પોલીસ જવાનના આપઘાતમાં મોટો ઘટસ્ફોટ, સુસાઈડ નોટમાં જણાવ્યા ત્રાસ આપનાર લોકો નામ

મૂળી તાલુકાના સરા ગામમાં રહેતા અને હાલ ગાંધીનગર સીઆઇડી આઇબીમાં ફરજ બજાવતા પોલીસ જવાને સરા ખાતે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ થયો હતો. ત્યાર બાદ મૃતકે લખેલી સુસાઇડ નોટ સામે આવતાં આત્મહત્યા કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. દેશના પીએમ નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલી સુસાઇડ નોટમાં પોતાના ઘરમાં સીસીટીવી ગોઠવીને પતિ અને પત્નીની અંગત પળોનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો હોઈ, આને કારણે પોતે આત્મહત્યા કરી હોવાનું સુસાઇડ નોટમાં લખી હતી.

પોલીસ ખાતાની નોકરી કરવી એ દિવસે દિવસે વિકટ બનતી જઇ રહી છે. ત્યારે સરામાં રહેતા અને ગાંધીનગર ખાતે આઇબીમાં ફરજ બજાવતા દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર નામના પોલીસ જવાને 9 જાન્યુઆરીએ સરા ખાતેના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી. તેમના મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો હતો. ત્યારે તેમને પિતાએ જણાવ્યું હતું કે દીકરાને નોકરીમાં મુશ્કેલી હોવાનો ફોન આવ્યો હતો, આથી તેઓ ગાંધીનગર જઇને પુત્રને સરા લઇ આવ્યા હતા.

આ બનાવમાં દીપકસિંહનું અકસ્માતે મોત થયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યાર બાદ રવિવારે દીપકસિંહ પરમારે આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટ પોલીસની સામે આવી હતી, જેમાં તેમણે કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ કરીને પોતે કરેલી આત્મહત્યાનું કારણ બતાવ્યું છે. એમાં ખાસ કરીને પોતાની અને પત્નીની અંગત સમયનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. આ સાથે આઇબીમાં જ ફરજ બજાવતા ડી.કે.રાણા, ભારતીબેન અને એ.આઇ.ઓ. નિષાનાં નામનો ઉલ્લેખ કર્યો છે. તેમના ત્રાસને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના આધારે મૂળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકની સુસાઇડ નોટ અક્ષરસઃ
જય માતાજી

પ્રતિશ્રી માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી, હું દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર હાલ ગામ સરા સરકારી દવાખાના ખાતે મારાં માતા-પિતા પાસે આવેલો હતો. હું ગાંધીનગર ખાતે C.I.D. IBમાં ફરજ બજાવું છું. મને અને મારા પરિવારને હેરાન કરવા તથા મારી પત્નીના નગ્ન વીડિયો અને અમારા આખા ઘરમાં નેટવર્ક ફિટ કરી અમારી અંગત પળોનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો છે અને મને માનસિક ત્રાસ આપે છે, જેનું નામ D.K.RANA. IBમાં ફરજ બજાવે છે. તેની સાથે ભારતીબેન તથા નિશા AIO મને મારી નાખવાની ધમકી તથા મારી પત્નીની અંગત પળો ઉતારેલી છે, જેથી હું આત્મ હત્યા કરું છું. – Parmar D.N

આ બનાવમાં અગાઉ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હાલ મૃતકની સુસાઇડ નોટ રજૂ કરવામાં આવે છે. સુસાઇડ નોટમાં લખેલી વિગતોને આધારે હાલ તપાસ ચાલુ છે. નિવેદન અને સુસાઇડ નોટમાં કેટલીક વિસંગતતા છે છતાં આ સુસાઇડ નોટ મૃતકે જ લખી છે કે નહિ તથા એમાં જે નામો લખ્યાં છે તેમની શું ભૂમિકા છે એની તપાસ ચાલુ છે. તપાસમાં સત્ય જણાશે તો આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવશે. – એસ.એસ.વરુ, પીએસઆઇ, મૂળી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.