સચિનથી લઈને ધોની સુધી, આ 7 પૈસાદાર ખેલાડીઓ પણ કરી રહ્યા છે સરકારી નોકરી

Sports

મુંબઈઃ ક્રિકેટ રમતા ખેલાડીઓને અઢળક રૂપિયા મળતા હોય છે. આ મામલે ભારતીય ખેલાડીઓ વિશ્વમાં સૌથી આગળ છે. ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીની કમાણી કરોડોમાં હોય છે. પરંતુ તેમ છતાં ઘણા ખેલાડીઓ એવા છે જે મોટા પ્રમાણમાં સંપત્તિ ધરાવતા હોવા છતાં સરકારી નોકરી કરી રહ્યાં છે.

યુઝવેન્દ્ર ચહલ
ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં ભારતના શાનદાર સ્પિન બોલર્સમાંથી એક છે. ક્રિકેટર હોવાની સાથે તે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઈન્સપેક્ટર પદે કાર્યરત છે.

ઉમેશ યાદવ
ભારતીય ટેસ્ટ ટીમના મુખ્ય ઝડપી બોલર્સમાંથી એક ઉમેશ યાદવ પોતાની ગતિને કારણે જાણીતો છે. ઉમેશ યાદવની સ્પોર્ટ્સ ક્વૉટા હેઠળ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજર પદે નિમણૂંક કરવામા આવી છે. એક ક્રિકેટર બનતા પહેલા ઉમેશ યાદવ પોલીસ કોન્સ્ટેબલ બનવા માગતો હતો.

કપિલ દેવ
1983માં ભારતને પ્રથમ વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવ ઘણા સમય અગાઉ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. કપિલ દેવ હાલ ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલ તરીકે નોકરી કરી રહ્યાં છે.

જોગિન્દર શર્મા
2007ના ટી-20 વર્લ્ડ કપમાં ભારત માટે અંતિમ ઓવર નાંખી જીત અપાવનાર જોગિન્દર શર્મા પણ ક્રિકેટ કરિયર પૂર્ણ થયા બાદ સરકારી નોકરી કરી રહ્યાં છે. જોગિન્દર શર્મા હરિયાણા પોલીસમાં ડીએસપી તરીકે કામ કરી રહ્યો છે.

હરભજન સિંહ
ભારતના દિગ્ગજ સ્પિન બોલર હરભજન સિંહે અત્યારસુધી ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી નથી, પરંતુ હરભજન પંજાબ પોલીસમાં ડીએસપી પદે કાર્યરત છે.

સચિન તેંડુલકર
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પોતાના સંપૂર્ણ કરિયર દરમિયાન ઘણી નામના મેળવી છે. ભારત રત્ન સચિન તેંડુલકર ભારતીય વાયુ સેના તરફથી સન્માનિત થઈ ચૂક્યા છે. તેમને વાયુ સેનાના ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

મહેન્દ્રસિંહ ધોની
ભારતના સૌથી સફળ કેપ્ટન એવા મહેન્દ્રસિંહ ધોનીએ દેશના ક્રિકેટમાં ઘણું યોગદાન આપ્યું છે. ધોનીની કેપ્ટન્સીમાં ભારતે 2 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આ ઉપરાંત ધોનીની ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલ પદે નિમણૂંક કરવામા આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *