Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratસોસાયટીમાં વારંવાર દારૂની પાર્ટી કરતા, મહિલાઓએ ઘરને તાળું મારી પકડાવ્યા

સોસાયટીમાં વારંવાર દારૂની પાર્ટી કરતા, મહિલાઓએ ઘરને તાળું મારી પકડાવ્યા

હવે જનતા જ પોલીસ બની જનતા રેડ પાડી દારૂની બદીને દૂર કરવાના પ્રયાસો કરી રહી છે. આવી જ એક ઘટના રાજકોટના નિર્મલા રોડ નજીક તિરુપતિનગર સોસાયટીમાં બની છે. પાડોશમાં રહેતી મહિલાઓએ દારૂની પાર્ટી કરતા શખ્સોને તેમના ઘરમાં જ તાળું મારી પૂરી દીધા હતા. બાદમાં પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી આવી હતી. 8થી વધુ શખ્સ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જો કે પોલીસ આવતા જ 3થી 4 શખ્સ ભાગી ગયાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. 8 મહિનાથી આ શખ્સો દારૂ પીને ખેલ કરી એરગનમાંથી ફાયરિંગ કરતા હોવાનો સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે. પોલીસે 3 શખ્સની ધરપકડ કરી રિક્ષામાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

સોસાયટીમાં વારંવાર દારૂની પાર્ટી કરતા
આ શખ્સો સોસાયટીમાં અવારનવાર દારૂ પીવા આવતા હતા. સોસાયટીની મહિલાઓ આજે આકરા પાણીએ થઈ હતી. દારૂની પાર્ટી કરતા શખ્સોને તેના જ ઘરમાં પૂરી બહારથી મહિલાઓએ તાળું મારી દીધું હતું. બાદમાં પોલીસને જાણ કરાતાં ગાંધીગ્રામ પોલીસ દોડી આવી હતી. પોલીસે દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મકાન માલિકે જણાવ્યું હતું કે, બહેનોને તકલીફ પડતી હતી એટલે હવે અમે આવું નહીં કરીએ. મિત્રો આવતા હતા તેને હવે આવવા નહીં દઉં.

દારૂ પીને કપડાં પહેરવાનું ભાન રહેતું નથી
વીડિયોમાં સ્થાનિક મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બધા રીતસરની​ બોટલો લઈને આવે છે. કાળા ઝભલામાં બોટલો લઈને આવે છે. પછી બધા દારૂ પીને રાતના 2 વાગ્યે મોટા અવાજે સ્પીકર વગાડે છે. મકાન માલિક કશ્યપભાઈ ઠાકોર છે. અમે ત્રાસી ગયા છીએ ભાઈ. દારૂ પીને કપડાં પહેરવાનું પણ ભાન રહેતું નથી અને નગ્ન થઈને નીકળતા હોય છે. તેમજ અપશબ્દો પણ બોલતા હોય છે.

આઠ મહિનાથી સતત આ ત્રાસ છે. અમે અવારનવાર પોલીસને જાણ કરી છે. કશ્યપભાઈ પર ચાર કેસ ચાલુ છે. પોલીસ આવીને પકડી જાય અને બીજા દિવસે છૂટી જાય છે. અમારી એક જ માંગ છે કે આ ઘર બંધ થવું જોઈએ.

મહિલાઓ આકરા પાણીએ થઈ
એક મહિલા વીડિયોમાં બોલી રહી છે કે, કાકા જેટલી બોટલો છે તે કાઢો. તો દારૂ પીનાર શખ્સ કહે છે કે, હવે કાંઈ નથી. તો અન્ય એક મહિલા કહે છે કે, જે બોટલો સંતાડી દીધી છે એ કાઢ. હમણાં બોટલો લઈ આવ્યા હતા તે કાઢો. બોટલો કાઢો નહીંતર લાકડી દેવા માંડીશ. હથિયારો પણ કાઢો હાલો. બધું બતાવજો ઘરમાં હોય એ બધું, નહીંતર પોલીસની સામે જ મારીશું. ત્યારે પોલીસ કહે છે કે મારતાં નહીં. આથી મહિલા કહે છે કે ના અમે મારીને કાયદો હાથ લઈશું નહીં.

રોજ 15થી 20 શખ્સો આવ-જા કરે છે
અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, પહેલાં કશ્યપભાઈને પોતાના પરિવાર સાથે જ ઝઘડો થતો હતો. તેઓ તેની પત્ની, દીકરી-દીકરાઓને મારતા ત્યારે અમે બચાવવા જતાં હતાં. જ્યારથી તેની પત્ની અવસાન પામ્યાં છે ત્યારથી તેણે દારૂડિયાઓને ભેગા કરીને દારૂની પાર્ટી કરવાનું શરૂ કર્યું છે.

આખા દિવસમાં 15થી 20 શખ્સો તેમના ઘરે આવ-જા કર્યા રાખે છે. બધા ખરાબ લોકો જ આવે છે એટલે અમારે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. અમારી સામે ખરાબ નજરે જોતાં હોય છે. ખરાબમાં ખરાબ ગાળો ભાંડે છે. પોતાનાં કપડાંનું પણ ભાન રહેતું નથી.

પોલીસ પણ હવે થાકી ગઈ છે
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, રાતે પાર્ટી કરી ખોટેખોટા એરગનમાંથી ફાયરિંગ કરે છે. અમને ડરાવવા માટે આવું કરે છે. પોલીસ પણ થાકી ગઈ છે. પોલીસ કહે છે કે, અમે કેટલીવાર પકડી જઈએ. દારૂના કેસમાં મોટો ગુનો લાગુ પડતો નથી એટલે તે પણ થોડા દિવસમાં છોડી દે છે. દારૂ આ લોકો ક્યાંથી લઈ આવે છે એ ખબર નથી. ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ ક્યાંથી આવે છે એ ખબર પડતી નથી. ડ્રગ્સ પણ લઈ આવતા હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page