Monday, April 15, 2024
Google search engine
HomeGujaratપ્રમુખસ્વામી મહારાજના અંતિમ સંસ્કારમાં આવો હતો ગમગીનીભર્યો માહોલ, આજે પણ તસવીરો જોઈને...

પ્રમુખસ્વામી મહારાજના અંતિમ સંસ્કારમાં આવો હતો ગમગીનીભર્યો માહોલ, આજે પણ તસવીરો જોઈને રડી પડાય છે

અમદાવાદ: આજથી પાંચ વર્ષ પહેલાં આખું ગુજરાત હિબેકે ચડ્યું હતું. એક આઘાતજનક સમાચારે કરોડો હરિભક્તોની આંખોમાં આંસુ લાવી દીધા હતા. આ દુ:ખદ સમાચાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નિધનના હતા. પાંચ વર્ષ પહેલાં 13 ઓગસ્ટ, 2016ના રોજ શનિવાર સાંજે 6 વાગ્યે BAPSના વડા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાળંગપુર મંદિરમાં 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લઈ શ્રીહરિચરણ પામ્યા હતા. આ શોકના સમાચાર મળતાં જ કરોડો હરિભક્તોની આંખો ભીંજાઈ ગઈ હતી.

પ્રમુખસ્વામી મહારાજ અક્ષરગમનના સમાચાર વાયુવેગે પ્રસરતાં વિશ્વભરના હરિભક્તોમાં ભારે શોકની લાગણી પ્રવર્તી હતી. રાજ્ય, દેશ, દુનિયાના વિવિધ ભાગોમાંથી હરિભક્તો દર્શનાર્થે સાળંગપુર ખાતે ઉમટી પડ્યા હતા.

પૂજય પ્રમુખસ્વામી મહારાજ 13 ઓગસ્ટે શ્રીહરિચરણ પામ્યા હતા. ત્યાર બાદ પાંચ દિવસ સુધી સાળંગપુરમાં તેમના અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પાંચ દિવસ દરમિયાન વિશ્વભરના અનેક લોકો લાકોની સંખ્યામાં બાપાના દર્શન કર્યા હતા. પાંચ દિવસ બાદ 17 ઓગસ્ટના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પ્રમુખસ્વામી મહારાજના દર્શન માટે જિલ્લાવાર અલગ અલગ દિવસે વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદેશમાં વસતા હરિભક્તો પણ જે ફ્લાઈટ મળી એ પકડી તાત્કાલિક દર્શન કરવા સાળંગપુર આવી ગયા હતા.

વડાપ્રધાન મોદી, એ વખતના ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ (હાલ કેન્દ્રીય ગૃહમંત્રી) અમિત શાહ, અરૃણ જેટલી, સુરેશ પ્રભુ, રિલાયન્સના અનિલ અંબાણી, મોરારિબાપુ અને બાબા રામદેવ સહિતના સંતો-મહંતો, પૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણી સહિતના અનેક મહાનુભાવોએ સાળંગપુર પહોંચીને પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રમુખ સ્વામી મહારાજે હયાતીમાં ઈચ્છા વ્યક્ત કરી હતી કે ‘ગુરુજી અને સ્વામિનારાયણ ભગવાનની સાક્ષીમાં મને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવે’. જેથી સાળંગપુર સ્થિત મંદિર પરિસરમાં શાસ્ત્રીજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમાની સન્મુખ પ્રમુખ સ્વામી મહારાજના નશ્વરદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કારમાં પગ મૂકવાની જગ્યા ન મળે એટલો મોટો ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કારમાં અનેક ભક્તોની આંખો ભીંજાઈ હતી. બાપાના દેહ સામે હાથ જોડી ભક્તો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા.

લાખો લોકોનાં જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓ સીંચીને તેમનું જીવન-પરિવર્તન કરનારા અને અનેકવિધ સામાજિક સેવાકાર્યોમાં જીવન સમર્પિત કરીને અસંખ્ય લોકોના તારણહાર બનનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરામાં પાંચમા ગુરુદેવ હતા. જીવનભર પરિવ્રાજક રહીને લોકસેવા માટે અવિરત 17,000થી વધુ ગામડાં-નગરોમાં ઘૂમ્યા હતા.

પ્રમુખસ્વામી મહારાજના ગુરૂને પણ સાળંગપુર ધામ પ્રિય હોવાથી પ્રમુખસ્વામીને પણ તેનો અનોખો લગાવ હતો. સંસારનો ત્યાગ કર્યાં બાદ પ્રમુખસ્વામી સૌથી વધારે દિવસો સાળંગપુર ખાતે પસાર કર્યા હતા. બાપા પોતાના આશરે 1300 જેટલા અંતિમ દિવસો સાળંગપુર ખાતે રહ્યાં હતા.

સતત 95 વર્ષ સુધી અનેક કષ્ટો વેઠીને માનવજાતની સેવા માટે પુરુષાર્થ કરનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વડોદરા પાસેના ચાણસદ ગામે વર્ષ 1921માં એક ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા. 19 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને સન 1939માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું હતું. સન 1939માં અમદાવાદ ખાતે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત તરીકે દીક્ષા લીધા બાદ સંસ્કૃતનું અધ્યયન કર્યું હતું. તેના કારણે તેઓ ‘શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી’ બન્યા હતા.

સન 1950માં માત્ર 28 વર્ષની ઉંમરે તેઓ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારથી પ્રમુખસ્વામી મહારાજ તરીકેનું તેમનું નામ લોકલાડીલું બન્યું હતું. સન 1971માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના દ્વિતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અનુગામી તરીકે તેઓ લાખો ભક્તોના ગુરુપદે બિરાજમાન થયા હતા.

નિઃસ્વાર્થ સેવા, અનન્ય ભક્તિ, અહંશૂન્યતા, પ્રચંડ પુરુષાર્થ અને પરમ સાધુતામય જીવનથી તેઓ અસંખ્ય લોકોના હૃદયમાં અનન્ય આદર પામ્યા હતા. ગરીબ આદિવાસીઓના ઝૂંપડાઓથી લઈને પછાત, દલિત અને આપત્તિગ્રસ્ત લોકોની વચ્ચે જઈને તેમણે લાખોને નવું જીવન બક્ષ્યું હતું.

અસંખ્ય લોકોને વ્યક્તિગત રીતે મળીને તેમને વ્યસનમુક્તિની પ્રેરણા આપનાર પ્રમુખસ્વામી મહારાજે બાળ-યુવા પ્રવૃત્તિનું એક મહાન આંદોલન ચલાવ્યું છે. તેમની ઉચ્ચ આધ્યાત્મિક અને વિનમ્ર સેવામય પ્રતિભાથી પ્રભાવિત થઈને દલાઈ લામાથી લઈને વિશ્વભરના અનેક મહાન ધર્મગુરુઓ, ભારતીય રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ કલામ, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન, યુનોના વડા ફી અન્નાન, બહેરીનના શેખ ઈસાથી લઈને વિશ્વના અનેક માંધાતાઓ સહિત સૌ કોઈએ તેમને એક મહાન અને સાચા સંત તરીકે બિરદાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page