|

ગુજરાતમાં અહીં ગુપ્ત ધન મેળવવા 1200 વર્ષ પ્રાચીન શિવ મંદિરમાં ખોદકામ, અનેક રહસ્યો ઘેરાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનથી 5 કિમી દૂર જામવાડી ગામમાં આવેલા 1200 વર્ષ જૂના મુનિની દેરી નામે ખોળખાતા શિવ મંદિરમાં શિવલિંગ અને પોઠિયાને દૂર કરીને ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન અનેક રહસ્યો ઘેરાયાં છે. આ મંદિરમાં ગુપ્ત ધન હોવાની આશંકાએ 5થી 6 ફૂટનો ખાડો કરીને ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પીઆઈ અને મામલતદાર સહિતની ટીમે જામવાળી ગામે પહોંચી સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું.

થાનથી 5 કિમી દૂર આવેલા જામવાડી ગામની ભાગોળે મુનનું દેવળ તરીકે ઓળખાતું પ્રખ્યાત શિવમંદિર આવેલું છે. આ શિવમંદિર 1200થી વધુ વર્ષ જૂનું છે અને પુરાતત્ત્વથી રક્ષિત જાહેર કરાવામાં આવેલું છે. આ મંદિર લાખો શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો માટે આસ્થાનું કેન્દ્ર પણ છે.

ખૂબ ઓછી અવર-જવર ધરાવતા આ મંદિરમાં આવેલા શિવલિંગમાં તોડફોડ કરી એની જગ્યાએ ખાડો કરીન ખોદકામ કરવામાં આવ્યું હતું. મંદિરની બહાર જ્યાં પોઠિયાની સ્થાપના કરવામાં આવી હતી ત્યાર બાદ બાજુમાં મૂકીને એની જગ્યાએ 5થી 6 ફૂટનો ખાડો કરવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના અંગે પીઆઈ એમ.પી.ચૌધરી અને મામલતદાર હાર્દિક મકવાણા સહિતની ટીમ જામવાળી ગામે દોડી આવ્યા હતા અને ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. રાજાશાહીના સમયમાં શિવલિંગ કે પોઠિયાની નીચે ગુપ્ત ધન હોવાની વાતો ચાલતી હતી અને મુઘલોના સમયમાં શિવમંદિરો તોડીને ગુપ્ત ધનની લૂંટ ચલાવી હોવાની વાતો ઈતિહાસમાં આજે પણ સાંભળવામાં મળી રહ્યો છે. ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કરાયાનું મનાય છે. ખોદકામ કરનાર કોણ છે અને તેમને કાંઈ મળ્યું કે નહીં એ અંગે હજુ પણ રહસ્ય અકબંધ છે.

સ્થાનિક હરિભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમાના દિવસે પણ હું પૂજા કરવા માટે આવ્યો હતો ત્યારે મંદિરમાં કોઈ તોડફોડ કરવામાં આવી નહોતી. પરંતુ સોમવારે ફરીથી હું મંદિરમાં પૂજા કરવા માટે આવ્યો ત્યારે બધું ખોદેલું જોઈને આગાચ લાગ્યો હતો. જેના કારણે મેં ગામના લોકોને જાણ કરી હતી.

થાનના પીઆઈ એમ.પી.ચૌધરીએ જણાવ્યું હતું કે, મંદિરમાં ખોદકામ કરવામાં આવ્યું હોવાના સમાચાર મળતાં મામલતદાર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કોઈએ મંદિરમાં ખોદકામ કર્યું છે એ સ્પસ્ટ જણાય છે. કોણે, શા માટે કર્યું એની જાણ થઈ નથી. ગુપ્ત ધન હોવાની શંકાને આધારે પણ ખોદકામ કર્યું હોય તેમ બની શકે. આ બાબતે પુરાતત્ત્વ ખાતાને જાણ કરીને તપાસ કરીશું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.