Wednesday, April 10, 2024
Google search engine
HomeGujarat‘‘મને ખબર નહોતી કે સામેવાળા લોકોમાં આ લુખ્ખા જેટલી પણ હિંમત નથી’’

‘‘મને ખબર નહોતી કે સામેવાળા લોકોમાં આ લુખ્ખા જેટલી પણ હિંમત નથી’’

એક શોકિંગ અને અરેરાટીભરી ઘટનાએ આખા ગુજરાત રડાવી દીધું છે. સુરતમાં એક તરફી પ્રેમમાં પગાલ નરાધમ દ્વારા 21 વર્ષની દીકરી ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર હત્યાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે. લોકોમાં તીવ્ર રોષની લાગણી ફેલાઈ છે.વીડિયોમાં માસૂમ દીકરીને તડપતી જોઈને લોકોના મન ખિન્ન થઈ ગયા છે. સોશ્યલ મીડિયા પર પણ લોકો પોતાનો ગુસ્સો પ્રગત કરી રહ્યા છે. ફોટોગ્રાફર અને રાઈટર જોએબ શેખે ફેસબૂક પર ગ્રીષ્માના નામે એક ખુલ્લો પત્ર સમાજના નામે લખ્યો છે. જેમાં તેણે બનાવ વખતે ગ્રીષ્માના મનમાં શું વ્યથા ચાલતી હશે એ દર્શાવ્યું છે. સાથે ઘટના સ્થળે તમાશો જોતા લોકો પર પણ ચાબખા માર્યા છે. તો આ ખુલ્લો પત્ર અક્ષરશ આ પ્રમાણે છે…..

‘‘હું ગ્રીષ્મા શાંતિથી બેઠી છું. હું પણ તમારી જેમ દંભી દુનિયામાં અવતરી હતી. થોડું-ઘણું જીવી હતી. એ થોડા-ઘણા માં મારું એક પરિવાર હતું, મારું ભણતર હતું અને સરસ મજાનું જીવન હતું. જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોય તેવી રીતે અમારા સુરતમાં લુખ્ખા તત્વોનો ત્રાસ ઘણા સમયથી હતો. અગાઉ મને એકવાર અનુભવ થઈ ચૂક્યો હતો. પરંતુ આ અનુભવ છેલ્લો હતો.

કોણ જાણે કોણે આ વેલેન્ટાઈન ડે ના દિવસો બનાવ્યા હશે..!!

તેમાં એક લુખ્ખો ભરમાયો હશે, મારી ગુલાબ જેવી જીંદગીમાં ગાંડા બાવળનો એક કાંટો ફૂટી આવ્યો, તેણે મને પાછળથી પકડી ગળા થી દાબી, સામે ઘણા બધા પ્રેક્ષકો હતા, ચિચિયારીઓ, રહેમની ભીખો, તમાશાની મજા, આજીજીઓ, મારા જીવનની પ્રાર્થનાઓ વગેરે વગેરે….

હું રડતી હતી. બૂમો પાડતી હતી. તેનાથી વધુ સામેવાળા રડતા હતા. બૂમો પાડતા હતા. મને તેઓથી આશા હતી. તેઓને મારી પાછળ ઉભેલા લુખ્ખા થી વધુ આશા હતી. કાશ..!! સામે મારા મમ્મી, પપ્પા કે ભાઈ હોત તો મને બચાવી લેતા અને જો સામે ઉભા હતા અને મને બચાવી ન શક્યા, તો લાનત છે આવા સંબંધો પર, જે બાપ કે ભાઈ પોતાની બહેન દીકરીને બચાવી ન શક્યો. ક્યાંકને ક્યાંક મને આશા હતી કે આ લુખ્ખો આટલા બધા લોકો આગળ હિંમત નહીં કરે. પરંતુ મને ખબર નહોતી કે સામેવાળા લોકોમાં આ લુખ્ખા જેટલી પણ હિંમત નથી.

મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. થોડો ડર અને થોડીક આશા વચ્ચે મારુ મન ગાંડુ બની રહ્યું હતું. મારે જીવવું હતું એટલે સામે ઉભેલા નામર્દો આગળ મે વિનંતીઓ કરી. પણ પાછળ ઊભેલો લુખ્ખો મને મારવા પર તુલ્યો હતો. હું જોઈ રહી હતી કે ટૂંક સમયમાં મારું જીવન સીમિત થઈ જશે. છતાં મન ભરીને દુનિયા આગળ ભીખ માંગી લીધી. મને મારું બાળપણ યાદ આવતું હતું કે મારા રડવા પર મમ્મી-પપ્પા ઉંચા નીચા થઇ જતા હતા.

આજે આ દુનિયામાં મને સાંભળનાર કોઈ નહોતું. હા… કેટલાક મશીન(મોબાઇલ) હતા. જે મારો અવાજ સાંભળતા અને મને જોતા હતા. તે જ મશીનો દ્વારા આજે મને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. શક્ય છે કદાચ એ જ મશીન દ્વારા મને ન્યાય મળે. મારા ગળા માંથી આવતો અવાજ અચાનક બંધ થયો. ત્યારે મને ભાન થયું કે મારું જીવન શાંત થયું. હું નીચે પડી. મારો શ્વાસ ચાલુ હતો. લોકો હજી બૂમો પાડી રહ્યા હતા. પેલો લુખ્ખો તમાકુંનો માવો ખાઈ પ્લાસ્ટિક મારા પર ફેંકી રહ્યો હતો.

મશીનો દ્વારા જોવાયેલ ઘટના વાયુવેગે વિશ્વમાં પ્રસરી, ત્યારે ઘણા લોકોએ પહેલાની જેમ સરકારને વખોડી, માનવતાને વખોડી, સમાજને વખોડયો, ઘણા ખરા એ લુખ્ખાને વખોડ્યો અને વધુમાં વધુ તેને સજા માટે માંગ કરી. મારીસામે ઊભેલ લોકોને વખોડવાને બદલે ઘટનાનો તાગ મેળવવો. મને આમ પણ મારા પોતાના સિવાય બીજા પાસે આશા નહોતી, કારણ કે આપણી વ્યવસ્થા કદાચ મને બચાવનાર પર દોષનો ટોપલો ઢોળી સજા આપતી.

પરંતુ કોઈએ મારી હાલત, મનોદશા, મારી આત્મા, મારું ગળું કપાયું, મારા જીવનની દયનીય હાલત, મારી જીવવાની આશા, મારા ગળા પર ચપ્પુનો ઘસારો, અણધારી આવેલ મોત, મારી છેલ્લી બૂમ વિશે કંઈ વિચાર ના કર્યો.

ચાર દિવસ ઉધામા કરી, ફરી બીજી ગ્રીષ્માની રાહ જુઓ. પરંતુ એટલું ધ્યાન રાખજો, બીજી ગ્રીષ્મા તમારી બહેન દિકરી ના હોય. પેલા લુખ્ખા કરતાં વધારે લુખ્ખા તો તમે લાગ્યા.

કેન્ડલ માર્ચ, રેલીઓ, આવેદનપત્ર કે ખોટા ખોટા મોટા લેખ લખ્યા વગર થોડીક વ્યવસ્થા સુધારજો. બાકી સમયનો કાંટો ફરી રહ્યો છે. આજે હું તો કાલે તમે.’’

-ઝોએબની બહેન ગ્રીષ્મા

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page