ધંધૂકાના યુવક કિશન ભરવાડની હત્યાના પડઘા ગુજરાત બાદ દેશભરમાં પડવાના શરૂ થઈ ગયા છે. આ હત્યાની આગ હવે મુંબઈ અને દિલ્હી સહિત દેશના ભાગમાં પહોંચવા લાગી છે. સોશ્યિલ મીડિયા પર પણ લોકો પોસ્ટ કરી કિશન ભરવાડની હત્યા પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આજે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે કિશન ભરવાડની હત્યા અંગે પોસ્ટ કરી છે.
અભિનેત્રી કંગના રનૌતે ફેસબૂક પોસ્ટ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું- ”કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ ફેસબુક પોસ્ટને કારણે આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. ”
કંગનાએ લખ્યું- ”કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી હતી. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.”
ગુજરાત ATS એ મધરાતે દિલ્હીમાંથી મૌલવીને ઉઠાવ્યો
ધંધૂકાના કિશર ભરવાડ હત્યા કેસમાં મૂળ ઉત્તરપ્રદેશના મૌલવીની સંડોવણી બહાર આવી છે. ગુજરાત ATS મોડી રાતે મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. ગુજરાત ATSની ટીમે મધરાતે દિલ્હીમાંથી મૌલવીને ઉઠાવ્યો છે. દિલ્હીના મૌલવી કમરગની ઉસ્માનીને ATS ની ટીમે ઉઠાવ્યો છે. કમરગની તહેરીક-એ-ફરોગ-ઇસ્લામી નામનું સંગઠનનો સ્થાપક છે. ત્રિપુરામાં નવેમ્બરમાં રમખાણોમાં પણ આ મૌલાના 21 દિવસ જેલમા રહ્યો હતો. મૌલાના ઝેરીલા ભાષણ અને ઉશ્કેરણી માટે કુખ્યાત છે. તે ધર્મના નામે યુવાનોને ઉશ્કેરે છે. હજુ પણ અડધો ડઝન મૌલાનાઓ એજન્સીઓની રડારમાં છે. મૌલાના કમરગની ઉસ્માની ઉત્તરપ્રદેશના બારાબાંકીનો છે.
આજે બરવાળા અને તારાપુર ગામ બંધ
ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યાછે. આજે બોટાદનુ બરવાળા ગામ સજ્જડ બંધ છે. ધંધા રોજગાર બંધ રાખી વેપારીઓએ બંધને સમર્થન આપ્યુ છે. તો બીજી તરફ આણંદના તારાપુર ગામમાં પણ બંધ પાળવામા આવ્યો છે. આરોપીને કડક સજા તે માંગ સાથે ગ્રામજનોએ બંધ પાળ્યો છે.
અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ
આજે દિલ્હીના મૌલવીને ઝડપી લીધો હતો આ પહેલાં ગઈ કાલ સાંજે કિશન ભરવાડ હત્યા કેસમાં રાજકોટ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. રાજકોટ SOGએ મિતાણા ગામ પાસેથી અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ મૌલાનાને હથિયાર મોકલાવ્યાં હતા આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
શું ઘટના?
ગયા 25મી જાન્યુઆરીના રોજ ધંધૂકામાં કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. આ ઘટના બહાર આવતા માલધારી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જોકે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો. આ ઘટનાના બે દિવસ બાદ ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારની મુલાકાત લઈને ઝડપી ન્યાયની ખાતરી આપી હતી. પોલીસે પણ કેસની ગંભીરતા પારખીને હત્યામાં સામેલ બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. બાદમાં અમદાવાદ મૌલવીને દબોચી લીધો હતો. કેસમાં હથિયાર પુરા પાડનાર રાજકોટના શખસેને પકડી લેવામાં આવ્યો છે. આ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.