કેનેડામાં ગુજરાતીઓ ભાઈઓ ફોટા પડવવા ગયા, નાના ભાઈનું ડૂબી જતાં મોત, મોટોભાઈ ગંભીર

મહેસાણાના બારોટ પરિવારના યુવાનનું કેનેડામાં ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. બે સગા ભાઈ ફોટોશૂટ માટે કેનેડામાં આવેલા પોગીઝ કોવ લાઈટ હાઉસ ખાતે ગયા હતા, જ્યાં આ સમગ્ર ઘટના બની હતી. પગ લપસી જતાં નાનો ભાઇ ડૂબતાં મોટો ભાઈ બચાવવા માટે પડ્યો હતો. જોકે તેના પ્રયત્નો નાકામ રહ્યા હતા. મોટા ભાઇની પણ હાલત ગંભીર છે. હર્ષિલ બારોટ નામના યુવાનનું ડૂબી જવાથી મોત થવાથી તેનાં માતા-પિતા કેનેડા જવા માટે રવાના થયાં છે. ઉલ્લેખનીય છે કે પાંચ મહિના પહેલાં કેનેડા ભણવા ગયેલા વડોદરાના યુવકનો અભ્યાસ પૂર્ણ થતાં તે મિત્રો સાથે ફરવા ગયો હતો અને ક્લિફ જમ્પિંગ રમતાં ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, મૂળ મહેસાણાના અને છેલ્લાં ત્રણ વર્ષથી કેનેડામાં સ્થાયી થયેલા બે સગા ભાઈ હર્ષિલ બારોટ અને ઝરીન બારોટ નામના બે યુવક કેનેડામાં આવેલા પેગીઝ કોવ ખાતે ફોટોશૂટ માટે ગયા હતા. લાઈટ હાઉસ નજીક ખડકો પર ઊભા હતા. એ દરમિયાન પગ લપસી જતાં નાનો ભાઈ હર્ષિલ બારોટ દરિયામાં ડૂબી ગયો હતો. જ્યારે મોટો ભાઈ નાના ભાઈને બચાવવા પાછળ કૂદ્યો હતો, પરંતુ તેના પ્રયત્નો નાકામ રહ્યા હતા. મોટા ભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી.

ઘટનાની જાણ થતાં કેનેડિયન ફાયર અને ઇમર્જન્સી જોઈન્ટ રેસ્ક્યૂ કો-ઓર્ડિનેટર સેન્ટર અને કેનેડિયન કોસ્ટ ગાર્ડ ઘટનાસ્થળે આવી મોડી રાત સુધી યુવકોની શોધખોળ કરી હતી, કેટલીક સ્થાનિક બોટની મદદથી યુવકની શોધખોળ કરવામાં આવી હતી, જેમાં દરિયા કિનારા નજીકથી ઝરીન બારોટ મળી આવ્યો હતો, તેને રાત્રે 8.55 કલાકે ફાયર દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. યુવકને ગંભીર ઇજાઓ થતાં તેણે એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના બની એ પહેલાં મૃતક હર્ષિલ અને તેનો ભાઈ ગાડીમાં સવાર થઈને દરિયા કિનારે જતા તેમણે સોશિયલ મીડિયામાં વીડિયો પણ અપલોડ કર્યા હતા. એમાં બંને ભાઇ દરિયાના અને આસપાસનાં દૃશ્યો પોતાના ફોનમાં કેદ કરતા જોવા મળે છે. મતુકના પિતા હાલમાં મહેસાણામાં જેલ રોડ પાસેની સોસાયટીમાં રહે છે અને ગેસની એજન્સી ચલાવે છે. ઘટનાની જાણ થતાં માતા-પિતા મોડી રાત્રે કેનેડા જવા રવાના થયાં છે.

આ અંગે મહેસાણાના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, બંને ભાઇ કેનેડાના દરિયામાં સેલ્ફી પોઇન્ટ પર ફોટો શૂટ માટે ગયા હતા. દરમિયાન હર્ષિલનો પગ લપસ્યો હતો. હર્ષિલ દરિયામાં પડતાં ઝરીન તેને બચાવવા અંદર પડ્યો, ત્યાં ઝરીનના હાથમાં પથ્થર આવી જતાં તેનો જીવ બચી ગયો હતો, જ્યારે હર્ષિલ ડૂબી જતાં તેનું મોત થયું હતું. ત્યારે મોટા ભાઈ ઝરીનને ગંભીર ઇજા થઈ છે. બંને ભાઈ છેલ્લાં ત્રણ એક વર્ષથી કેનેડામાં વર્ક પરમિટ પર રહેતા હતા.

Similar Posts