Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratવિધવા પુત્રવધૂ અને પૌત્રો સાથેની લાગણીને માન આપીને પટેલ પરિવારે લીધો નિર્ણય...

વિધવા પુત્રવધૂ અને પૌત્રો સાથેની લાગણીને માન આપીને પટેલ પરિવારે લીધો નિર્ણય અને…

દીકરો અવસાન પામે અને પુત્રવધુની ઉંમર નાની હોય તો સાસરીયાવાળાં પુત્રવધુને પોતાની દીકરી તરીકે પુનર્લગ્ન કરાવીને સારી જગ્યાએ વળાવે અને તેની સાથે આજીવન પિયરિયાં જેવો જ સંબંધ રાખે તેવા કિસ્સા સમાજમાં ઘણા મળી આવશે પણ એકના એક દીકરાના અકાળે મૃત્યુ બાદ વિચિત્ર ઉલઝનમાં ફસાયેલા પરિવારને તુટતો બચાવવા તે ઘરમાં દત્તક દીકરા તરીકે 35 વર્ષના યુવાનને દત્તક લઈ પોતાની વિધવા પુત્રવધુ સાથે પુનલગ્ન કરાવવાનો અજીબોગરીબ કિસ્સો કચ્છના કડવા પાટીદાર સમાજમાં બન્યો છે.

માંડવી તાલુકાના વરજડી ગામના ઇશ્વરભાઇ ભીમાણીના પરિવાર પર તે સમયે આભ તુટી પડ્યું જ્યારે તેમનો 35 વર્ષનો જુવાનજોધ દીકરો સચિન ઇલેક્ટ્રીક મશીનથી ગાય દોહતી વખતે અકસ્માતે વીજ કરંટ લાગતાં મૃત્યુ પામ્યો. પાછળ પત્ની,બે પુત્રો અને માતા-પિતા નોંધારા જેવા બની ગયા. પરિવારમાં ઘોર હતાશા અને અંધકાર છવાઇ ગયો. પુત્રવધુ મિતલનું ભવિષ્ય પણ વિચારવાનું હતું. સામાજીક રીતરિવાજ મુજબ સારું ઠેકાણું ગોતી દીકરી તરીકે તેને વળાવવા માનસિક દબાણ પણ વધી રહ્યું હતું.

પૈાત્ર ધ્યાન(11 વર્ષ) અને અંશ (6 વર્ષ) તરફના અતુટ લગાવને કારણે તેમના વગર દાદા-દાદી રહી શકે તેમ નહોતા! મિતલે પણ પોતાના દીકરાઓ સાથે અહીં જ રહી સાસુ-સસરાની સેવા કરવા મન મનાવી લીધું હતું. પણ ઇશ્વરભાઇ ભીમાણીના મનમાં કંઇક જુદો જ વિચાર ભમી રહ્યો હતો.

સુપાત્ર યુવાનને જ દીકરા તરીકે દતક લઇ મિતલ સાથે તેના પુનલગ્ન કરાવી શા માટે પરિવારને પહેલાંની જેમ હર્યોભર્યો ન કરવો ? મિતલે પણ આ માટે ના પાડી પણ અંતે ખુબ સમજાવટથી માની ગઇ અંતે સાબરકાંઠાના રામજીયાણી ફાર્મ(વડાલી) કંપામાં રહેતા મુળ આણંદસર(મંજલ)ના ઇશ્વરભાઇ પેથાભાઇ છાભૈયાના 35 વર્ષના પુત્ર યોગેશ પર પસંદગીનો કળશ ઢોળાયો !

યોગેશ છાભૈયા જ્યારે સચિન ભીમાણી બને છે
સામાન્ય રીતે નાના બાળકોને જ દતક લેવાતા હોય છે મોટા બાળકો તેમના જન્મદાતા માતા-પિતા તરફ લાગણીથી બંધાયેલા હોય એટલે એમને મમતા છોડવી અઘરી પડે…પણ અહીં તો 35 વર્ષના યુવાન યોગેશને દતક લેવાની વાત હતી. પાટીદાર સમાજમાં આ પ્રકારનો કિસ્સો પહેલાં ક્યાંયે સાંભળ્યો નહોતો. ખુબ અઘરું અને અશક્ય જેવું કામ હતું પણ પરિવાર-સમાજના સહયોગ અને ઇશ્વર કૃપાથી બધું હેમખેમ પાર પડ્યું…વડાલી(સાબરકાંઠા)નો યોગેશ, સચિન બનીને કચ્છમાં વરજડી આવવા તૈયાર થયો અને ભીમાણી પરિવારને પુન: હર્યોભર્યો બનાવી દીધો.

દત્તક વિધિ વખતે આખું વડાલી ગામ ઉમટ્યું
યોગેશનો રાહ ખુબ કઠીન હતો. ઘર, પરિવાર અને તમામ બંધનો છોડીને ઘરેથી સંન્યાસ લેવા જેવી વાત હતી પણ યોગેશ તમામ જવાબદારી સ્વીકારતાં તેને દતક લેવાની તૈયારીઓ આરંભાઇ. વરજડીથી ભીમાણી પરિવાર વડાલી પહોંચ્યો ત્યારે કંપાવાળાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. દીકરીની વિદાય હોય તેમ દતકવિધિ વખતે આખું ગામ ઉમટ્યું હતું. માલતીબેન અને ઇશ્વરભાઇએ કુમકુમ તિલક કરીને યોગેશનો સચિન તરીકે સ્વીકાર કર્યો.

કચ્છમાં પરત આવી મિતલના માવતરના ગામ ગંગાપરના લક્ષ્મીનારાયણ મંદિરમાં યોગેશ(સચિન) અને મિતલની ફુલહારથી લગ્નવિધિ સંપન્ન થઇ ત્યારે બંને પરિવારના ચહેરા પર અપાર ખુશી જોવા મળી હતી.સાબરકાંઠાના યોગેશ સચિન બની એક તુટતા પરિવારને માત્ર બચાવ્યો જ નથી પણ સમગ્ર ભીમાણી પરિવારમાં ખુશીઓ જ ખુશી રેલાવી દીધી છે.

કચ્છના કડવા પાટીદાર સમાજમાં વિધવા પુનર્વિવાહ ને પ્રોત્સાહન અપાયું છે
મોટા ભાગે આવા ઘરભંગના કિસ્સાઓમાં માવતર પક્ષવાળા પોતાની દીકરીને બારમાની વિધિ પછી સાસરામાંથી ઉઠાડી પોતાના ઘરે લઇ જતા હોય છે અને સમય જતાં યોગ્ય પાત્ર સાથે તેના પુન:વિવાહ કરાવી દેતા હોય છે. તો કેટલાક કિસ્સામાં સાસરીયા જ પોતાની પુત્રવધુને ઘરે રાખવાને બદલે દીકરી તરીકે વળાવી પોતે જ માવતરની ભૂમિકા ભજવતા હોય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page