સાબરમતી જેલના કેદીઓને જીંદગીની મળી એક નવી રાહ, જાણો કેવી રીતે

Gujarat

પ્રશાંત દયાળ, અમદાવાદ: ભારતમા જેલોની સ્થાપના આઝાદીની લડત લડતા સૈનાનીઓને પ્રતાડીત કરવા માટે બનાવી હતી. જોકે આઝાદી મળી અને અંગ્રેજો ગયા પણ કેદીઓની પ્રતાડીત કરવાની માનસિક્તામાં ખાસ ફેર આવ્યો નહીં, પણ જ્યારે જ્યારે સારા અધિકારીઓ જેલને મળ્યા છે ત્યારે કેદીઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આવું જ કાંઈક હાલમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે બન્યું છે. હવે કેદીઓને જીંદગીની એક નવી રાહ મળી છે. બરાબર એક વર્ષ પહેલા ગુજરાતની જેલોના વડા તરકે ડો. કે એલ એન રાવની નિમણૂંક થઈ હતી. એક વર્ષ પહેલા તેમણે પોતાની ફરજના સ્થળે આવ્યા પછી સાબરમતી જેલની મુલાકાત પછી તેમણે નિર્ણય કર્યો કે તેઓ કેદીની નિરસ જીંદગીમાં રંગ ભરવાનું કામ કર્યું.

જ્યારે નેક ઈરાદાથી કોઈ ચાલવાની શરૂઆત કરે ત્યારે તેમની સાથે અનેક લોકો જોડાતા જાય છે. ડીજીપી કે એલ એન રાવને વિચાર આવ્યો કે કેદીઓ પોતાના મનની મોકળાશને શબ્દોની પાંખો આપે અને તેમની કવિતા, ગઝલો, તેમની વાર્તાઓ અને મનમાં પડેલી લાગણીઓને શબ્દ સ્વરૂપ આપે. ગુજરાતની એક પણ જેલમાં જે આજ સુધી થયું નથી તેવું પગલું ભરવાનો તેમણે નિર્ણય કર્યો અને તેમણે સાબરમતી જેલના કેદીઓ માટે પ્રિઝન રેડિયો શરૂ કરવાનું નક્કી કર્યું.

સાબરમતી જેલના યુવાન આઈપીએસ અને સુપ્રિટેન્ડેન્ટ રોહન આનંદને તેમણે આ જવાબદારી સોંપી હતી. ડીવાયએસપી ડી વી રાણા સાથે મળી તેમણે ભારતની કઈ જેલોમાં કેદીઓ રેડિયો સ્ટેશન ચલાવે છે? તેનો અભ્યાસ કરી સાબરમતી જેલમાં પ્રિઝન રેડિયોને આકાર આપવાનો નિર્ણય કર્યો.

જાણિતા આર જે ધ્વનિતની મદદ લઈ રેડિયો સ્ટેશન માટે સ્ટૂડિયો તૈયાર કરવામાં આવ્યો. 12 જેટલા કેદીઓને રેડિયો જોકીની તાલિમ આપવામાં આવી, સાબરમતી જેલમાં રહેલા ત્રણ હજાર કેદીઓ પ્રત્યેક અને પરોક્ષ રીતે આ રેડિયો સ્ટેશનનો હિસ્સો રહેશે તેઓ પોતાની રચનાઓ આ રેડિયો સ્ટેશન ઉપરથી રજુ કરશે. આ ઉપરાંત જેલની બહારના જગતમાં ચાલી રહેલી ઘટનાઓની જાણકારીઓ પણ તેમના રેડિયો સ્ટેશન દ્વારા મળશે.

માત્ર 20 જ દિવસની તૈયારી બાદ આ રેડિયો સ્ટેશનને મહાત્મા ગાંધીના જન્મ દિવસે ડો. કે એલ એન રાવે ગાંધી ખોલીમાં દીપ પ્રગટાવ્યા બાદ કેદીઓની હાજરીમાં રેડિયો સ્ટેશન ખુલ્લુ મુક્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *