શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ અને ઉમર અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવી છે. ઈન્ટરનેટ અને મોબાઈલ સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે. આ બધાંની વચ્ચે મહેબૂબા મુફ્તિની પુત્રી ઈલ્તિઝા જાવેદે એક ઓડિયો મેસેજ જાહેર કર્યો છે. ઓડિયો સંદેશમાં તેણીએ કહ્યું છે કે, તેને નજરકેદ રાખવામાં આવી છે. તેમજ જો ફરીથી મીડિયા સાથે વાત કરશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ધમકીઓ આપી હતી. ઈલ્તિઝાએ ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર પણ લખ્યો છે.
ઈલ્તિઝાએ અમિત શાહને લખેલા પત્રમાં લખ્યું છે કે, હાલ આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કાશ્મીરીઓને પશુઓની જેમ કેદ કરી દેવામાં આવ્યા છે. તેમને માનવાધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.
ઓડિયો સંદેશમાં મહેબૂબાની પુત્રીએ જણાવ્યું છે કે, મેં મીડિયા સાથે વાતચીત કરી હોવાથી મને પણ નજરકેદ કરી લેવામાં આવી છે. મેં મીડિયા સાથેની વાતચીતમાં કાશ્મીરમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યા બાદ લોકો પર શું વીતી રહ્યું છે તેની વાત કરી હતી. ત્યાર બાદ મને ધમકાવવામાં આવી હતી કે જો ફરીથી મીડિયા સાથે વાતચીત કરીશ તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેજે. મારી સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવે છે. મારી પર સતત નજર રાખવામાં આવે છે.