જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. ત્યારે આજે 78 ઉત્તર અને 79 દક્ષિણ વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પણ હાજરી આપી હતી. તેણે રીવાબાને લઈને જણાવ્યું હતું કે ‘રાજકીય મેચમાં રીવાબાએ હજુ ડેબ્યુ કર્યું છે, તેની રાજકીય કારકિર્દીની હજુ શરૂઆત છે, આ ફિલ્ડમાં હજુ તેને ઘણું શીખવાનું છે. હું આશા રાખુ છું કે તે બહુ પ્રગતિ કરે.’
PM મોદીના પગલે ચાલીને લોકોની સેવા કરવાની છે: રવીન્દ્ર જાડેજા
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે હું સેલિબ્રિટી છું, પણ રીવાબા સામાન્ય માણસ છે. હું એવું ઇચ્છું છું કે ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાઓ, વડીલો પાસેથી રીવાબાને ઘણું શીખવાનું છે. તેની પહેલી મેચ છે, તેને ઘણું આગળ જવાનું છે. રાજકારણમાં પ્રવેશવાનો વિચાર નહોતો, પણ ઘણા એવા લોકો હોય, જે બધે ન પહોંચી શકતા હોય. જેથી દરેક નાનામાં નાના માણસના પ્રશ્ન હલ થાય તેવી માનસિકતા સાથે રીવાબા પાર્ટીમાં જોડાયાં અને હવે ટિકિટ મળતાં ચૂંટણી લડશે. વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના પગલે ચાલીને લોકોની સેવા કરવાની છે.
રીવાબાએ ફોર્મ ભર્યું
જામનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે રવીન્દ્ર જાડેજા સહિત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ અધ્યક્ષ આરસી ફળદુ હાજર રહ્યા હતા. જ્યાંથી રીવાબા જાહેજા અને જામનગર દક્ષિણના ઉમેદવાર દિવ્યેશ અકબરી બંને ઉમેદવાર વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે ગયા હતા, જ્યાં તેમણે ફોર્મ ભરીને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કોણ છે રીવાબા જાડેજા?
રીવાબા ગુજરાતનાં રાજકોટનાં છે. તેના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યાં હતાં. ભાજપમાં જોડાતાં પહેલાં રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના સભ્ય રહી ચૂક્યાં છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયાં હતાં. ત્યારથી તેઓ પાર્ટીના કાર્યક્રમોમાં સ્ટેજ પર જોવા મળે છે.
રીવાબા કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી છે
રીવાબા જાડેજા, કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી પણ છે. રીવાબા પોતાનો વધારે સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે. રાજકોટમાં તેમની એક રેસ્ટોરન્ટ છે, જ્યારે જામનગરમાં ઘર છે. જ્યારે રીવાબાએ ભાજપ જોઈન કર્યું ત્યારે પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે રીવાબા ગુજરાતનો એક મોટો ચહેરો છે. તેમનું ભાજપ સાથે જોડાવવું એક સારો ફાયદો થઈ શકે છે.
રવીન્દ્રના પિતા પણ રાજનીતિમાં છે
રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નૈના બહેન પણ રાજનીતિમાં છે. નૈતાબા જામનગરમાં મહિલા કોંગ્રેસ-અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર જાડેજા માત્ર 17 વર્ષના હતા ત્યારથી તેમની માતાનું નિધન થયું હતું. ત્યાર બાદ બહેન નૈનાએ તેમની જવાબદારી સંભાળી હતી અને ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપી હતી.