ઓનલાઈન ક્લાસ દરમિયાન ટીચરને થયો વિદ્યાર્થિની સાથે પ્રેમ, દહેજ ને જાનૈયા વગર કર્યાં લગ્ન

Feature Right National

ભાગલપુરઃ બિહારના ભાગલપુરમાં એક અનોખી ઘટના સામે આવી છે. અહીં કોચિંગ શિક્ષકને પોતાની એક વિદ્યાર્થીની સાથે પ્રેમ થઈ ગયો. કોરોનાકાળમાં સ્કૂલ-કોલેજ બંધ છે એવામાં ઓનલાઈન ક્લાસ હાલ ચાલી રહ્યાં છે. ભાગલપુરમાં શિક્ષક રોહિત પણ ફિઝિક્સની ઓનલાઈન ક્લાસ ચલાવતો હતો.

આ દરમિયાન તેણે પોતાની ક્લાસમાં રહેલા બાંકાની કાજલને જોઈ હતી. ઝૂમ એપ કે વ્હોટ્સએપ પર ચાલતા અભ્યાસ દરમિયાન જ બંનેને પ્રેમ થયો અને વાત લગ્ન સુધી પહોંચી હતી. જોકે ખાસ વાત એ છે કે, બંનેના લગ્ન દહેજ વગર અને એક પણ જાનૈયા વગર મંદિરમાં થયા હતા.

રોહિત અને કાજલના લગ્ન સુલ્તાનગંજના કુમારપુર ગામના કાલી મંદિરે થયા હતા. રોહિતે દહેજ લીધા વગર લગ્ન કરી સમાજ સામે એક આદર્શ ઉદાહરણ રજૂ કર્યું હતું. લોકો કોઈપણ ખર્ચ અને ધૂમ-ધડાકા વગર થયેલા લગ્નની પ્રશંસા કરી રહ્યાં છે.

કાજલના પરિવારજનોને દીકરીના લગ્નની ચિંતા હતી અને ખાસ તો લગ્નમાં આપવા પડતા દહેજની તેમને ચિંતા હતી. બીજી તરફ કાજલ હંમેશા દહેજ વિરોધી રહી છે. કાજલને એવા જ પતિની શોધ હતી જે દહેજ લીધા વગર લગ્ન કરે. કાજલના દહેજ વગરના લગ્નની ઈચ્છા તેના શિક્ષકમાંથી પતિ બનેલા રોહિતે પૂર્ણ કરી.

તેમણે લગ્ન બાદ પર્યાવરણ અંગે સંદેશ આપતા ઘરમાં એક છોડ પણ લગાવ્યો હતો. આ મામલે શંભૂગંજના બીડીઓ પ્રભાત રંજને કહ્યું કે, જ્યારે રોહિત અને કાજલના લગ્ન દહેજ વગર થયા હોવાની અમને જાણ થઈ તો અમે નવદંપત્તિનો સંપર્ક કર્યો હતો.

અમે તેમને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે લગ્ન માટે મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ દુલ્હનને મળતી ઈનામી રકમ કાજલને અપાવવા માટે ભલામણ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *