|

વર્લ્ડકપમાં ભારતનો પહેલો વિજય, આ રહ્યા જીતના પાંચ કારણો

લંડન: ટીમ ઈન્ડિયાએ બુધવારે વર્લ્ડકપના પોતાના પહેલા મુકાબલામાં સાઉથ આફ્રિકાને છ વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે. જોકે ભારતીય બેટ્સમેનોને સાઉથ આફ્રિકાના બોલર્સે સરળતાથી રન બનાવવા દીધા નહોતા, પરંતુ છેલ્લે સુધી પીચ પર એક છેડો સાચવીને ઉભેલા રોહિત શર્માએ ટીમને જીત સુધી પહોંચાડી દીધી હતી. ભારતે 228 રનનો લક્ષ્યાંક 47.3 ઓવર્સમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ વર્લ્ડકપ ઈતિહાસનો પહેલો બનાવ છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ સતત ત્રણ મેચ રાહી હોય.

કારણ-1

જસપ્રીત બુમરાહે ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમને શરૂઆતી ઝટકા આપીને બેકફૂટ પર ધકેલી દીધું હતું. બંને ઓપનિંગ બેટ્સમેનને પેવેલીયનનો રસ્તો દેખાડી બુમરાહે ભારતને મેચમાં મજબૂત શરૂઆત અપાવી હતી. ત્યાર બાદ સાઉથ આફ્રિકાની ટીમ મેચમાં પરત ફરી શકી નહોતી. બુમરાહે પોતાની 10 ઓવરમાં 35 રન આપીને બે વિકેટ ઝડપી હતી.

કારણ-2

યુજવેન્દ્ર ચહલ અને ચાઈનામેન કુલદીપ યાદવે સાઉથ આફ્રિકાના બેટ્સમેનોને પોતાની ફીરકીમાં નચાવ્યા હતા. ચહલ અને કુલદીપે વધુ એક વખત મિડલ ઓવર્સમાં બેટ્સમેનોને રન માટે તરસાવ્યા હતા અને દબાણ ઉભું કરીને વિકેટ ઝડપી હતી. ચહલે ચાર વિકેટ પોતાના નામ કરી હતી, કુલદીપને જોકે એક જ વિકેટ મળી હતી.

કારણ-3

મેચમાં ડેથ ઓવર્સમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનોને કાબૂમાં રાખવાનું કામ ભુવનેશ્વર કુમારે કર્યું હતું. ભુવનેશ્વરે કોઈ પણ બેટ્સમેનને છેલ્લી ઓવર્સમાં ખુલ્લીને રમવાની કોઈ તક આપી નહોતી, એટલું જ નહીં બે બેટ્સમેનોને પેવેલીયનનો રસ્તો દેખાડી સાઉથ આફ્રિકાની ઈનિંગને જલદી પૂરી કરી નાંખી હતી. ભુવનેશ્વર કુમારે 10 ઓવરમાં 44 રન આપીને બે વિકેટ ઝડપી હતી.

કારણ-4

આ જીતનો સૌથી મોટો હીરો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા રહ્યો હતો. રોહિતે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા, તેણે 144 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 122 રન બનાવ્યા હતા. રોહિતે સંયમ સાથે બેટિંગ કરી અને સમય લઈને વિકેટ પર પોતાના પગ અને બોલ પર આંખો જમાવી હતી. બાદમાં તેણે તેનો ફાયદો ઉઠાવતા સદી ફટકારી હતી

કારણ-5

ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને કેપ્ટન કોહલીના આઉટ થયા બાદ કે એલ રાહુલ (26)એ રોહિત શર્માનો સાથ આપ્યો હતો અને સ્ટ્રાઈક રોટેટ કરતો રહ્યો હતો. રાહુલના આઉટ થયા બાદ મહેન્દ્રસિંહ ધોની (34)એ પણ સદી તરફ આગળ વધી રહેલા રોહિતનો સાથ આપીને મહત્વપૂર્ણ ભાગદારી નોંધાવી હતી અને સ્કોરબોર્ડને આગળ વધાર્યું હતું. જેના કારણે ભારતે લક્ષ્યાંક મેળવી લીધો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *