ભણતર માટે નવતર પ્રયોગ: ગુજરાતના આ ગામની વાત જાણી બોલી ઉઠશો, ‘વાહ ક્યા બાત હૈ’

Gujarat

ઉના: બોર્ડની પરીક્ષા કે કોઇ સ્પર્ધાત્મક પરીક્ષામાં અવ્વલ પરિણામ આવે તેમને નાની-મોટી રોકડ ઇનામની રકમ આપવામાં આવ્યાની વાતો તો ઘણી સાંભળી હશે. પરંતુ ક્યારેય તમે સાંભળ્યું છે કે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થીની પણ જો ક્લાસમાં ટોપર્સ રહ્યો હોય અને તેને પ્રોત્સાહન રૂપે વિમાનમાં મુસાફરી કરાવવામાં આવી હોય? કદાચ તમે આવું ક્યારેય સાંભળ્યું કે જોયું નહીં હોય પરંતુ આ ઘટના બીજે ક્યાય નહીં પણ આપણા ગુજરાતના ગીરગઢડાના નાનકડા એવા પાણખણમાં સાકાર થઇ છે.

જ્યાં ધોરણ 3થી 8 માં અભ્યાસ કરતા 18 બાળકોને અમદાવાદથી દિલ્હીનો મફત વિમાન પ્રવાસ અને ત્યારબાદ ત્યાંથી હરિદ્રાર પણ લઇ જવામાં આવ્યાં. જ્યાં ગંગા નદીમાં એક વિદ્યાર્થીએ પોતાના પિતાના અસ્થિઓનું વિસર્જન કરીને ભાવુક થઇ ગયો હતો.

આ અનોખા પ્રવાસની વાત એમ છે કે, ગીરગઢડા તાલુકાના પાણખણ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય રાહુલભાઇ રામપ્રસાદીએ વિદ્યાર્થિઓ અભ્યાસમાં ધ્યાન આપે અને ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ ત્રણ ક્રમ લાવે તેમને પ્રોત્સાહનરૂપે વિમાન વિમાન મુસાફરી કરાવવામાં આવે તેવો વિચાર કર્યો હતો. પોતાની આ પ્રોત્સાહક યોજના વિશે આચાર્ય રાહુલભાઇએ ગામના સરપંચ ભીખુભાઇ ગોહિલને જણાવ્યું હતું. સરપંચ ભીખુભાઇએ શાળાના આચાર્યનો પ્રસ્તાવ વધાવી લીધો હતો અને આ અંગે આયોજન શરૂ કરવામાં આવ્યું.

આખરે નક્કી કરવામાં આવ્યું કે જે શાળામાં ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ ત્રણ ક્રમે આવનારા વિદ્યાર્થીઓને વિમાન મુસાફરી કરાવવામાં આવશે અને તેણ અકદમ મફત. વિદ્યાર્થીઓ પાસેથી એકપણ રૂપિયો નહીં લેવાં આવે. આ માટેનું ફંડ શાળાના આચાર્ય, ગામના સરપંચ તથા ગામલોકો પાસેથી ફાળો ઉઘરાવી એકત્ર કરવાનું નક્કી થયું હતું. શાળામાં આ પ્રોત્સહક યોજના અંગે જાહેરાત કરવામાં આવે.

પરીક્ષાના અંતે 18 વિદ્યાર્થીઓને ગત 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટથી દિલ્હીની હવાઇ મુસાફરી કરાવવામાં આવી. તમામ વિદ્યાર્થીઓ તેમના જીવનમાં પ્રથમવાર હવાઇ મુસાફરી કરી રહ્યા હતાં. દિલ્હીથી ગોકુલ, મથુરા, હરિદ્રાર સુધીનો પ્રવાસ તેમણે કર્યો. પ્રવાસમાં છાત્રોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.

હરિદ્રારમાં પિતાની અસ્થિઓનું વિસર્જન કરી વિદ્યાર્થી ભાવુક થયો : ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જયરાજ ગોહિલના પિતાનું થોડા મહિનાઓ પહેલા અવસાન થયું હતું. જેમના અસ્થિઓનું વિસર્જન જયરાજે હરિદ્રારમાં ગંગા નદીમાં કરતા સૌ કોઇ ભાવુક બન્યા હતાં.

પ્રવાસથી પરત ફરેલાઓનુ ગામલોકોએ સ્વાગત કર્યું : પ્રવાસથી પરત આવેલા વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્યનું પાણખણ ગામના લોકોએ કુમકુમ તિલક કરી વાજતે-ગાજતે સ્વાગત કર્યું હતું. આ પ્રવાસનો 1 લાખ 70 હજાર રૂપિયા ખર્ચ થયો. જેમાં ગામના સરપંચ ભીખુભાઇએ 90 હજાર, આચાર્યએ 20 હજાર અને ગામ લોકોએ 60 હજાર રૂપિયા આપ્યા હતાં.

આચાર્ય રાહુલભાઇએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે આગામી ત્રણ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને વિદેશ પ્રવાસનું પ્રોત્સાહન આપવામાં આવે અને વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે શૌક્ષણિક પ્રવાસ કરી ભાવિ ઉજ્જવળ બનાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *