ભગવાન બધાની સામે જુએ છે: સૌ કોઈની લાડલી અંબાનું નસીબ પલટાયું, ઈટલીનું દંપતી દત્તક લેશે

Gujarat

કહેવાય છે કે ભગવાન બધાની સામે જુએ છે. આ વાત રાજકોટમાં સાબિત થઈ છે. આખા ગુજરાતમાં જે દીકરીના સાજા થવાની પ્રાર્થના થઈ હતી એ રાજકોટની ‘અંબા’ને લોકોની પ્રાર્થનાઓનું ફળ મળ્યું છે. અંદાજે સવા વર્ષ પહેલા લોહીલુહાણ અને તરછોડાયેલી હાલતમાં મળી આવેલી ‘અંબા’ને ઇટલીના દંપતીએ દત્તક લીધી છે.

જેના માટે ગુજરાતના અનેક ઘરમાં પ્રાર્થના થઈ હતી હવે તે અંબાનું નસીબ પલટાયું અને તેને નવો આસરો મળ્યો છે. સૌ કોઇની લાડકવાયી અંબાને માતાની મમતા અને પિતાનો પ્રેમ મળશે. ઇટલીની એક હોસ્પિટલમાં વર્ષોથી નર્સ તરીકે ફરજ બજાવતા પ્લેન્ક કેટરિન અને ગુંથર નામના દંપતીની ‘અંબા’ દીકરી બનશે. ખુશીની વાત એ છે કે આ કપલે અગાઉ પણ ભારતમાંથી જ એક બાળક દત્તક લીધેલું છે અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બનશે.

નોંધનીય છે કે રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર ઠેબચડા ગામની સીમમાં એક માતાએ નિર્દયી રીતે દીકરીને તરછોડી દીધી હતી. તરછોડાયેલી આ માસૂમ બાળકીને એક કૂતરું લઈને જતું હતું ત્યારે એક જાગૃત નાગરિકે તેને બચાવી હતી. બાળકીને લોહીલુહાણ હાલતમાં રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

દીકરીની હાલત જોઈને સૌ કોઈને અરેરાટી ઉપસી આવી હતી. બાળકીને બચાવવામાં રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ખૂબ રસ દાખવ્યો હતો. તેમણે બાળકીનું નામ અંબા રાખ્યું હતું. અઢી મહિના સુધી હોસ્પિટલના બિછાને મોત સામે લડીને અંબાએ જીતી મેળવી હતી. એ વખતે સામાન્ય લોકોથી લઈને ખુદ CM વિજય રૂપાણીએ અંબાને નવજીવન મળે તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. સાજી થયા બાદ અંબાને રાજકોટના કાઠીયાવાડ બાલાશ્રમમાં મોકલવામાં આવી હતી.

છેલ્લા એક વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોના સ્નેહ સાથે ઉછરેલી ‘અંબા’ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. થોડા સમય પહેલા તેની દત્તકવિધિ માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ઇટલીના એક દંપતીએ અંબાને દત્તક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને હવે ત્રણ મહિનામાં આ બાળકી ઇટલી પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *