Friday, September 29, 2023
Google search engine
HomeGujaratગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત દોષિતને કલોલ કોર્ટનો સજાએ મોતનો હુકમ

ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત દોષિતને કલોલ કોર્ટનો સજાએ મોતનો હુકમ

કલોલ : સાંતેજમાં ૫૨૫ દિવસ પહેલાં બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં સિરિયલ રેપિસ્ટને કલોલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ગાંધીનગર જિલ્લામાં ઐતિહાસિક ચુકાદામાં આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. સાંતેજ ગામની સીમમાંથી બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં કલોલ કોર્ટના એડીશનલ જજ એ.એ.નાણાવટીએ પોક્સો કાયદાની કલમ ૫ અને ૬ મુજબ આરોપીને મૃત્યુદંડ અને પચાસ હજાર રૂપિયાનો દંડ કર્યો છે.

આરોપી વિજય પોપટજી ઠાકોરને અગાઉ દુષ્કર્મના અન્ય બે કેસમાં જીવે ત્યાં સુધીની સજા કોર્ટ ફટકારી ચુકી છે. કલોલ તાલુકાના સાંતેજ ગામની સીમમાં તા.૪ નવેમ્બર ૨૦૨૧ના રોજ આરોપી વિજય પોપટજી ઠાકોરે લાકડાં વીણી રહેલ એક બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપી બાળકીને પોતાના મોટરસાયકલ પર બેસાડી રાંચરડા-ખાત્રજ રોડ પર આવેલ નાસ્મેદ કેનાલની પાસેના ખેતરની અવાવરુ ઓરડીમાં લઈ જઈને દુષ્કર્મ ગુજારી ગુપ્ત ભાગે ઈજા પહોંચાડી નાસી છૂટયો હતો.આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાયા બાદ કલોલ કોર્ટમાં એડીશનલ જજ એ.એ.નાણાવટી સમક્ષ કેસ ચાલી ગયો હતો. ફરિયાદી પક્ષના સરકારી વકીલ સુનીલ પંડયાએ દલીલ કરતા હતું કે આરોપી નાની બાળકીઓ સાથે આ પ્રકારના ગુનાઓ કરવા ટેવાયેલો છે. તેણે દસ દિવસના ટૂંકા ગાળામાં ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે જેથી તેને ફાંસીની સજા ફટકારવામાં આવે. જેને પગલે કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી પોક્સો કાયદાની કલમ હેઠળ આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવાનો તેમજ પચાસ હજાર રૃપિયા ભરવાનો હુકમ કર્યો હતો.

આરોપીએ દસ દિવસના ટૂંકાગાળામાં ત્રણ જેટલા બળાત્કાર કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જેને પગલે પોલીસે સિરિયલ રેપિસ્ટને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.આરોપીને કોર્ટ અગાઉના બે ચુકાદામાં ૨૦ વર્ષની કેદની સજા ફટકારી ચુકી છે. આરોપીએ ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની લાશ નાળામાં ફેંકી દીધી હતી. આ ઉપરાંત અન્ય એક કેસમાં સગીર બાળકી પર બળાત્કાર કરીને મોબાઈલ ફોનની લુંટ ચલાવી હતી. આ બંને કેસ કોર્ટમાં ચાલી જતા તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

૫૨૫ દિવસ પછી પીડિતાને ન્યાય મળ્યો

કલોલના સાંતેજમાં ૪ નવેમ્બર,૨૦૨૧ના રોજ આરોપીએ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનાના ઘેરા પડઘા સમગ્ર ગાંધીનગર જીલ્લામાં પડયા હતા. આરોપીએ અગાઉ અન્ય બે બાળકીઓ સાથે પણ દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ પીડિતાને ૫૨૫ દિવસ પછી ન્યાય મળ્યો છે.

પોલીસે સારવારનો ખર્ચ ઉઠાવ્યો હતો

દુષ્કર્મ પીડિતા ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી બાળકીની સારવારનો ખર્ચ ગાંધીનગર પોલીસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લાના તત્કાલીન પોલીસ વડા તેમજ રેન્જ આઈજી અને અન્ય પોલીસ કર્મચારીઓ માનવતા દાખવી સારવારનો ખર્ચ ઉપાડી લેવામાં આવ્યો હતો.

મૃત્યુદંડની સજા સાંભળતા આરોપી રડી પડયો

કલોલ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવતા રડી પડયો હતો. ફૂલ જેવી નાની બાળકીઓ પર દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરનારા આરોપી પર ચોમેરથી ફિટકાર વરસ્યો હતો. કલોલ કોર્ટમાં પ્રથમ વખત ફાંસીની સજા થતા કોર્ટ પરિસરમાં પણ ઉત્તેજના વ્યાપી ગઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page