Thursday, November 30, 2023
Google search engine
HomeGujaratદાદાએ બાળકીના જન્મદિવસે જ તેને બિસ્કિટ આપી ઘરની પાછળ લઈ જઈ...

દાદાએ બાળકીના જન્મદિવસે જ તેને બિસ્કિટ આપી ઘરની પાછળ લઈ જઈ…

ગુજરાતમાં એક ખૂબ જ હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. ગઈ કાલે ગુમ થયેલી 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી ગળે ટૂંપો દઈ હત્યા કરી દેવામાં આવી હતી. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પરપ્રાંતિઓએ આ કૃત્ય કર્યાની શંકાએ ગોડાઉનમાં આગ ચાંપી દીધી હતી. જોકે આ જઘન્ય અપરાધમાં જે વ્યક્તિનું નામ ખૂલ્યું એ જાણી સૌ કોઈની આંખો પહોળી થઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ મથકની હદમાં ગઈ કાલે 4 વર્ષની એક બાળકી ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ મોડી સાંજ સુધી બાળકીની શોધખોળ કરતા બાળકી મળી ન હતી. જેથી પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. એવામાં જ પોતાના ઘર પાછળના જંગલ વિસ્તારમાં બાળકીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

બીજી તરફ ગામમાં ચારેકોર એવી અફવા ફેલાઈ હતી કે, કોઈએ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી નાંખી છે. આવી અફવાને પગલે ઉશ્કેરાયેલા ટોળાએ લાકડાના ગોડાઉનને આગ લગાવી દીધી હતી. નાનકડા એવા ગામમાં ઘટનાને પગલે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. મોડી રાત્રે જિલ્લા પોલિસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

હેવાનીયતભર્યું કૃત્ય કરનાર આરોપીને ઝડપી પાડ્યો
પોલીસે ટુકડીઓ બનાવી માસૂમ બાળકીના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ લાવ્યો હતા. ત્યાંથી વડોદરા પેનલ પીએમ અર્થે મોકલતા બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનું અને ગળે ટૂંપો દઈ હત્યા કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે રાત્રે જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી, આ હેવાનીયતભર્યું કૃત્ય કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો.

અવાવરુ જગ્યાએ લઈ જઈ હેવાનીયત ભર્યું કૃત્ય કર્યું
આરોપી મૃત બાળકીના કૌટુંબિક દાદા હોવાનું સામે આવતા આરોપી ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા. બાળકીને હંમેશા રમાડતા અને ચોકલેટ બિસ્કિટ લઈ આપતા. ત્યારે દાદાએ ગઈકાલે બપોરે બાળકીને બિસ્કિટ લઈ આપી રમાડતા રમાડતા તેઓના ઘર પાછળ આવેલા અવાવરુ જગ્યાએ લઈ જઈ હેવાનીયત ભર્યું કૃત્ય કર્યું હતું. પછી ગભરાઈ જતા પકડાઈ જવાના ડરે નજીક ઝાડી ઝાંખરામાં આવેલા વેલથી બાળકીના ગળે ટૂંપો દઈ તેની હત્યા કરી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

સાંજે બાળકીનો મૃતદેહ ઝાડી ઝંખરાઓમાંથી મળી આવ્યો
બાળકીનો જન્મદિવસ હતો એટલે ઘર પરિવારના સભ્યો, મોટા ભાઈ અને બેન ઘરે હોઈ બાળકીને ઘરે રાખી બહાર નીકળ્યાં હતા. ત્યારે માસૂમ બાળકી સાથે આ ઘટના બની હતી. બપોર બાદની બાળકી ગુમ થતા તેની શોધખોળ કરવામાં આવી હતી. તે સમયે કૌટુંબિક દાદાએ પોતે બિસ્કિટ આપી ખેતરે નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું. અંતે સાંજે બાળકીનો મૃતદેહ ઝાડી ઝંખરાઓમાંથી મળી આવ્યો હતો.

કડકાઈથી પૂછપરછ કરતા સમગ્ર ઘટનાક્રમની કબૂલાત કરી
પોલીસે તબક્કાવાર નજીકના લોકોને ઇન્વેસ્ટિગેટ કરવાનું શરૂ કરતાં ઘટના સમયે આ આરોપી ઘરે ન મળતા ખેતરે હોવાની જાણ તેઓના પુત્રોએ કરી હતી. આ આરોપી ખેતરે પણ નહીં હોવાનું પોલીસને જાણવા મળતા, મોડી રાત્રે આ આરોપી ઘરે પરત ફરતા તે ખેતરમાં હોવાનું રટણ કરતા પોલીસની શંકાએ તેની કડકાઈથી પૂછપરછ કરી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાક્રમની કબૂલાત કરી હતી.

પોલીસે પોક્સો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી
પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુન્હાનો ભેદ ઉકેલી હેવાનીયત ભર્યું કૃત્ય આચરનાર બાળકીના કૌટુંબિક દાદાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસ તપાસમાં આરોપીએ આકૃત્ય તેને નહીં પણ તેની અંદર રહેલા રાક્ષસે કર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે પોસ્કો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લાકડાના ગોડાઉનમાં લાગેલી આગ હોલવવા 15 જેટલા બંબા કામે લગાડ્યા
આ સમગ્ર બનાવની તપાસ સાથે ગ્રામજનોના રોષનો ભોગ બનેલા લાકડાના ગોડાઉનમાં લાગેલી આગ હોલવવા હાલોલ, વડોદરા અને ઇન્ડસ્ટ્રીના ખાનગી ફાયર ફાઈટરો મળી 15 જેટલા બંબા કામે લગાડવામાં આવ્યા હતા. રાત્રે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજ અને સમાચાર પત્રોમાં છપાયેલી વિગતો મુજબ આ કૃત્ય પરપ્રાંતિઓ દ્વારા કરવામાં આવ્યું હોવાથી જિલ્લા પોલીસે અનિચ્છનીય બનાવ ન બને તે માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે આ વિગતો સંપૂર્ણ પાયાવિહોણી નીકળી હતી અને આરોપી મૃત બાળકીના પરિવારનો જ હોવાનું સામે આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page