માંગરોળમાં બે મિત્રની પત્નીઓની એકબીજાના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામમાં 30 વર્ષના બે યુવાન મિત્ર વિરુદ્ધ એકબીજાની પત્નીઓએ દુષ્કર્મની ફરિયાદ નોંધીવી છે. જેમાં એકની પત્નીએ પતિના મિત્ર અને તેના સાગરિત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા બીજા મિત્રની પત્નીએ પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનિયે છે કે, એકબીજાની પત્નીઓ સાથેના આડાસંબંધનો ભાંડો ફૂટી જતા ફરિયાદ નોંધાવવામાં આવી હોવાની ચર્ચાને કારણે કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.

પહેલી દુષ્કર્મની ફરિયાદ
માંગરોળના એક ગામમાં રહેતી દિવ્યા(નામ બદલ્યું છે)ના પતિ મજૂરી કામ માટે બહાર ગયા હતા. ત્યારે પાડોશમાં રહેતો અને પતિનો મિત્ર વિવેક(નામ બદલ્યું છે) ઘરે જઈ એકલતાનો લાભ ઉઠાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે કોઈને જાણ કરીશ તો બદનામ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી દિવ્યાએ વિવેક અને તેના મિત્રની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

બીજી દુષ્કર્મની ફરિયાદ
સંગીતા(નામ બદલ્યું છે)એ પાડોશમાં રહેતા અને પતિના મિત્ર મિતેશ(નામ બદલ્યું છે) વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સંગીતા ઘરે એકલી હતી ત્યારે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બદનામ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

માંગરોળ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ
બંને પરિણીત મહિલાઓએ પોતાના પતિના મિત્ર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવતા માંગરોળ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. જોકે, બંને પરિણીતા પર દુષ્કર્મનો મામલો હોવાના કારણે પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બંને મિત્રોના એકબીજાની પત્નીઓ સાથે આડાસંબંધ હોવાની જાણ અન્ય એક મિત્રને થઈ જતા ભાંડો ફૂટી ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે.

Similar Posts