Monday, April 15, 2024
Google search engine
HomeGujaratગુસ્સામાં આવી માતાએ પલંગ પર પછાડી પછાડીને લાડલા દીકરાની કરી હત્યા

ગુસ્સામાં આવી માતાએ પલંગ પર પછાડી પછાડીને લાડલા દીકરાની કરી હત્યા

‘મારું બાળક ય લઈ લીધું અને મને દુનિયાની સામે બદનામ કરી નાંખી જીવવા લાયક ન રાખી ટકા, મારા બાળકનો જીવ ય લઈ લીધો અને દુનિયા સામે બદનામ કરી નાંખી ટકા તારું કંઈ ભલું નહીં થાય તને જીવડા(પ્રેમીને સંબોધીને) પડશે ટકા, તને જીવડા પડશે…દુનિયામાં આવો બદલો કોઈ નહોતું લેતું એવો બદલો લીધો છે.’ આ શબ્દો છે માત્ર બે વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતારનારી પાપી જનેતાના.

આ હત્યા મામલે પ્રેમી અને પ્રેમિકાને પકડીને સુરેન્દ્રનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં આર્યનની હત્યારી માતા હુસેનાએ રડતા રડતા પ્રેમીને ટકો કહીને શ્રાપ આપી રહી હતી. પરંતુ પાપ કર્યા બાદ પશ્ચાતાપ કર્યો હતો કે પછી હુસેનાએ માત્ર મગરના આંસુ સાર્યા હતા? જોકે પોલીસ હુસેનાના આંસુઓથી પીગળી ન હતી અને તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી.

કહેવાય છે કે, પુત્ર કપાતર પાકે છે, પણ માતા ક્યારેય કુમાતા બનતી નથી. પરંતુ આ કેસમાં પોતાની કુખેથી જન્મ આપનારી માતાએ જ પોતાના બે વર્ષના માસૂમને પ્રેમી સાથે મળી વેલણ અને સાવરણાથી ફટકારી પલંગમાં પછાડી પછાડી ક્રૂર રીતે મોતને ઘાટ ઉતારી દીધો હતો. 8 માર્ચ એટલે કે મહિલા દિવસ નિમિત્તે જ વઢવાણની શ્રધ્ધા હોટલ પાછળ પ્રેમી સાથે રહેતી પરિણીતાએ પ્રેમી સાથે મળીને પ્રેમસંબંધમાં કાંટારૂપ બે વર્ષના પુત્રની માર મારીને હત્યા કરી દીધી હતી. છેલ્લા દોઢ-બે મહિનાથી હુસેના પ્રેમી જાકિર અને નાના પુત્ર આર્યન સાથે વઢવાણ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી.

પ્રેમી અને માતા બન્ને અવારનવાર પુત્ર આર્યનને મારમારતા હતા. માત્ર બે વર્ષના બાળકના અકાળે મોતથી પરિવાર પણ શોકમગ્ન બન્યો હતો. 8 માર્ચના રોજ બપોરના સમયે અચાનક બાળકની તબિયત લથડતા સૌ પ્રથમ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં આર્યન નામના બે વર્ષના બાળકની તબિયત વધુ લથડતા તેને ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ લઈ જતા રસ્તામાં જ બાળકનું મોત નિપજ્યું હતુ.

રાજકોટની હુસેના હુસેનભાઈ વાઘેરના લગ્ન આઠ વર્ષ પહેલા સાવરકુંડલા ગામે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા સલીમભાઈ યુસુફભાઈ રફાઈ સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન હુસેનાબેને બે પુત્રો રેહાન અને આર્યનને જન્મ આપ્યો હતો. ત્રણેક વર્ષના દાંપત્યજીવન બાદ પતિ-પત્ની વચ્ચે ખટરાગ થતા હુસેના બન્ને પુત્રો સાથે પિયર રહેવા જતી રહી હતી. પતિ સલીમભાઈએ ફરીયાદમાં આક્ષેપ કર્યો છે કે, હુસેના બન્ને બાળકોને ખુબ મારતી હતી. તેથી બન્ને વચ્ચે કંકાસ થતો હતો.

પિયરમાં હુસેનાની આંખ રાજકોટના જ જાકીર હુસેન ફકીર સાથે મળી જતા દોઢ મહિના પહેલા બન્ને વઢવાણ શ્રધ્ધા હોટલ પાછળ ભાડાના મકાનમાં રહેવા આવી ગયા હતા. 8 માર્ચે આર્યનની તબિયત બગડતા તે બેભાન થઈ ગયો હતો. જેથી હુસેના તેને વઢવાણની ગાંધી હોસ્પિટલ લઈ ગઈ હતી.

પરંતુ આર્યનને શ્વાસ લેવામાં વધુ તકલીફ પડતા સી.યુ.શાહ હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ જવાયો હતો. પરંતુ ત્યાં પણ સારવાર કારગત ન નીવડતા વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું. આ અંગે હુસેનાનાં ભાઈ નાજાભાઈએ મૃતક બાળક આર્યનના પિતા સલીમભાઈને જાણ કરીને અંતિમવિધિ માટે રાજકોટ બોલાવતા સલીમભાઈ રાજકોટ દોડી ગયા હતા.

સગી જનેતા દ્વારા બે વર્ષના બાળકની હત્યા કરવા મામલે દિવ્ય ભાસ્કરે મૃતક આર્યનના પિતા અને હુસેનાના પતિ એવા સલીમભાઈ સુરેન્દ્રનગર બી.ડીવીઝનના PSI એમ.બી.વિરજા સાથે વાતચીત કરી હતી. જેમાં કેવી રીતે દીકરો પ્રેમ સંબંધો કાંટો બનતો હતો અને હત્યારી માતાના પતિ સાથેના લગ્ન જીવનથી લઈ પ્રેમ સંબંધો સુધીની અનેક નવી વાતો સામે આવી હતી.

આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા મૃતક આર્યનના પિતા અને હુસેનાના પતિ એવા સલીમભાઈએ જણાવ્યું હતું કે, આઠેક વર્ષ અગાઉ રાજકોટની હુસેના સાથે મારા લગ્ન થયા હતા અને લગ્ન જીવન દરમિયાન મારે બે દીકરાઓ થયા હતા. જેમાં ચાર વર્ષનો રેહાન અને બે વર્ષનો આર્યન હતો. થોડા સમય અગાઉ મારી પત્ની હુસેના બંને બાળકોને લઇને રાજકોટ એની માતા સાથે રહેવા જતી રહી હતી અને એને અવાર નવાર સમજાવવા છતાં તે સાવરકુંડલા મારી પાસે આવતી નહોતી.

આથી હું મારા બંને બાળકોના ભવિષ્ય માટે મારી સાસુના ઘરની બાજુમાં રહેવા ગયો હતો. પરંતુ મારી પત્ની હુસેના વારંવાર મારા સંતાનોને માર મારતા રોજના કંકાશ અને ઝઘડાથી કંટાળીને હું છએક મહિના અગાઉ સાવરકુંડલા મારા માતા-પિતા સાથે પરત આવી ગયો હતો.

‘છેલ્લા દોઢ મહિનાથી મારી પત્ની હુસેના રાજકોટ ખાતે રહેતા એના પ્રેમી જાકીરભાઇ હુસેનભાઇ ફકીર સાથે વઢવાણ શ્રધ્ધા હોટલ પાછળ ધર્મેશભાઇના ભાડાના મકાનમાં મારા નાના દીકરા આર્યનને લઇને રહેતા હતા. જ્યારે મારો મોટો દીકરો રેહાન મારા સાસુ મરીયમબેન સાથે રાજકોટ ખાતે રહેતો હતો. મારા નાના બાળક આર્યનને મારી પત્ની હુસેના અને એનો પ્રેમી જાકીર અવારનવાર બેરહેમીથી માર મારતા હોવાનું અમારા સગા સંબધીઓ દ્વારા જાણવા મળ્યું હતુ.

એ દિવસે મારા સાળા નાજાભાઇનો મને ફોન આવ્યો હતો કે, તારો દીકરો આર્યન બિમાર હોઇ તારી પત્ની હુસેના એને લઇને રાજકોટ આવતી હતી અને રસ્તામાં એનું મોત નિપજતા એની દફનવિધિ કરવાની હોવાનું જણાવતા આર્યનના શરીર પર ઇજાના નિશાન જોઇને આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો.’

‘મારા દીકરા આર્યનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે મારા દીકરા આર્યનનું શરીર જોતા એના પીઠના ભાગે તથા ચહેરા ઉપર તેમજ પેટ ઉપર લાલ અને કાળા કલરના ડાઘના નિશાન જોવા મળ્યા હતા. જેને પગલે મારા દીકરાનું મોત માર મારવાથી થયું હોવાની મને શંકા જતા મેં ડોક્ટરને જાણ કરી હતી.

ત્યાર બાદ પોલીસને જાણ કરતા એની લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પોસ્ટમોર્ટમમાં મારા દીકરા આર્યનનું મૃત્યુ માર મારવાથી ઇજાને કારણે થયેલું હોવાનો પ્રાથમિક અભિપ્રાય આવતા અંતે મેં સુરેન્દ્રનગર બી.ડીવીઝન પોલીસ મથકમાં મારી પત્નિ હુસેના અને તેના પ્રેમી જાકીર હુસેનભાઇને મારો દીકરો આર્યન બન્ને વચ્ચે નડતરરૂપ હોવાથી કાંટો કાઢી નાખવા કોઇ સાધન વડે માર મારી મોત નિપજાવી દીધાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી.’

હુસેનાના પતિ સલીમભાઈએ વધુમાં ઉમેર્યું કે, આર્યનને કારણે પ્રેમિકા હુસૈના અને પ્રેમી જાકીર વચ્ચે ઝઘડા થતા હોવાથી બન્ને વારાફરતી તેને મારતા હતા. પ્રેમી અને પ્રેમિકાએ આર્યન પર ગુસ્સો ઉતારી તેને ધબા, ઢીકા, સાવરણી, વેલણ, પલંગ પર પછાડીને તેની હત્યા કરી દીધી હતી.

આ અંગે સુરેન્દ્રનગર બી.ડીવીઝનના PSI એમ.બી.વિરજાએ આ કેસની વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, હત્યારી માતા અને એના પ્રેમી વચ્ચે લગભગ છેલ્લા પાંચ માસથી પ્રેમ પ્રકરણ હતું અને તેઓ છેલ્લા દોઢ માસથી વઢવાણ ભાડાના મકાનમાં સાથે રહેતા હતા. પ્રેમિકા હુસેના અને પ્રેમી જાકીર વચ્ચે પ્રેમિકાના અગાઉના પતિના બાળકના કારણે અવારનવાર ઝઘડાઓ થયા કરતા હતા. તેમજ હત્યારી માતા થોડી ગુસ્સાવાળી અને સાયકો સ્વભાવ ધરાવતી હોવાથી ગુસ્સે થઇને અવારનવાર આ દીકરા આર્યનને વેલણ, ધોકા અને પટ્ટી તથા સાવરણાથી ફટકારતી હતી. આ અગાઉ પણ બાળકને માર મારવાના લીધે જ એને એના પતિ સાથે ઝઘડાઓ થવાથી બંને જુદા રહેવા લાગ્યા હતા.

‘8 માર્ચના રોજ હત્યારી માતા હુસેના અને એનો પ્રેમી જાકીર વાતો કરી રહ્યા હતા. પ્રેમી પંખીડાઓની આ વાતો વચ્ચે આર્યન તોફાન કરવાની સાથે સાથે ખૂબ રડતો હતો. આથી આથી ગુસ્સે થયેલી સાયકો માતા હુસેનાએ પોતાની કૂખે જન્મેલા આર્યનને પોતાના પ્રેમી જાકીર સાથે મળીને ધોકા અને સાવરણી વડે માર મારવાની સાથે પલંગ પર પછાડી પછાડીને બેભાન કર્યા બાદ જાતે સારવાર માટે દવાખાને લઇ ગઇ હતી.’

‘આર્યનની તબિયત લથડતા સુરેન્દ્રનગરથી રાજકોટ લઇ જતા બાળકનું મોત નિપજ્યા બાદ હત્યારી માતા પહેલા એને દફનાવવા માટે સુરેન્દ્રનગર લાવવાની હતી. પરંતુ એને એના પૂર્વ પતિનો ખ્યાલ આવતા એ બાળકના મૃતદેહ સાથે રાજકોટ ગઈ હતી. જ્યાં બાળકનો પિતા એના શરીર પર ઇજાના નિશાન જોઈ પોલીસ સામે માર મારવાથી ઇજા થઇ હોવાનું જણાવતા એનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં બાળકનું મોત માર મારવાથી ઇજાને કારણે થયું હોવાનું ધ્યાનમાં આવતા પોલીસે શંકાના આધારે રાજકોટ એની માતા પર વોચ ગોઠવી ઝડપી લીધી હતી.

ત્યાર બાદ પોલીસે હુસેના પાસેથી પ્રેમીનું નામ અને સરનામું મેળવી સુરેન્દ્રનગર પોલીસ એને પકડવા ગઈ હતી. પરંતુ એ લાપતા હોવાથી શોધખોળ બાદ મોડી સાંજે એની અટક કરી પ્રેમિકા હુસેનાની સાથે આકરી પૂછપરછ કરતા શરૂઆતમાં તો બંને નિર્દોષ હોવાનું જ સતત રટણ કરતા હતા. જ્યારે એ જ્યાં રહેતા એની આજુબાજુના પાડોશીઓના જવાબમાં એમના ઘરમાંથી અવારનવાર બાળકનો રડવાનો અવાજ આવતો હોવાની સાથે પોલીસ દ્વારા આકરી પૂછપરછમાં બંને પડી ભાંગ્યા હતા અને બાળકની હત્યાનો ગુનો કબુલી લીધો.’

ત્યાર બાદ બંનેની અટક કરી કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી હત્યામાં વપરાયેલા સાધનો કબ્જે કરી બંનેને જેલ હવાલે કરમાં આવ્યા હતા. આ કેસમાં હાલમાં પોલીસે હત્યામાં વપરાયેલુ વેલણ, ધોકો, પટ્ટી અને સાવરણા સહિતની ચીજવસ્તુ કબ્જે લીધી છે અને વધુમાં એમના પાડોશીઓ તો ત્યાં સુધી જણાવતા હતા કે, દોઢ વર્ષનું બાળક એટલું સુંદર, દેખાવડુ અને નિર્દોષ હતું કે, એને ગમે તે રમાડવા માંડે. એવુ તે શું થયું કે, બંને નરાધમોએ માસુમનો ભોગ લઇ લીધો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page