સુરજ ભુવાજી બાદ યુવતીએ આપ્યો જવાબ, કહ્યું- હું તેને અમદાવાદ…..

જૂનાગઢની અનાથ યુવતીએ થોડા દિવસ પહેલાં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે જૂનાગઢના સૂરજ ભુવાજી નામના શખસે 10 મહિના મારા પર દુષ્કર્મ આચરી રોડ પર મૂકી દીધી છે. આ અંગે જૂનાગઢ પોલીસે સૂરજ ભુવાજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. બાદમાં સૂરજ ભુવાજીએ યુવતી પૈસાની માગણી કરતી હોવાનો વીડિયો વાઇરલ કર્યો હતો. હવે યુવતીએ સોશિયલ મીડિયામાં લાઈવ થઇ જણાવ્યું છે કે મેં પૈસા માટે પ્રેમ કર્યો નથી, મને ન્યાય અપાવજો, ખોટાનો સાથ આપતા નહીં, મને બદનામ કરે છે.

સોશિયલ મીડિયામાં લાઈવ થઈ યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ જે વીડિયો બહાર આવ્યો છે એમાં મને બદનામ કરવા મેં પૈસાની અને ફ્લેટની માગણી કરી છે એ તદ્દન ખોટું છે. જો એવું જ હોત તો હું તેને અમદાવાદ મનાવવા ગઇ ન હોત. માફી ન માગી હોત, પગે પડી ન હોત. પહેલા તેનો જ ફોન આવ્યો હતો તેનું મારી પાસે પ્રૂફ પણ છે. મેં મેસેજ કર્યો છે કે મેં પૈસા માટે પ્રેમ કર્યો નથી, આથી આ બાબતથી પૈસા માટે મને મેસેજ ન કરતા. કોઈને પણ મેસેજ ન કરતા. મને ન્યાય અપાવજો, ખોટાનો સાથ ન આપતા. 10 મહિના હું તેની સાથે રહી, તેને ખબર હતી કે મારે મા-બાપ નથી છતાં મને રોડ પર મૂકી દીધી.

સૂરજ ભુવાજી દ્વારા જૂનાગઢની યુવતીને ફસાવી 10 મહિના સુધી દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યો હોવાની ફરિયાદ જૂનાગઢ પોલીસમાં નોંધાઈ હતી. બાદમાં સૂરજ ભુવાજીએ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરી યુવતીના આક્ષેપો ખોટા અને પાયાવિહોણા હોવાનું કહી યુવતી પૈસા સહિતની માગણીઓ કરતી હોવાથી તેની સાથે સંબંધ ન રાખતાં હોવાનું જણાવ્યું હતું.

જેની સામે યુવતીએ પણ સોશિયલ મીડિયામાં લાઇવ થયા બાદ ભુવાજીએ લગાવેલા તમામ આક્ષેપ ખોટા હોવાનું અને તેને સાચો પ્રેમ કર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે પૈસાની ઓફર ભુવાજીએ કરી હોવાના પુરાવા પણ તેની પાસે છે, આથી તેની ખોટી વાતોમાં આવવાને બદલે ન્યાયની માગ પીડિત યુવતી દ્વારા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢની યુવતીએ રાજકોટ આવી મહિલા પોલીસ સ્ટેશન નજીક દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને એ પહેલાં સુસાઇડ નોટ લખી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેમાં ભુવાજી અને તેના મિત્રો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર બનાવ બાદ યુવતી દ્વારા પોલીસ સમક્ષ નિવેદન આપી રૂબરૂ ફરિયાદ આપતાં પોલીસે સૂરજ ભુવાજી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો તેમજ તેના બે મિત્રો સામે પણ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Similar Posts