ગુજરાત ATSનો મોટો ધડાકો, સૌરાષ્ટ્રની મામલતદાર ડીલર પાસેથી ડ્રગ્સ મગાવતી
ગુજરાત ATSએ ઓન લાઇન ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ ગુજરાતનાં ખૂણે ખૂણે ફેલાયેલું હોવાનો ખુલાસો થયો છે. ઓનલાઇન ડ્રગ્સ મગાવનારાઓમાં ગુજરાતની એક મહિલા મામલતદાર પણ સામેલ છે. આ મહિલા મામલતદાર એક રેવ પાર્ટીમાં પણ જોડાઈ હતી.
ઘણા સમયથી ડ્રગ્સ અને રેવ પાર્ટી થતી
હાલ આ સમગ્ર મામલે ATS દ્વારા માલેતુજાર પરિવારના 300થી વધુ દીકરા-દીકરીનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં, ધનાઢ્ય પરિવારના 300 યુવક-યુવતીના આર્થિક લેવડ દેવડના ટ્રાન્જેક્શન પણ મળી આવ્યા છે. ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સ અને રેવ પાર્ટી થતી હતી. થોડા સમય અગાઉ નરોડાના નયન નામના બિલ્ડર દ્વારા રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તપાસ કરી રહેલી SOGની ટીમે તેનું નામ ખોલ્યું નહોતું અને સમગ્ર તપાસનો ગોટો વાળી દીધો હતો. આ રેવ પાર્ટીની સમયસર તપાસ થઈ હોત તો અનેક યુવતી આ રેકેટમાં ફસાતા બચી ગયા હોત.
વોન્ટેડ આરોપી પકડાયા બાદ મોટા ખુલાસા થઈ શકે
આ કેસ સાથે સંકળાયેલા ઘણા પુરાવા મળી રહ્યા છે. હાલ 300 લોકોનું લિસ્ટ છે. જેમાં અનેક મેડીકલ પ્રોફેશનલ છે. આ ડ્રગ્સ મેળવવા માટે કોડ હતા. જેમાં ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર થયા બાદ આખી રેવ પાર્ટી સહિતનું આયોજન અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં થયું હતું. હાલ આ સમગ્ર મામલે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છીએ. રાજ્યવ્યાપી ડ્રગ્સ રેકેટમાં હવે અનેક મોટા ખુલાસા વોન્ટેડ આરોપી પકડાયા બાદ થઈ શકે છે.