Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઘરમાં બે-બે લોકોના મોત છતાં સોલંકી પરિવારે કોઈ વિચારી પણ ન શકે...

ઘરમાં બે-બે લોકોના મોત છતાં સોલંકી પરિવારે કોઈ વિચારી પણ ન શકે એવું કામ કર્યું

જૂનાગઢના સોલંકી પરિવારે મૃત્યુને મહોત્સવ બનાવ્યો છે. મયૂરભાઈ સોલંકીના પુત્રવધૂ અને શ્રીનાથભાઈના પત્ની મોનિકાબેનનું દુ:ખદ અવસાન થયું. અંદરથી તૂટી ગયા હોવા છતાં શ્રીનાથભાઇએ હિંમત રાખીને પત્નીની ઈચ્છા મુજબ વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢી એટલું જ નહિ બેસણામાં રક્તદાન કેમ્પ રાખીને મોનિકાબેનને સમગ્ર પરિવારે અનોખી શ્રદ્ધાંજલિ આપી છે, તો ચક્ષુદાન કરીને અન્ય વ્યક્તિના જીવનમાં ઉજાસ પાથરતા ગયા છે. રક્તદાન કેમ્પમાં કુલ 37 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. આ રક્ત મેડિકલની સારવાર માટે જેને જરૂરિયાત હશે તેને આપવામાં આવશે.

વધુ માહિતી આપતા મોનિકાબેનના પતિ શ્રીનાથભાઇએ જણાવ્યું હતું કે, તેના પત્ની સીમંત પ્રસંગ કરીને ડિલિવરી માટે તેના પિયર ગયા હતા. 21 જુલાઈના રોજ તેને અચાનક માથામાં દુખાવો ઉપડ્યો. તાત્કાલિક તેને સારવાર માટે ખસેડાયા હતા. રસ્તામાં તેને તાણ-આંચકી આવતા તેમની હાલત વધુ બગડી હતી. પૂરતી સારવાર આપવામાં આવી આમ છતાં તે કારગત નિવડી નહીં. જોકે તબીબોએ કહ્યું કે, માતાના ગર્ભમાં રહેલું બાળક જીવંત છે.

આથી પરિવારજનોની ઈચ્છા મુજબ સિઝેરિયન કરીને બાળકની ડિલિવરી કરાવવામાં આવી, પરંતુ થોડા સમય બાદ બાળકીના પણ શ્વાસ બંધ થઇ ગયા. પરિવારમાં ખુશીની રાહ અને આ ઘટનાથી વજ્રઘાત થયો. મૃત્યુના પાંચ કલાક બાદ તેની પાસે તેના પિતાના મિત્ર આવ્યા અને ચક્ષુદાન માટે વાત કરી તો તેને પળવારનો વિલંબ કર્યો નહિ અને પરિવારને પૂછ્યા વગર જ ચક્ષુદાન માટે હા પાડી દીધી. જોકે તેના આ નિર્ણયને સમગ્ર પરિવારે વધાવ્યો હતો. જોકે આ ઘડી સૌ કોઇ માટે અઘરી હતી.

તેવામાં રાજકોટમાં કાર્યરત જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતાએ બ્લડ ડોનેશન માટે વાત કરી તો તેમાં પણ શ્રીનાથભાઇએ હા પાડી દીધી. અને બેસણામાં બ્લડ ડોનેશન માટે લોકોની લાઇન લાગી હતી. મહિલાઓએ પણ બ્લડ ડોનેટ કર્યું તેમજ શ્રીનાથભાઇએ ખુદ બ્લડ ડોનેટ કરીને તેની પત્ની મોનિકાબેનને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.

બાળક જન્મના વધામણાની તૈયારી પણ કરી લીધી હતી
સોલંકી પરિવારમાં બે પુત્રવધૂ છે. મોનિકાબેન એ નાના પુત્રવધૂ હતા. આ પરિવારનું પ્રથમ બાળક હોય સૌ કોઈએ બાળકના સ્વાગત માટે તૈયારી કરી લીધી હતી. અને બાળક જન્મે તેની ઘડીઓ ગણાતી હતી, પરંતુ બાળક જન્મ્યું પણ ખરા પરંતુ તેને લાંબો સમય રમાડે તે પહેલા જ કુદરતે તેને છીનવી લીધું.

બેસણામાં બ્લડ ડોનેશન થયું હોય તેવી પ્રથમ ઘટના
જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતા જણાવે છે કે, જૂનાગઢમાં પહેલીવાર બેસણામાં બ્લડ ડોનેશન થયું છે. જ્યારે રાજકોટમાં અગાઉ ચાર પરિવારે બેસણામાં બ્લડ ડોનેશન કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page