી તેમણે મહારાજ ગંગાસિંહ યુનિવર્સિટીમાંથી બી.એ. કર્યું હતું અને ઇતિહાસ વિષય રાખ્યો હતો. તેમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

યુપીએસસી પરીક્ષાની પ્રેરણા કોણે આપી? આ સવાલના જવાબમાં તેઓ કહે છે, ‘હું જુદી જુદી પરીક્ષાની તૈયારી કરતો હતો. જોબ પણ ચાલુ હતી. એ દરમિયાન સિનિયર ઓફિસરનો સંપર્ક થતા, તેમની પાસેથી આ પરીક્ષા વિશે મને જાણવા મળ્યું હતું.’ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી? એવું પૂછતાં તેઓ કહે છે, ‘મેં જોબ કરતાં કરતાં સેલ્ફ સ્ટડી કરી હતી. મેં ક્યાંય પણ કોચિંગ લીધું નહોતું. સેલ્ફ સ્ટડીમાં દરરોજ આઠથી દસ કલાકનું વાંચન-લેખન કરતો.’

તમને ઇન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પુછાયા હતા? તેઓ કહે છે, ‘ઇન્ટરવ્યૂમાં મને મેં ધોરણ 12 સાયન્સ કર્યું હોવાથી તેને સંબંધિત પ્રશ્નો પુછાયા હતા. હું શિક્ષક હતો તેથી શિક્ષણ સંબંધી પ્રશ્નો પૂછ્યા હતા. ઉપરાંત, રાજસ્થાનની વિશેષતાઓ વિશે પણ પ્રશ્નો કર્યા હતા.’ પ્રેમસુખના મોટા ભાઈ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે. પ્રેમસુખ ડેલુનાં પત્નીનું નામ ભાનુશ્રી‌ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments