વિદેશ જવા માંગતાં લોકો માટે આંચકાનજક સમાચાર સામે આવ્યા છે. યુએસ-કેનેડા બોર્ડર પર પટેલ પરિવારના ચાર લોકોના મોતના સમાચાર તાજા જ છે ત્યાં કેનેડામાં વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં ત્રણ કોલેજોએ પાટિયા પાડી દેતા અનેક ભારતીય સ્ટુડન્ટનું ભાવી જોખમમાં મૂકાયું છે. જેમાં 200થી વધુ ગુજરાતીઓને રાતે પાણીએ રડવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ કેનેડાના ક્યૂબેક પ્રોવિન્સના મોન્ટ્રીયલ શહેરની ત્રણ કોલેજો CCSQ, CDE અને M College એ તાળા મારી દીધા છે. કોરોનાની મહામારીમાં નાણાકીય સંકટનું બહાનું કાઢી આ કોલેજોએ પાટિયા પાડી દીધા છે. આ કોલેજમાં ભારતના 2500થી વધુ સ્ટુડન્ટ સ્ટડી કરતાં હતા. જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના સ્ટુડન્ટ હતા. અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિત ગુજરાતના 200થી વધુ સ્ટુડન્ટ આ કોલેજોમાં ભણતા હતા. દરમિયાન ભારતીય સ્ટુડન્ટે મોન્ટ્રીયલના ગુરુદ્વારામાં રેલીનું આયોજન કર્યું હતું. જેમાં સ્ટડી સાથે ફી પાછી આપવાની સાથે વર્ક પરમિટની મંજૂર આપવાની માંગ કરવામાં આવી હતી.
કોલેજને બંધ કરવામાં આવતા ગુજરાતી સ્ટુડન્ટને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. એડમિશન બાદ ઘણા સ્ટુડન્ટ કેનેડા પહોંચી ગયા હતા. જ્યારે કોરોનાને કારણે ઘણા સ્ટુડન્ટ ગુજરાતમાં રહીને જ ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતાં હતા. જે કોલેજ ઓફલાઈન ચાલુ થાય ત્યારે કેનેડા જવાના હતા. એટલું જ નહીં કોલેજ બંધ થઈ તેના થોડા સમય પહેલાં જ કોલેજોએ 10 લાખથી લઈને 20 લાખ રૂપિયા સુધીની ફી ઉઘરાવી લીધી હતી.
આ અંગે એક સ્ટુડન્ટ પૃથ્વી દરજીએ અંગ્રેજી અખબાર અમદાવાદ મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “મેં કેનેડાના મોન્ટ્રીયલ શહેરની CCSQ કોલેજમાં બે વર્ષનો બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ જોઈન કર્યો હતો. હું અમદાવાદના નિકોલમાં રહું છું અને કેનેડા જવા અને ભણવા માટે એજ્યુકેશન લોન લીધી હતી. મારા પિતા પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ છે. મારું સપનું હતું કે સ્ટડી પૂરુ કરીને જોબ મેળવીને ફેમિલીને આર્થિક રીતે મદદરૂપ થાવ. હવે ખબર નથી પડતી કે હું શું કરું?”
યુવકે રડતાં રડતાં વધુમાં જણાવ્યું હતું કે “મારી જેમ જ ઘણા બધા સ્ટુડન્ટ 30 લાખ રૂપિયા ખર્ચીને કેનેડામાં ભણવા આવીને ફસાઈ ગયા છે. હવે કેનેડાની સરકાર તરફથી પોઝિટિવ જવાબની રાહ જોઈ રહ્યા છીએ. હું ભારત પાછો જઈ શકું તેમ નથી અને અહીં મારી પાસે કંઈ જ નથી.”
ઓવરસિઝ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા કેનેડાના ડિરેક્ટર અને 40 વર્ષથી કેનેડામાં રહેતાં હેમંત શાહે જણાવ્યું હતું કે આ ભારતીય સ્ટુડન્ટ અને તેમના માતા-પિતા માટે ચેતવણી છે. કેનેડાની કોલેજમાં એડમિશન લેતા પહેલાં બધી જ તપાસ કરી લેવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે સ્ટુડન્ટને કેનેડામાં હક્કો મળેલા છે અને તેમણે તેના માટે લડત ચલાવવી જોઈએ. કેનેડાની યુનિવર્સિટીઓ ભારતીય સ્ટુડન્ટના કારણે ફુલીફાલી છે, છતાં ભારતીય સ્ટુડન્ટની હાલત ખરાબ છે.”
એનજીઓ વેદિક સંસ્કૃતિ ચલાવતા ક્શ્યપ દેસાઈએ અમદાવાદ મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “સ્ટુડન્ટે કોલેજ બાબતે પૂરતું રિસર્ચ કરવું જોઈએ અને યોગ્ય ચેનલ મારફતે જ આવવું જોઈએ. આ કોલેજોમાં ફાયનાન્સિયલ મિસમેનેજમેન્ટની પણ ફરિયાદો પણ થઈ છે. ભારતીયોમાં કેનેડાની આંધળી દોડ લાગી છે, જેના કારણે ઘણા સ્ટુડન્ટને મુશ્કેલીમાં મૂકાવું પડી રહ્યું છે. ઘણા કેસમાં કેનેડાની સરકાર ભારતના ઓનલાઈન સ્ટુડન્ટને વિઝા આપવાની પણ ના પાડી દીધી છે.