Friday, April 12, 2024
Google search engine
HomeGujaratરાજકોટમાં સંપન્ન નબીરા સાથે ન થવાનું થયું, અલગ મજા લેવા ગયો અને...

રાજકોટમાં સંપન્ન નબીરા સાથે ન થવાનું થયું, અલગ મજા લેવા ગયો અને પછી…

એક આંખ ઉઘાડતો અને શોકિંગ બનાવ રાજકોટમાં બન્યો છે. મૂળ સાયલા પંથકના અને હાલ રાજકોટના કુવાડવા રોડ પરની સોસાયટીમાં રહેતા 21 વર્ષના કોલેજીયન વિદ્યાર્થીએ ‘ગે’ને લગતી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બાદમાં એક અજાણ્યા શખ્સે એપ્લિકેશનમાં મેસેજ કરી તેને રૂબરૂ મળવા બોલાવ્યો હતો. આથી યુવક ‘ગે’ પાર્ટનર સમજી મળવા ગયો તો તેને આવાસ યોજનાના ક્વાર્ટરના એક રૂમમાં લઇ જવાયો હતો.

અહીં રૂમમાં અન્ય ત્રણ શખસ પણ હતા. બાદમાં ચારેય શખસે યુવકને ગોંધી રાખી રૂ.400 પડાવી લીધા હતા અને અર્ધનગ્ન હાલતમાં તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાઇરલ નહીં કરવા બદલ રૂ. 50 હજારની માગણી કરી હતી. બાદમાં યુવકને છોડી દેતા આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ કૃત્ય કરનાર ચાર શખસની ટોળકીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

એપ્લિકેશનમાં યુવકને અજાણી વ્યક્તિનો Hiનો મેસેજ આવ્યો
ભોગ બનનાર યુવક ટીવાય બી.કોમના પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેણે પોલીસને જણાવ્યું છે કે, ત્રણેક દિવસ પહેલા તેણે ‘ગે’ ને લગતી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં સમલૈંગિક સંબંધો ધરાવતા લોકોનું ગ્રુપ હોય છે. જેમાં તેણે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ગઈકાલે બપોરે તે એપમાંથી અજાણ્યા વ્યક્તિએ ‘Hi’નો મેસેજ કર્યો હતો. આથી તેણે પણ સામે ‘Hi’નો મેસેજ કર્યો હતો. સામાવાળા વ્યકિતએ તેની ઉંમર પૂછતાં 21 વર્ષ કહ્યું હતું. બાદમાં તેને કેકેવી હોલ ચોકમાં રૂબરૂ મળવા બોલાવતા ગઈકાલે બપોરે બાઈક લઈને ત્યાં પહોંચ્યો હતો. અહીં તે અજાણ્યો વ્યક્તિ તેને મળ્યો હતો. તેણે ચાલ હવે આપણે રૂમ પર જઈએ તેમ કહેતા તેની સાથે નીકળ્યો હતો.

યુવકને છરી બતાવી પાકીટ, મોબાઈલ પડાવ્યા
ત્યારબાદ તે અજાણી વ્યક્તિ તેને નાણાંવટી ચોકમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં વિંગ-13માં પહેલા માળે આવેલા ક્વાર્ટરમાં લઈ ગયો હતો. રૂમનું તાળું ખોલી બન્ને અંદર ગયા તે સાથે જ બીજા ત્રણ અજાણ્યા માણસો રૂમમાં ધસી આવ્યા હતા. તેમણે રૂમ અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં યુવકને છરી બતાવી કહ્યું કે ‘તારી પાસે પાકીટ, મોબાઈલ ઉપરાંત જે હોય તે આપી દે, નહીંતર અહીં જ પતાવી દઈશું.’ આ વાત સાંભળી ગભરાય ગયેલા યુવકે તુરંત પોતાનું રૂ.400ની રોકડ સાથેનું પાકીટ અને મોબાઈલ આપી દીધો હતો. તેમજ યુવકના બાઈકની ચાવી પણ લઈ લીધી હતી. આ પછી તેને ચારેય શખ્સોએ અમે કહીએ તેમ બોલ તેમ કહી તેને અર્ધનગ્ન કરી નાખ્યો હતો.

