Head Tag: Body Tag:

ટ્વિન ટાવર તોડી પડાતા અભિનેતા થયો ભાવુક, કહ્યું- પિતાને મોટી ઉંમરે ધક્કા ખાવા પડ્યા અને…

નોઇડાના ટ્વિન ટાવર ગેરકાયદેસર બાંધકામને કારણે ચર્ચામાં છે. 28 ઓગસ્ટના રોજ બંને ટાવરને કંટ્રોલ્ડ બ્લાસ્ટિંગની મદદથી પાડી નાખવામાં આવ્યા હતા. જોકે, આ ટાવરમાં ટીવી એક્ટર મનિત જૌરાના બે ફ્લેટ હતા. ટાવર તૂટી પડતા અભિનેતા દુ:ખી દુ:ખી થઈ ગયો હતો.મનિત ટીવી સિરિયલ ‘કુંડલી ભાગ્ય’માં કામ કરી રહ્યો છે. આ સિરિયલમાં મનિતે ઋષભ લૂથરાનો રોલ પ્લે કર્યો છે.

રોકાણ માટે ફ્લેટ લીધા હતા
મનિતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘હા મારા પપ્પાએ ટ્વિન ટાવરમાં બે ફ્લેટ લીધા હતા. તેમણે એક ફ્લેટ 2011માં તથા બીજો ફ્લેટ 2013માં લીધો હતો. તેમણે રોકાણ માટે આ બંને ફ્લેટ ખરીદ્યા હતા. અમને ખ્યાલ નહોતો કે બિલ્ડર્સ વિરુદ્ધ કેસ ચાલે છે. અમને જાણવાનો હક હતો, પરંતુ તેમણે આ અંગે કોઈ જ વાત કરી નહોતી.’

પિતાએ કોર્ટના ધક્કા ખાધા
મનીતે આઠ વર્ષ પહેલાં બિલ્ડર્સ વિરુદ્ધ કેસ કર્યો હતો. તેણે કહ્યું હતું, ‘જ્યારે અમને કેસ અંગે જાણ થઈ ત્યારે અમે જાણીતા વકીલ રોકીને કેસ કર્યો હતો. અમે અમારા પૈસા પરત મેળવવા ઈચ્છતા હતા. મારા પિતા આટલા વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાતા હતા. તેમને આ ઉંમરે કોર્ટના ચક્કર કાપવા પડે તે વાતથી મને ઘણું જ દુઃખ થતું હતું, પરંતુ અમે મજબૂર હતા.’

પૈસા પૂરા મળ્યા નથી
વધુમાં મનિતે કહ્યું હતું, ‘આપણા દેશમાં ઘર માત્ર ફ્લેટ નથી, પરંતુ તે લાગણી છે. મારા પિતાનું સપનું હતું કે અમારું સારા લોકેશન પર સારું ઘર હોય, પરંતુ તેમ શક્ય બન્યું નહીં. સુપ્રીમ કોર્ટે બિલ્ડર્સને આદેશ આપ્યો હતો કે તેઓ ફ્લેટધારકોને વ્યાજ સાથે પૈસા પરત આપે. જોકે, તેમણે વ્યાજ તો થોડાંક જ મહિનામાં આપી દીધું હતું. જોકે, પછી તેઓ ટૂકડે ટૂકડે થોડાં થોડાં પૈસા આપે છે. આનાથી કોઈ ખાસ લાભ નથી, કારણ કે અમે ફ્લેટ માટે સારી એવી રકમ ચૂકવી હતી.

કોર્ટના નિર્ણયથી ખુશ​​​​​​​
મનિત સ્વીકારે છે કે બંને ટાવરને પાડી નાખવાનો નિર્ણય યોગ્ય હતો. જોકે, જ્યાં સુધી કેસ ચાલ્યો તે સમય તેના પરિવાર માટે ઘણો જ મુશ્કેલ હતો. તેના પિતા કોર્ટમાં બેસીને ચુકાદાની રાહ જોતા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તે ખુશ છે.

માર્કેટ વૅલ્યૂ પ્રમાણે પૈસા મળ્યા નથી​​​​​​​
મનિતે ઉમેર્યું હતું કે લોકોએ પોતાની પરસેવાની કમાણીથી ઘર ખરીદ્યા હતા અને આ રીતે ટાવર પડી ગયા તેનાથી તેને દુઃખ જરૂર થયું છે. તેણે ટાવર પડ્યા તેનો વીડિયો સુદ્ધા જોયા નથી. તેણે પેરેન્ટ્સ સાથે આ મુદ્દે વાત પણ કરી નથી. તેમને બિલ્ડર્સ પાસેથી થોડીક અમાઉન્ટ મળી છે. જોકે, માર્કેટ વૅલ્યૂ પ્રમાણે પૈસા મળ્યા નથી. તે આ વાતથી બિલકુલ ખુશ નથી. જોકે, હવે તેને આ મુદ્દે શાંતિ છે.

કોણ છે મનિત?
5 જૂન 1987માં દિલ્હીમાં જન્મેલા મનિતે 2009માં ટીવી સિરિયલ ’12/24 કરોલ બાગ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 2010માં તેણે ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’માં કામ કર્યું હતું. તેણે ‘નાગિન 6’માં પણ કામ કર્યું છે. તેણે ‘મુઝસે કુછ કહેતી..યે ખામોશિયા’, ‘પ્રેમબંધન’ જેવી સિરિયલમાં કામ કર્યું છે.

શ્રદ્ધા આર્યાએ શૅર કરેલા વીડિયોમાં મનિતે શું કહ્યું?
ટ્વિન ટાવર તોડી પડવાના કારણ અંગે મનિતે કહ્યું હતું કે બંને ટાવર્સ વચ્ચે માત્ર 12 મીટરનું અંતર હતું. નિયમ પ્રમાણે 20 મીટરનું અંતર હોવું જરૂરી છે. આ ઉપરાંત જમીન પણ બીજાની હતી.