|

ખેડૂતની 19 વર્ષની દીકરીનો અમેરિકામાં ધમાકો, બની સૌથી નાની ઉંમરની પાયલોટ

સુરત જિલ્લાના ઓલપાડના શેરડી ગામની મૂળ વતની અને ખેડૂત પરિવારની 19 વર્ષીય મૈત્રી પટેલ નાની વયે પાયલોટ બની પરિવારની સાથે સુરતનું નામ રોશન કર્યુ છે. ધોરણ-12 સુધીનો અભ્યાસ શહેરની સેવન-ડે સ્કૂલમાં કર્યા બાદ પાયલોટની ટ્રેનિંગ માટે અમેરિકા ગઈ હતી. અમેરિકાની સ્કાય ક્રિએશન ઈન્સ્ટિટ્યુમાં નિયત સમય કરતાં ટૂંકાગાળામાં ટ્રેનિંગ પૂરી કરી કમર્શિયલ વિમાન ચલાવવાનું લાઇસન્સ મેળવી તેણીએ નવી સિદ્ધિ હાંસલ કરી છે. પાયલોટ બન્યા બાદ મૈત્રી પટેલ સુરત પહોંચતા પરિવારજનો દ્વારા તેણીને હરખથી વધાવી લેવામાં આવી છે.

કહેવાય છે કે, મન હોય તો માળવે જવાય, આ કહેવતને સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામની 19 વર્ષીય મૈત્રી કાંતિલાલ પટેલે સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. પિતા ખેડૂત અને માતા સુરત મહાનગરપાલિકામાં નોકરી છે. ખેડૂત પરિવારની દીકરીએ નાનપણથી જ પાયલોટ કરવાની ઇચ્છા હતી. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની સેવન-ડે શાળામાં અભ્યાસ કરવા સાથે તેણી મુંબઇ જઇને પાયલોટની ટ્રેનિંગ અને અભ્યાસ કરતી હતી.

ધોરણ-12 સાયન્સ સુરતની સ્કૂલમાંથી પુરું કર્યા બાદ પાયલોટના અભ્યાસ ટ્રેનિંગ માટે તેણી અમેરિકા ગઇ હતી. જ્યાં 11 મહિનાના ટૂંકાગાળામાં કમર્શિયલ વિમાન ઉડાડવાનું શીખી લેતાં અમેરિકાએ તેણીને કમર્શિયલ વિમાન ઉડાવવાનું લાઇસન્સ આપી દીધું હતું. આ સાથે જ સુરતની આ 19 વર્ષીય મૈત્રી ભારતની સૌથી નાની વયની પાયલોટ બની ગઇ હતી. તેણીની પિતા કાંતિલાલ પટેલે દાવો કરતાં જણાવ્યું કે, ભારતમાં કાશ્મીરની 25 વર્ષીય યુવતી સૌથી નાની વયે પાયલોટ બની હતી.સાથે જ અગાઉ ત્રણેક મહિલાઓ સુરત પંથકમાંથી અગાઉ પાયલોટ બની છે.

નાની ઉંમરે કમર્શિયલ પાયલોટનું લાઇસન્સ મેળવ્યા બાદ હવે નાની વયે કેપ્ટન બનવાનું સપનું પૂરું કરવું છે .બોઇંગ જેવા મોટા વિમાન ઉડાડવું લાઇસન્સ મેળવી નવી ઊંચાઇએ પહોંચવું છે. ટૂંક સમયમાં કેપ્ટન બનવાનું સપનું પણ પૂરું કરીશ બોઇંગ વિમાન ઉડાડવા માટે ટૂંક સમયમાં ટ્રેનિંગ શરૂ કરીશ. સામાન્ય રીતે કમર્શિયલ વિમાન ચલાવવા માટે 18 મહિનાની ટ્રેનિંગ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ 18 મહિનામાં ટ્રેનિંગ પૂરું નહીં કરે તો 6 મહિના લંબાવવામાં આવે છે. એટલે કે, 2 વર્ષે ટ્રેનિંગ પૂરી કરે છે. પરંતુ મૈત્રી પટેલે 18 મહિનાની ટ્રેનિંગ 11 મહિનાના ટૂંકાગાળામાં પૂર્ણ કરી પાયલોટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.

અમેરિકામાં કમર્શિયલ વિમાન ઉડાડવા માટે મૈત્રી પટેલને પાયલોટનું લાઇસન્સ મળી ગયું છે. ટ્રેનિંગ પૂરી કરી મૈત્રી સુરતની આવતાં પરિવારે તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જોકે તેણીએ ભારતમાં વિમાન ઉડાડવા માટે ભારતના નિયમો અનુસાર ટ્રેનિંગ સાથે અભ્યાસ કરવો પડશે. અહિંયાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ તેને ભારતમાં પણ વિમાન ઉડાડવા લાઇસન્સ મળશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.