વીડિયો વાઇરલ નહીં કરવા બદલ 50 હજાર માગ્યા
અર્ધનગ્ન હાલતમાં યુવક પાસે એવું બોલાવડાવ્યું કે ‘હું આ સાઈટ મારફત નાની ઉંમરના છોકરાઓ સાથે સંપર્ક કરી, તેમને મળવા બોલાવી, તેની સાથે સંબંધ રાખું છું. હવે પછી હું આવું નહીં કરૂ મને માફ કરી દો.’ બાદમાં ચારેય શખસે મોબાઈલ ફોનમાં યુવકનો અર્ધનગ્ન હાલતમાં વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો વાઇરલ નહીં કરવા બદલ યુવક પાસેથી રૂ.50 હજારની માગણી કરી હતી. આથી યુવકે કાકાને કોલ કરી રૂ.50 હજાર આપી જવાનું કહેતા સાંજે વ્યવસ્થા કરી આપશે તેમ કહ્યું હતું.

બાઇકની ચાવી અને મોબાઇલ ફોન આપી રવાના કર્યો
આથી ચારેય શખસે તેને બાઈકની ચાવી અને તેનો મોબાઈલ ફોન પરત આપી રૂ.400 પોતાની પાસે રાખી લીધા હતા. સાથોસાથ રૂ.50 હજાર લેવા માટે સાંજે કોલ કરશું તેમ કહી તેને રવાના કરી દીધો હતો. બાદમાં યુવકે પોતાના બે કાકાને કોટેચા ચોકમાં બોલાવી આપવીતી કહી હતી. જે સાંભળ્યા બાદ તેના બન્ને કાકા તેને જે ક્વાર્ટરમાં લઇ જવાયો હતો ત્યાં આવ્યા હતા. પરંતુ તે સમયે ક્વાર્ટરને તાળું મારેલું હતું. બાદમાં ઘરે જતા રહ્યા હતા. રાતના આઠેક વાગ્યે તેની પાસેથી એક શખસે રૂ.15થી 20 હજારની માગણી કરી હતી. તેણે ઘરે પૂછીને પૈસા આપવાની વાત કરતા ફોન કાપી નાખ્યા બાદ થોડીવાર પછી ફરીથી કોલ કરી રૂ.20 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. આખરે યુવકે બન્ને કાકાની સલાહથી એ-ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. અહીંથી યુનિવર્સિટી પોલીસ મથકે મોકલાતા ત્યાં જઈ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ચારેય શખસને ઝડપી લઇ તપાસ હાથ ધરી
તપાસ દરમ્યાન આ કૃત્ય કરનાર ચારેય આરોપીઓ અફ્રિદ ફીરોઝ કાદરી, અમન સલીમભાઈ કાદરી, સોહીલ હાજીભાઈ કાદરી અને ભાર્ગવ રાજેશ ડાભી ઓળખાય જતા ગુનો દાખલ કરી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર યુવકને ગઇકાલે કેકેવી ચોકમાં મળનાર આવેલા આરોપીનું નામ ભાર્ગવ છે, બાકીના ત્રણેય આરોપીએ ક્વાર્ટર પર અર્ધનગ્ન હાલતમાં વીડિયો ઉતારી પૈસાની માગણી કરી હતી.

બનાવ અંગે ACPએ શું કહ્યું
ACP પી.કે. દિયોરાએ જણાવ્યું હતું કે, હાલમાં ચારેય આરોપીના વોટ્સએપ ચેટિંગ અને તેનું ગ્રુપ ચેક કરીએ છીએ. તેમાં કેટલા સભ્યો જોડાયા તેની પરથી આખો આઇડિયા આવશે. તેમાં જોડાયેલા સભ્યોનું નામ ન દર્શાવવાની શરતે અમે પ્રયત્ન કરીશું કે આ પ્રકારની ગેંગ સક્રિય હોય તો નિર્દોષ બાળકોને આમાં ફસાવે નહીં. ચારેય આરોપી અને ભોગ બનનારે વોટ્સએપ ચેટિંગ ડિલીટ કરી દીધું છે પણ અમે તેને રિકવર કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. સાયબર સેલનો ઉપયોગ કરી કેટલા જોડાયેલા છે અને કેટલા ભોગ બન્યા છે તે કાર્યવાહી કરીશું. આ તમામ આરોપી 21થી 24 વર્ષની ઉંમર ધરાવે છે અને કોઇ સોશિયલ મીડિયાના માધ્યમમાં સંડોવાયેલા હોય તેવું લાગે છે. ચારેય આરોપીનો ગુનાહિત ઇતિહાસ હાલ મળ્યો નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page