પંજાબઃ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળી છે અને હાર મળતા જ પાર્ટીનો આંતરકલહ ચરમસપાટીએ આવી ગયો છે. પંજાબની સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે પોતાની જ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુને જવાબદાર ગણાવ્યો છે. ખાસ કરીને નવજોત પાકિસ્તાન જઈને ત્યાંના સેનાધ્યક્ષ જાવેદ બાજવાને ગળે મળ્યો હતો. આ અંગે અમરિંદર સિંહે કહ્યું હતું કે ભારતીયો તથા ખાસ કરીને સેના સાથે જોડાયેલ લોકો પાકિસ્તાની સેનાધ્યક્ષને ગળે મળવા જેવી હરકતો પસંદ કરતા નથી.
સુનિલ જાખડની હાર પર નવાઈ લાગી
કેપ્ટન અમરિંદર સિંહે ગુરદાસપુર બેઠકના કોંગ્રેસી ઉમેદવાર સુનિલ જાખડની હાર પર અચરજ વ્યક્ત કર્યું હતું. તેમના મતે, સુનિલજી એક સારા ઉમેદવાર હતાં અને ત્યાં બહુ જ કામ કર્યું હતું. ખબર નથી પડતી કે લોકોએ અનુભવી નેતાને બદલે એક એક્ટરને કેમ આટલું મહત્વ આપ્યું.
પંજાબમાં સારું પ્રદર્શન
કોંગ્રેસે ઉત્તર ભારતના અન્ય રાજ્યોની તુલનામાં પંજાબમાં સારું પ્રદર્શન કર્યું છે. અહીંયાની 13 સીટમાંથી 8 પર કોંગ્રેસ આગળ છે. બીજેપી બેમાં આગળ છે. જ્યારે શિરોમણી અકાલી દળને બે સીટ છે. ગઈ વખતે ચાર લોકસભા સીટ જીતનારી આપ (આમ આદમી પાર્ટી)ને આ વખતે માત્ર એક સીટ પર આગળ છે.