Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratમોનિકાને આઇસક્રીમ બહુ ભાવતો, તે કંઈક કહેવા માગતી હતી, પણ...

મોનિકાને આઇસક્રીમ બહુ ભાવતો, તે કંઈક કહેવા માગતી હતી, પણ…

‘પત્ની મોનિકાની કંઈ વાત મિસ નથી કરતો એમ તમે પૂછો. કોઈ એક સેકન્ડ કોઈ મિનિટ, ઘરનું ફળિયું, જુનાગઢ સિટી, કોઈ દુકાનનો નાસ્તો કે ખૂણો બાકી નથી રાખ્યો કે જ્યાં અમે એવી કોઈ પળો નથી માણી. એને આઇસક્રીમનો બહુ શોખ હતો. કોઈ આઇસક્રીમ કે ફાસ્ટ ફૂડની દુકાન બાકી નથી રાખી. ઇવન ત્યાં સુધી કે અમે જીવનમાં એક વખત કોઈ પાણીપુરી વાળાને ત્યાં ગયા હોઈશું, જેને રસ્તામાં જોઈને ઊભા રહી ગયા હોય, એ લોકો પણ મોનિકાને પર્સનલી ઓળખાતા હોય, કારણ કે એ હતી જ એટલી મળતાવડી સ્વભાવની. કેમ છો કેમ નહીં કરતી. એ લોકો પણ પ્રાર્થના સભામાં કોઈ સંબંધ વગર આવ્યા હતાં. એમની આંખમાં પણ આંસુ હતાં,’ આટલું બોલતા જ શ્રીનાથભાઈ સોલંકીના ગળે ડૂમો ભરાઈ આવ્યો.

આ હૃદયદ્રાવક બનાવ જૂનાગઢનો છે. ગઈ 21મી જુલાઈના રોજ ફોટોગ્રાફર મયૂરભાઈ સોલંકીના પુત્ર શ્રીનાથભાઈ સોલંકીની ગર્ભવતી પત્નીનું એકાએક બ્રેન હેમરેજથી મૃત્યુ થયું હતું. જોકે ગર્ભમાં રહેલું બાળક જીવંત હતું. ડૉક્ટરે તેને બચાવવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ લાડલીએ આંખો જ ન ખોલી. અચાનક બે-બે સભ્યોના નિધનથી સોલંકી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સંકટના સમયમાં પણ પરિવારે મૃત્યુને મહોત્સવ બનાવ્યો. પરિવારે મૃતક મોનિકાબેનનું ચક્ષુદાન કરીને અન્ય વ્યક્તિના જીવનમાં ઉજાસ પાથર્યો હતો. એટલું જ નહીં બેસણામાં રક્તદાનનું આયોજન કરી સમાજને નવી રાહ બતાવી હતી.

10 વર્ષ સુધીની બાળકીઓના રૂપિયા લેતી નહોતી
પત્ની મોનિકાને યાદ કરતાં શ્રીનાથભાઈએ જણાવ્યું, મોનિકાને પાર્લરનો શોખ હતો. ટ્રેનિંગ અપાવીને એણે પોતાનું સલૂન સ્ટાર્ટ કર્યું. એને દીકરીની બહુ ઈચ્છા હતી. એટલે તે નવી નવી છોકરીઓને મદદ કરતી. હેરકટ માટે આવે ત્યારે દસ વરસ સુધીની છોકરી હોય તો કંઈ પણ કરાવે એ એક રૂપિયો લેતી નહોતી. મુખ્ય વસ્તુ એ હતી કે એ પોતાના પગભર થઈ શકે. અમે સાથે ખૂબ રખડ્યા, હર્યા-ફર્યા. ખૂબ કમાયા અને ખૂબ મસ્તી કરી. એવી બધી યાદો છે કે ભૂલાવી જ ન શકાય. બધા કપલ માટે મેમરી બેસ્ટ અને સ્પેશિયલ હોય છે.

તે કંઈક કહેવા માગતી હતી, પરંતુ મારી ભૂલ કે…
​​​​​​શ્રીનાથભાઈએ કહ્યું, ’21 તારીખે મોનિકાએ સવારે ફોન કરીને ખાલી એટલું જ પૂછ્યું કે સારું છે હવે? તો મેં હા પાડી કે દવા લીધી છે છે તો ઠીક છે. એ મને કંઈક વધુ કહેવા માગતી હતી, પરંતુ મારી ભૂલ કે મેં ફોન ડિસ્કનેક્ટ કરીને કહ્યું કે પછી ફોન કરું તને. એ પછી મેં એનો અવાજ જ નથી સાંભળ્યો. અડધો કલાક બાદ ઓફિસ જઈને મેં ફોન કર્યો, પરંતુ એણે રિસીવ ના કર્યો. પછી ફરી ફોન કર્યો તો બીજા કોઈએ ઉપાડીને એમ કહ્યું કે એ ન્હાવા ગઈ છે. પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. સવા બારે મારા સસરાનો ફોન આવ્યો કે મોની તો સિરિયસ છે અને એને કંઈક થઈ ગયું છે. બાકીનું તો ભૂતકાળ થઈ ગયું.’

મોનિકા માટે આખું થિયેટર બુક કરાવ્યું હતું
પત્ની મોનિકા સાથે છેલ્લે શું વાત થઈ? તે અંગે શ્રીનાથભાઈએ કહ્યું, ગઈ 19-20 તારીખે બે દિવસ મને વાઇરલ હતું. ગયા શનિવારે એની બહુ ઈચ્છા હતી કે હું વેરાવળ જાઉ. એણે મને કહ્યું તું આવ તો આપણે અહીંયા ભેગા રહીએ. એ બહુ જ ખુશ હતી. એણે ખબર હતી કે મારી પાસે કોઈ માગણી કરે તો હું એ પૂરી કરું જ છું. અમારા બંનેનું બોન્ડિંગ જ એવું હતું. મને સૌથી વધુ નફરત હોય તો સિનેમાથી, કારણ કે એ બધું અવાસ્તવિક બતાવે અને એમાં શું ખોટો સમય બગાડવો. જ્યારે એને ફિલ્મો જોવી ખૂબ ગમતી. ત્યારે એણે મને કહ્યું કે ફિલ્મ જોવા જવું છે.

એ વખતે મારા મનમાં ચાલતું હતું કે ઇમરજન્સીમાં કઈ થાય તો શું કરવું? અને બીજો વિચાર આવ્યો કે ડિલિવરી થશે, પછી અમને એકબીજાને ટાઇમ પણ નહીં મળે. એ તારીખો છેલ્લી જ હતી. ગમે ત્યારે કંઈ પણ થઈ શકે એમ હતું. એટલે આપણે એન્જોય કરી લઈએ. એટલે મેં તો આખું થિએટર બુક કરાવ્યું. અમે ચાર જ લોકો હતા. હું, મોનિકા, મારો સાળો અને એની પત્ની. એ એટલા માટે કે ઇમરજન્સી થાય તો બીજા લોકોને બગડે, પરંતુ ઇમરજન્સી જેવુ કંઈ થયું નહોતું. અમે બહુ એટલે બહુ જ મજા કરી. થોડું ખાધું હર્યા-ફર્યા પણ બે દિવસમાં વરસાદી માહોલ હોવાથી મને શરદી થઈ ગઈ હતી. કામના ઉજાગરાને કારણે તાવ હતો. એ એકદમ હેલ્થી હતી. બે દિવસ હું દવા પર રહ્યો હતો.

એ કહેતી, ‘મરી જાઉં તો બેન્ડ બાજા સાથે મને લઈ જજો’
શ્રીનાથભાઈએ કહ્યું, ‘મારા લવ મેરેજ હતા. અમારા બે વચ્ચેનું બોન્ડિંગ બહુ જ સારું હતું. અમે હસબન્ડ-વાઈફ ક્યારેય હતા જ નહીં. અમે બેસ્ટ ફ્રેન્ડથી વિશેષ હતા. ક્યારેક રમૂજમાં કે મજાકમાં એવું બોલાઈ જતું ત્યારે તકલીફ પડતી. હું જઉ ત્યારે તું જોજે તને ખૂબ જ તકલીફ પડશે. ત્યારે એ સહજતાથી કહેતી કે તમારા પહેલા તો હું જઈશ. ત્યારે તમે બેન્ડ બાજા સાથે મને લઈ જજો. એવી વાત થઈ એટલે અમે બે હસવા લાગ્યા. એ વાત મને ત્યારે યાદ આવી અને સમાજમાં પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે અંતિમ યાત્રામાં શોરબકોર કે રોકકળ ને બદલે બેન્ડ બાજા વગાડતા વગાડતા કાઢી’

આ રીતે મોનિકા સાથે થઈ પહેલી મુલાકાત…
તેમણે આગળ કહ્યું, ‘હું ફોટોગ્રાફર છું. વર્ષ 2013મા એક મેરેજ કવર કરવા ગયો હતો. મોનિકાના કાકાના છોકરાના મેરેજ હતા એટલે એ ત્યાં આવેલી. એ દૂરના રિલેટિવ પણ થાય પણ અમે ક્યારેય એકબીજાને ઓળખતા જ નહોતા. મારી ઉમર 19 વર્ષની હતી એની ઉંમર 20 વર્ષની હતી. એ વખતે એણે મને ફર્સ્ટ ટાઈમ જોયો અને એને મારી પર ક્રશ થયો હતો. નાની ઉમરમાં લાંબી મેચ્યોરિટી હોય નહીં એટલે ખાલી નંબર શૅર કર્યા. ત્યારે વ્હોટ્સઅપનો જમાનો નહોતો.

અમે એકબીજાને મેસેજ કરતાં અને એ દરમિયાન 15-20 દિવસમાં જ એણે મને પ્રપોઝ કર્યું. હું અને એ બંને એગ્રી હતા અને અમારી લવ સ્ટોરી ચાલુ થઈ. એ નાના ટાઉનમાંથી આવે છે. એનો પરિવાર તથા એ પોતે એજ્યુકેટેડ હતા. અમારામાં છોકરી 19-20 વર્ષની થાય એટલે એની માટે જોવાનું ચાલુ કરી દે, જેથી મોનિકા મને પ્રેશર કરતી કે જલ્દી કંઈક કર. એની માટે જેટલા માગા આવતાં એ ના પડતી. જોગાનુજોગ એક દિવસ મારા માટે માગું આવ્યું. મારી ઉમર એ વખતે 19 વરસ જ હતી. મારો મોટો ભાઈ બાકી હતો.’

પિતાના પણ લવ મેરેજ હતા
શ્રીનાથભાઈએ ઉમેર્યું, ‘દરમિયાન પપ્પાએ વિચાર્યું કે સમાજની પરવા કરશું તો સારી છોકરી જતી રહેશે. પછી મેં પણ પપ્પાને કહ્યું કે પપ્પા અમારે ઓલરેડી આ રીતનું છે. અમારા બંનેના ફેમિલી મેમ્બર્સ પણ એગ્રી થઈ ગયા. એમના સમયમાં મારા પપ્પાએ પણ લવ મેરેજ કર્યા હતા.

એ વખતે તેમના લવ મેરેજ ઇન્ટર કાસ્ટ હોવાથી ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. છતાંયે તે ખૂબ ફોરવર્ડ હતા. ઇન્ટરકાસ્ટ મેરેજ મોટી ઘટના કહેવાતી એ વખતે પણ તેમણે કોઇની પરવા નહોતી કરી. સારું શું છે એ વસ્તુને એ મહત્ત્વ આપે છે. અમારી પણ ઈચ્છા હતી એટલે એમણે અમારી સગાઈ કરી.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page