સોમવારે મોડી સાંજે અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા વિસ્તારમાં કેટલો વરસાદ ખાબક્યો?

Featured Gujarat

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી રાહ જોઈને બેઠેલા અમદાવાદી માટે સોમવાર ફળ્યો હતો. બફારા વચ્ચે સોમવારે સાંજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. સોમવારે 7થી 8 વાગ્યાના એક કલાકમાં ઉસ્માનપુરામાં અંદાજે 2 ઈંચ તો કોટ વિસ્તારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાણીપમાં એક ઈંચ જેટલો વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી.

બીજી તરફ સોમવારની રાતે આઠ વાગ્યા બાદ બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ સહિતના આસપાસના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. સોમવારે સવારે અમદાવાદમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા હતા જેથી સોમવારે વરસાદ આવશે તેવા આશા બંધાઈ હતી પરંતુ દિવસભર ઉકળાટથી નાગરિકો કંટાળ્યાળી ગયાં હતાં.

જોકે, સોમવારની સાંજે ઉસ્માનપુરા, વાડજ, નારણપુરા, દુધેશ્વર સહિત કોટ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સતત એક કલાક સુધી વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયાં હતા.

સોમવારે સાંજે 7થી 8 વાગ્યાની આસપાસ ઉસ્માનપુરામાં 45 મીમી, પાલડીમાં 10 મીમી, રાણીપમાં 25 મીમી, બોડકદેવમાં ૦.50 મીમી, ગોતામાં 2.50 મીમી, દાણાપીઠમાં 20 મીમી, દુધેશ્વરમાં 25 મીમી, મેમ્કોમાં એક મીમી, મણિનગરમાં 7 મીમી અને વટવામાં એક મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. અત્યાર સુધીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *