ગુજરાતનું ચમત્કારિક મંદિર, બારે માસ શિવલિંગ પર પડે છે પાણી, તસવીરો જોઈને નહીં થાય વિશ્વાસ

Gujarat

ચોટીલાની પવિત્ર પાંચાળ ભૂમિમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ ઝરિયા મહાદેવનું શિવાલય છે. આની વિશેષતા એ છે કે કુદરતરચિત ગુફામાં શિવલિંગ છે અને ગુફાની દીવાલો ઉપરથી બારેમાસ, 24 કલાક સતત મીઠા જળનો અભિષેક થતો રહે છે. કુદરતી સૌંદર્ય વચ્ચે એક ગુફામાં બીરાજમાન ઝરિયા મહાદેવના દર્શને બારેય માસ અને ખાસ તો શ્રાવણ માસમાં હજારો દર્શનાર્થીઓ ઉમટતા હોય છે.

ચોટીલાથી 15 કિ.મી દુર થાન તરફ જતા માંડવવનની વીડમાં પથ્થરની ગુફામાં ઝરીયામહાદેવ બીરાજમાન છે. અહીં શિવલીંગ પર પાણીની ધારા 365 દિવસ સતત ઝરતી રહેતા અવિતણ પણે કુદરતી રીતે શિવલીંગનો અભિષેક થતો રહે છે. અહીં શ્રાવણમાસ દરમિયાન દર્શનનુ મહત્વ હોવાથી ચોટીલા, થાન, સુરેન્દ્રનગર , રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો દર્શને ઉમટે છે.

એક દંતકથા મુજબ ઝરિયા મહાદેવમાં સેંકડો વર્ષો પહેલાં અત્રિ ઋષિનો આશ્રમ હતો અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અહીં બાળસ્વરૂપે ભોજન કરવા આવ્યા હતા. તે જ રીતે પાંડવોના ગુપ્તવાસ સમયે પાંડવો પણ અહીં ઝરિયા મહાદેવની પૂજા કરતા હતા.

અહીં કુદરત રચિત ગુફામાં બીરાજમાન શિવલિંગ ઉપર ગુફાની દીવાલોમાંથી બારેય માસ અને ચોવીસ કલાક સતત મીઠા ટોપરાના પાણી જેવા જળનો અભિષેક થતો રહે છે. પણ આશ્ચર્યની વાત એ છે કે આ પાણીનો સ્રોત ક્યાં છે તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. પંથકમાં વર્ષ 1975માં ઉપરાઉપરી 3 દુષ્કાળ સમયે પણ અહીં શિવલિંગ ઉપર સતત જળાભિષેક ચાલુ હતો.

મહાદેવને ભીંજવતું કુદરતી જળ નર્મદાનાં નીર કરતાં શુદ્ધ
ઝરિયા મહાદેવ ઉપર થતી અવિરત જલધારાનું સાયલાની આગાખાન સંસ્થાએ પરીક્ષણ કર્યું હતું. એ પાણીનો બૅક્ટેરિયા લોજિકલ ટેસ્ટિંગનો રિપોર્ટ નીલ આવ્યો હતો. જેથી નર્મદા અને વરસાદી પાણીની સરખામણી કરતાં ઝરિયા મહાદેવનું પાણી વધુ શુદ્ધ હોવાનું બહાર આવ્યું હતું.

પરીક્ષણમાં ઝરિયા મહાદેવના જળમાં માત્ર 0.08 પીપીએમ નાઇટ્રેટ, 29 સલ્ફેટ, 142 ટીડીએસ અને માત્ર 64 હાર્ડનેસનું પ્રમાણ હોવાનું પરીક્ષણમાં બહાર આવતા વરસાદી અને નર્મદાથી વધુ ગુણવત્તાયુક્ત ઝરિયા મહાદેવ ઉપર અમૃત અભિષેક થતું હોવાનું સાબિત થયું છે.

અહીં ગુફામાં બીરાજમાન મહાકાળી માતાજીની મૂર્તિનો અનોખો ઇતિહાસ
આ સ્થળે મંદિર સામે દિવસે પણ અંધારું હોય છે તેવી એક ગુફામાં મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના થઈ છે. દંતકથા મુજબ બ્રિટિશ યુગમાં નામચીન ભૂપત બહારવટિયો અંગ્રેજ પોલીસથી બચવા ચોટીલા પંથકમાં છુપાયો હતો ત્યારે મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી.

365 દિવસ શિવલીંગપર ગંગાજી જળાભિષેક કરતા હોવાથી ઝરીયા મહાદેવ નામ પડ્યું
ચોટીલાના મહેન્દ્રભાઈ ઉપાધ્યાયએ કહ્યું કે, અત્રિઋષીએ આ શિવલિંગની સ્થાપના કરવી હતી ત્યારે પત્ની અનસૂયાને જળનો પ્રબંધ કરવા કહેતાં તે ન મળતા ઋષીએ યોગસાધનાથી અહીં ગંગાજીનું અવતરણ કરાવ્યુ હતું. જેથી શિવલિંગ પર કુદરતી ઝરતુ હોવાથી ઝરીયા મહાદેવના પડ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *