ઘણી વખત ચોરના લૂક પરથી પોલીસ તેને ઓળખવામાં થાપ ખાઈ જતી હોય છે. આવો જ એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હાઈપ્રોફાઈલ મહિલા ચોરે પોલીસના નાકે દમ લાવી દીધો હતો. આ મહિલા વ્યવસાયે પેરામેડિકલ ટીચર છે. આ મહિલા એક્સરે મશીનમાંથી મુસાફરોનો સામાન ચોરતી હતી. પોલીસે જ્યારે મહિલાને પકડી તો બે ઘડી વિશ્વાસ નહોતો આવ્યો કે આ મહિલા ચોર હોય શકે છે.
આ શોકિંગ મામલો દિલ્હીનો છે. વાત એમ છે કે દિલ્હી મેટ્રોમાં છેલ્લાં ઘણા દિવસોથી એક્સરે મશીનમાંથી ચેકિંગ દરમિયાન સામાન ચોરી થવાની ફરિયાદો મળતી હતી. મોટા ભાગની ઘટના દિલ્હીના ઉત્તમ નગર મેટ્રો સ્ટેશન અને રિઠાલા મેટ્રો સ્ટેશન પર બનતી હતી. આ ચોરીની તપાસ માટે સ્પેશ્યલ સ્ટાફના ઈન્સ્પેક્ટર અજય કુમારના નેતૃત્વમાં ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમની તપાસમાં ખૂલ્યું હતું કે ચોરી કરનારી મહિલા છે.
પોલીસે આ મહિલાને પકડવા માટે તમામ મેટ્રો સ્ટેશનના 20 દિવસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. તેમાં ખબર પડી કે મહિલા ઉત્તમ નગર મેટ્રો સ્ટેશન પર આવીને ઘટનાને અંજામ આપતી હતી. ત્યાર બાદ પોલીસે મહિલાના મેટ્રો કાર્ડ પંચિંગથી તેના રૂટની જાણકારી મેળવી હતી.
બાદમાં પોલીસે મહિલાને પકડવા માટે ટ્રેપ ફેલાવી હતી. જેવી ઉત્તમ નગર મેટ્રો સ્ટેશન પર મહિલા પહોંચી તો સીસીટીવીમાં દેખાયેલી મહિલા સાથે તેનો ફેસ મેચ કરવામાં આવ્યો. જોકે મહિલાની ડ્રેસિંગ એટલું હાઈ હતું કે તેના પર શંકા કરવી મુશ્કેલ સાબિત થઈ રહી હતી. પણ પોલીસે હિંમત રાખી મહિલાને પકડી તેની પૂછપછર શરૂ કરી હતી. જેમાં મહિલા ભાંગી પડી હતી અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
પોલીસનું કહેવું છે કે આ હાઈફાઈ મહિલાની ધરપકડથી ઘણા કેસ ઉકેલી જશે. 26 વર્ષીય આરોપી મહિલા વ્યવસાયે પેરામેડિકલ ટીચર છે. જેની પાસેથી ચોરીની સોનાની વસ્તુઓ, મેટ્રો કાર્ડ, એટીએમ કાર્ડ અને મોબાઈલ મળી આવ્યા છે.